લંડનઃ શનિવાર, ૯મી એપ્રિલે શીખોના પવિત્ર તહેવાર ‘વૈશાખી’ની સિટી હોલ અને મોર લંડન રિવરસાઈડ ખાતે ઉજવણી માટે લંડનના મેયર દ્વારા લંડનવાસીઓને આમંત્રણ અપાયું છે. શીખ ધર્મની સ્થાપનાના આ પર્વની ઉજવણીમાં અહીં વસતા ૧,૨૬,૦૦૦થી વધુ શીખ જોડાશે. કાર્યક્રમમાં લોકનૃત્યો, પાઘડી બાંધવી, ગટકા (માર્શલ આર્ટ), શબદ કિર્તન રજૂ થશે.
શીખ સમુદાયને વૈશાખીની શુભેચ્છા પાઠવતા લંડનના મેયર બોરિસ જહોન્સને જણાવ્યું હતું કે, ‘વૈશાખી શીખોનો સૌથી પવિત્ર તહેવાર છે. આ વખતે ફરીથી તેની ઉજવણી સિટી હોલમાં થશે તેનો મને આનંદ છે. સમગ્ર વિશ્વમાં લાખો શીખ દ્વારા વૈશાખીની ઉજવણી કરાશે.’
બપોરના એક વાગ્યાથી સાંજના છ વાગ્યા સુધી સિટી હોલની અંદર તેમજ મોર લંડનમાં સ્કૂપ ખાતે તથા નદીના કિનારે વિવિધ કાર્યક્રમોનું આયોજન થશે. તેમાં બાળકો માટેની પ્રવૃત્તિઓ તથા શીખ કલાકારો દ્વારા પ્રદર્શનનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમો તમામ માટે નિઃશુલ્ક છે. આમ તો, વૈશાખી ૧૩મી એપ્રિલે છે પરંતુ તે અગાઉ તેની ઉજવણી કરાશે. સિંઘ સભા લંડન ઈસ્ટ, ઈવાય શીખ નેટવર્ક અને અન્ય ગ્રુપ સહિત શીખ સમાજના પ્રતિનિધિઓ દ્વારા શીખોની ઓળખ અને સંસ્કૃતિને ઉજાગર કરતા આ તહેવારને ખૂબ આનંદદાયક બનાવવાની તૈયારી ચાલી રહી છે. www.london.gov.uk/vaisakhi પરથી વધુ માહિતી મેળવી શકાશે.