આપણા સૌના જાણીતા ભાષા શાસ્ત્રી, માતૃભાષા શિક્ષણનો ભેખ ધરનાર ડો.જગદીશભાઇ દવેના નાના ભાઇ, આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર કલાકાર શ્રી પ્રફુલ્લભાઇ જયંતભાઇ દવે, સ્વીટર્ઝલેન્ડ નિવાસી ઝ્યુરીક ખાતે તા.૧૫-૬-૨૨ના રોજ શાંત ચિત્તે ચિર નિંદ્રામાં પોઢી ગયા. આ આઘાતજનક સમાચારથી એમના પરિવાર, મિત્રો અને ચાહકોમાં તેમજ આર્ટીસ્ટ જગતને ભારે ખોટ પડી છે.. જન્મે એનું મૃત્યુ નિશ્ચિત છે એવું જાણવા છતાં જીરવવું મુશ્કેલ છે. એક સપ્તાહ બાદ તો ભાઇ સાથે લંડન રહેવા આવવાનું આયોજન કર્યું હતું અને બેગ પણ તૈયાર કરી હતી.
૧૧મી જુને શ્રી પ્રફુલ્લભાઇ સ્ટુડીએથી નીકળી પોતાના પૌત્ર માટે ખાવાનું લેવા જતા હતા ને દુકાનમાંથી બહાર નીકળતાં અચાનક ઠોકર વાગી ને પડી ગયા. પથ્થર સાથે માથું અથડાતાં હોસ્પીટલમાં લઇ જવાયા. સારવાર દરમિયાન જણાયું કે એમને બ્રેઇન હેમરેજ થઇ ગયું છે. તત્કાળ વડિલ બંધુને જાણ કરાઇ અને ૧૩મીએ ઝ્યુરીક પહોંચી ગયા. બે દિવસમાં જ પંદરમીએ પ્રાણ પંખેરૂં ઉડી ગયું. અંતિમ શ્વાસ સુધી કાર્યરત આ નાનાભાઇની ચિર વિદાય મોટાભાઇ માટે ભારે આઘાતજનક બની ગઇ. બે ભાઇઓ સાથે રહેવાનું સ્વપ્ન અચાનક રોળાઇ ગયું. માણસ ધારે શું અને કુદરત કરે શું?
સદ્ગત એમની પાછળ પત્ની ક્લોડીયા, પુત્રો કેન અને રાહુલ તેમજ ચાર પૌત્ર-પૌત્રીઓના પરિવારની લીલી વાડી મૂકી ગયા છે.
૧૯૩૪માં ભાવનગરમાં એમનો જન્મ થયો હતો. ૧૯૫૭માં વડોદરાની એમ. એસ. યુનિવર્સિટીની આર્ટ્સ ફેકલ્ટીમાંથી પેઇન્ટીંગમાં ડીગ્રી મેળવી. "બરોડા ગૃપ"ના સ્થાપક સભ્યોમાંના એક છે. મુંબઇની ભૂલાભાઇ ઇન્સ્ટીટ્યુટમાં સ્ટુડીઓ કર્યો અને બોમ્બે સ્ટેટ એક્ઝીબીશનમાં ઇનામ મેળવ્યું. નવી દિલ્હીની કુમાર ગેલરી આયોજીત ન્યુયોર્કના એકઝીબીશનમાં ગૃપ શોમાં ભાગ લીધો. ત્યારબાદ લંડન આવી અત્રેની ફિલ્મ સ્કૂલમાંથી સિનેમેટોગ્રાફીનો અભ્યાસ કર્યો. ભારત અને વિદેશોમાં ઘણાં બધાં વન મેન અને ગૃપ શો કરી લોકચાહના મેળવી છે.
ગુજરાત સમાચારમાં નિયમિત આવતી ડો.જગદીશભાઇ દવેની કોલમ "લર્ન ગુજરાતી" નું પુસ્તક પ્રસિધ્ધ થયું જેનું મુખપૃષ્ટ પ્રફુલભાઇએ બનાવ્યું હતું. એના વિમોચન પ્રસંગે ઝ્યુરીકથી લંડન હાજરી આપવા ખાસ આવ્યા હતા. લોર્ડ મેઘનાદ દેસાઇના વરદ્ હસ્તે એનું લોકાર્પણ થયું હતું. કલાકાર કદી મરતો નથી. એની કૃતિઓમાં સદાય જીવંત રહે છે.
આવા એક મોટા ગજાના કલાકારને "ગુજરાત સમાચાર" પરિવાર અંજલિ અર્પતા એમના મોટાભાઇ તેમજ પરિવારને આ ઘા જીરવવાની શક્તિ પરમ કૃપાળુ પરમાત્મા આપે એમ પ્રાર્થે છે.
ૐ શાંતિ: શાંતિ: શાંતિ: