સુભદ્રાબહેન જોશી, નામ જાણીતું નથી અને ફોટા પણ ક્યાંય છપાયા નથી, પરંતુ તેમનું કામ બોલે છે. જન્મ જામજોધપુરમાં ૧૯૩૫ થયો, રાણાવાવમાં મામાના ઘરથી ધોરાજી, પિતા હિંમતલાલ છોટાલાલ જાની પાસે જતા રસ્તામાં જ તેમનો જન્મ થયો. ઘરમાં સૌથી મોટા બહેન. ભાઈ - મનસુખભાઇ ને બે નાની બહેનો, અને સંયુક્ત કુટુંબની જવાબદારી પોતાની ઉપર લઇ લીધી. પિતાજી ધોરાજી કન્યા શાળાના પ્રતિષ્ઠિત આચાર્ય રહ્યા. શ્રી હિંમતલાલ જાનીના સંસ્કાર અને ગંભીરતા સાથે દાદાજી છોટાલાલ અંબારામ જાની (ધોરાજી જનાના હોસ્પિટલના સ્થાપક ડોક્ટર)ના શ્રી સુખનાથ મંદિરમાંના પ્રાંગણમાં શિવજીની સેવા - પૂજાઅર્ચના સાથે બાળપણ વીતાવ્યું. પિતાજીને નૈરોબી, કેન્યાની વિશા ઓસ્વાલ શાળામાં આચાર્ય તરીકે બોલાવાયા. પરિવાર સાથે આફ્રિકા જઈને વસવાટ કર્યો. મૂળ ગોંડલ, પરબડી (ધોરાજી)ના ભાણજી પ્રાણજીવન જોશીના દીકરા સુરેશચંદ્ર જોશી સાથે લગ્ન થયા. શ્રી સુરેશભાઈ ખૂબ નીતિવાળા. ચારિત્ર્યવાન કસ્ટમ ઓફિસર સાથે લગ્નજીવન શરૂ થયું. તેમને ત્યાં બે કુલદીપક શ્રી ભરતભાઈ અને શ્રી દીપક જોશીનો જન્મ થયો. દીપકભાઈ ખુબ શ્રેષ્ઠ ફોટોગ્રાફર અને બીબીસીના એવોર્ડ વિનિંગ પત્રકાર બન્યા. હાલના વડા પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સંઘ પ્રચારક હતા ત્યારે તેમની સાથે ખૂબ કામ કર્યું.
૧૯૭૦ના દાયકામાં આફ્રિકા, યુગાન્ડામાં પરિસ્થિતિ બગડતા ભાવનગર (ભારત)માં વસવાટ કર્યો. આફ્રિકામાં આફ્રિકન સ્ત્રીઓને ભણવાનું શીખવાડતા હતા, જે ભાવનગરમાં આફ્રિકન મહિલાઓ મળી જતા તેના વિકાસ અને ભણતર માટે ખૂબ કામ કર્યું. નાનકડા ટ્રેનિંગ સેન્ટરમાં કપડાંની સિલાઇ, ભરતકામ, વાંસનું કામ શીખવાડીને તેમને ખૂબ ભણાવ્યા અને મદદ કરી. ૨૦-૨૫ વર્ષ મૂંગા મોઢે સુરેશભાઈ સાથે સેવાનું કામ કર્યું. જેનો રિપોર્ટ ભૂતપૂર્વ વડા પ્રધાન શ્રીમતી ઇન્દિરાબહેન ગાંધીને મળતા ઈન્દિરાબહેને સુભદ્રાબહેનને અમદાવાદ મળવા બોલાવ્યા અને આફ્રિકન લોકોને ખાસ અનુસૂચિત જનજાતિનો દરજ્જો આપ્યો. આ એક ખૂબ જ મોટી સિદ્ધિ હોવા છતાં એમણે ક્યારેય પ્રસિદ્ધિના ઢોલ પીટ્યા નહીં કે મોટાઈ દેખાડી નહિ. તેઓ હંમેશા કહેતા ‘ભગવાને મને તક આપી છે ને મેં કામ કર્યું... કરીને પછી ભૂલી જવાનું...’
સુભદ્રાબહેનના દેરાણી પાંચ નાની દીકરીઓ મૂકીને મૃત્યુ પામતા તેમણે પાંચેય દીકરીઓને મોટી કરીને ભણાવી-ગણાવી, સંસ્કાર આપ્યા. લગ્ન કરીને સાસરે વળાવી અને પોતાના કુટુંબ સંસ્કારની મહેક દીપાવી. ખૂબ શાંત, મિતભાષી સ્વભાવ અને જિંદગીભર પોતાની આવક બીજાની મદદ માટે વાપરતા રહ્યા. પોતાની બિલકુલ કોઇ માંગણી નહિ, કોઈનું દિલ દુભાવવાનું નહિ. અપકાર કરનાર ઉપર પણ ઉપકાર કરવાની તેમની ભાવના, કોઈની ગમેતેવી મોટી ભૂલને પણ માફી આપી દઈને જીવનમાં આગળ વધતા રહેવું તે જ તેમનો જીવનમંત્ર હતો.
આ સાથે ભાવનગર તાપીબાઈ વિકાસ ગૃહમાં તેઓએ બચીબહેન અને ભાનુબહેન સાથે મળી દીકરીઓના વિકાસના ઉત્તમ કાર્યો કર્યા. એ દીકરીઓએ સુભદ્રાબહેન - સુરેશભાઈને મામા અને મામીનું બિરુદ આપ્યું. આજે તેમને યાદ કરીને અનેક અનાથ દીકરીઓ અને અનેક પરિવારના આંસુ સુકાતા નથી. પોતાની જિંદગી અને જુસ્સો બીજા લોકોના હિતાર્થે વાપરવામાં તેઓ ગૌરવ અનુભવતા હતા. એક દિવસ ગાયત્રી યુગ નિર્માણના પૂજ્ય રામશર્મા આચાર્યજી ભાવનગરમાં સર્વ પ્રથમ લક્ષચંડી હવન પછી ઘરે જમવા આવ્યા હતા ત્યારે સુભદ્રાબહેનના સેવાકાર્યોની ખૂબ સરાહના થઇ હતી. ૧૯૪૫માં ધોરાજી કન્યા શાળામાં ભાવનગરના મહારાજા શ્રી કૃષ્ણકુમાર સિંહજી (એક ભારત માટે સરદાર પટેલને સૌપ્રથમ પોતાનું રાજ્ય સોંપનાર)ના પત્ની (ગોંડલ સ્ટેટ) સાથે સેવા કરતા મિત્રતા થઇ હતી, તેઓ પણ ભાવનગરમાં હતા. આથી બન્ને બહેનપણી મળતા અને પોતાની નંદકુંવરબા કન્યા શાળાની વાતો કરતા. આવા હતા સુભદ્રાબેન સુરેશચંદ્ર જોશી.
આપણા સૌના લાડીલા સુભદ્રાબહેન જોશીએ ૧૦મી મે ૨૦૨૧, સોમવતી અમાસના રોજ ૮૬ વર્ષે લેસ્ટર-યુકેમાં વિદાય લીધી છે. યોગાનુયોગ તેમનો જન્મદિવસ પણ ૧૦મી મે છે અને તેમની અંતિમ વિદાય પણ ૧૦મી મે છે. આમ જન્મ અને મૃત્યુનો મહોત્સવ સાથે ઉજવાયો. તેમાં ગ્રાન્ડ સન ધ્રુવ જોશી અને માનસી જોશી બાએ આપેલા સંસ્કાર અને ધર્મ માટે ખુબ ગૌરવ અનુભવે છે.
એક અદભુત યોગાનુયોગ છે કે ‘ગુજરાત સમાચાર’ના લબ્ધપ્રતિષ્ઠિત તંત્રી શ્રી સી.બી. પટેલની આફ્રિકા, દાર-એ-સલામ કસ્ટમ વિભાગની લિવિંગ પાર્ટીમાં (૧૯૬૬) સુભદ્રાબેન હાથે બનાવેલી વાનગીઓ લઇને ગયા હતા. આ જોશ અને જોમ ધરાવતા સન્નારી સુભદ્રાબહેન સુરેશચંદ્ર જોશીને શતઃ શતઃ નમન... તેમની આ મૌનસેવા, પરોપકારની ભાવના અને કાર્યોને તેમના દીકરા દીપકભાઈ અને પુત્રવધુ ઇશિતા જોશી પણ સતત વહેતાં રાખશે તેમાં કોઇ બેમત નથી.