લંડનઃ કેળવણીકાર અને ભારતની આઝાદીના ચળવળકાર સિસ્ટર નિવેદિતાની ૧૫૦મી જન્મજયંતી નિમિત્તે યુકેની સરકારી સંસ્થા ઈંગ્લિશ હેરિટેજ દ્વારા વિમ્બલ્ડનમાં આવેલા તેમના મકાન પર બ્લૂ પ્લેક તક્તીનું અનાવરણ પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજી તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. લંડનની પ્રતિષ્ઠિત બ્લૂ પ્લેક જૂના લોકોને હાલના બિલ્ડિંગો સાથે જોડે છે. લંડન બ્લૂ પ્લેક સ્કીમ ૧૮૬૬માં શરૂ કરાઈ હતી અને આ પ્રકારની સ્કીમમાં તે વિશ્વભરમાં સૌથી જૂની હોવાનું મનાય છે. લંડનમાં પ્રખ્યાત વ્યક્તિઓ જે બિલ્ડીંગમાં રહી હોય અથવા ત્યાં રહીને કામ કર્યું હોય તેવા ૯૦૦થી વધુ બિલ્ડીંગ પર આવી પ્લેક મૂકાયેલી છે.
માર્ગારેટ એલિઝાબેથ નોબલ તરીકે જન્મેલાં સ્કોટિશ-આઈરિશ સમાજસેવિકા અને સ્વામી વિવેકાનંદના શિષ્યા સિસ્ટર નિવેદિતાએ સાઉથવેસ્ટ લંડનની સ્કૂલમાં શિક્ષિકા તરીકે વ્યવસાયિક જીવનની શરૂઆત કરી હતી અને તે વિસ્તારમાં રસ્કિન સ્કૂલની સ્થાપના કરી હતી. ૧૮૯૮માં સ્વામી વિવેકાનંદ સાથે જોડાયા પછી તે વર્ષે જ તેમણે કોલકાતામાં ગર્લ્સ સ્કૂલ સ્થાપી હતી. તેઓ ૩૧ જુલાઈ,૧૯૮૯ના રોજ લંડન આવીને વિમ્બલ્ડનમાં ૨૧, હાઈ સ્ટ્રીટ પર સ્વામી વિવેકાનંદ સાથે થોડા દિવસ રહ્યાં હતાં. પછી તેઓ કાયમ માટે ભારત આવી ગયાં હોવા છતાં ૧૯૦૨ સુધી આ મકાન સિસ્ટર નિવેદિતાનું પારિવારિક નિવાસસ્થાન રહ્યું હતું.