લંડનઃ કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઓર્ગેનાઈઝેશન્સ (CIO)ના સ્થાપક અને પ્રમુખ તારા કુમાર મુખરજીનું તારીખ ૧૧ ફેબ્રુઆરી, ૨૦૧૬, ગુરુવારે સવારે નિધન થયું હતું. તેઓ ૯૨ વર્ષના હતા.
કલકત્તાથી લેસ્ટરશાયર કાઉન્ટી ક્રિકેટ ક્લબ માટે રમવા તેઓ ૧૯૪૮માં ઈંગ્લેન્ડ આવ્યા હતા. ભારત પાછા ફરવાના સ્વપ્નને ત્યાગી તેમણે ૧૯૫૧માં લેડી પેટ્રિસિયા સાથે લગ્ન કર્યા હતા અને પહેલાં લેસ્ટર અને ત્યાર પછી બ્રેન્ટવૂડ એસેક્સમાં સ્થાયી થયા હતાં. તેમણે ૧૯૭૫માં તત્કાલીન ભારતીય રાજદૂત બી.કે નહેરુના સૂચનથી સીઆઈઓની સ્થાપના કરી હતી. સીઆઈઓના નેજા હેઠળ તેમણે આ દેશના રેસ રિલેશન્સમાં મોટો ફાળો આપ્યો હતો.
તેમણે રંગભેદ નાબૂદ કરવા સરકારે રચેલી ત્રણ સંસ્થા - ડીસીબીલિટી, વિમેન એન્ડ રેસ રિલેશન્સને નાબૂદ કરી તેના સ્થાને એક જ સંસ્થા - ઈકવલ ઓપોર્ચ્યુનિટીસ કમિશનની સ્થાપના માટે સતત ચાર વર્ષ લડત ચલાવી હતી. આ પછી સરકારે તેમના પ્રસ્તાવને મંજૂરી આપી હતી.
૧૯૭૫થી ૧૯૯૬માં રંગીન વસાહતીઓના હિત માટે સીઆઈઓના મંતવ્યો રજૂ કરી વસાહતીઓના લાભાર્થે સૂચનો કરવા સાથે ઘણી મહેનત કરી હતી. તારા કુમાર મુખરજીએ યુરોપિયન મલ્ટીકલ્ચરલ ફાઉન્ડેશનની સ્થાપના કરી યુરોપના બિનગોરા નાગરિકોના કલ્યાણ માટે પણ અભિયાનો ચલાવ્યા હતા.
ગત વર્ષે સીઆઈઓ ૪૦મી વર્ષગાંઠ નિમિતે લોર્ડ નવનીત ધોળકીયાએ કહ્યું હતું કે ‘સીઆઈઓ આ દેશના રંગીન નાગરિકોની પ્રથમ સંસ્થા હતી. તારા મુખરજી, કાન્તિ નાગડા અને સી.બી.પટેલે આ દેશના ત્રણે મુખ્ય રાજકીય પક્ષોની વાર્ષિક સભાઓમાં જઈ બીન ગોરા લોકોના પ્રશ્નોને વાચા આપી હતી.’
મૃત્યુ સમયે પણ તારા મુખરજી સીઆઈઓ અને ઈએમએફના પ્રમુખ હતા. તેમના નિધનથી આ બંને સંસ્થાઓ અને ભારતીય વસાહતીઓને ભારે ખોટ પડશે.