સુવિખ્યાત વરિષ્ઠ બેંકર શ્રી નટુભાઇ બી. દેસાઇનું નિધન

Wednesday 30th December 2020 04:57 EST
 
 

બેંક ઓફ બરોડાના જનરલ મેનેજર અને ઇકવેટોરીયલ બેંકના સ્થાપક શ્રી નટુભાઇ દેસાઇના નામથી બેંકીંગ જગતમાં ભાગ્યેજ કોઇ અજાણ હશે. છેલ્લા બારેક વર્ષથી વડોદરામાં નિવૃત્ત જીવન વિતાવી રહેલ શ્રી નટુભાઇએ ૧૭ ડીસેમ્બર ૨૦૨૦ના રોજ ૯૩ વર્ષની વયે દેહત્યાગ કર્યો છે. સદ્ગતના સ્વર્ગવાસથી પત્ની ઇન્દિરાબહેન અને દિકરી અ.સૌ. પ્રજ્ઞાબેન, પુત્ર આશુતોષ અને પરિવારને ન પૂરાય એવી ખોટ પડી છે.
૨૩ માર્ચ ૧૯૨૭માં જલાલપોર, ભારતમાં એમનો જન્મ થયો હતો. નાનીવયમાં પિતાશ્રી ભીમભાઇનું અવસાન થતાં છત્ર ગુમાવ્યું. એમના માતુશ્રીના શિરે નાના ભાઇ સહિત બે દિકરાઓના ઉછેરની જવાબદારી આવી પડી હતી. શ્રી નટુભાઇએ એસ.એસ.સી પાસ કરી ૧૯૪૭માં બેંક ઓફ બરોડામાં સર્વિસ શરૂ કરી. ૧૯૪૮માં ઇન્દિરાબહેન સાથે લગ્નગ્રંથિથી જોડાયાં. ૧૯૫૯માં એમની કમ્પાલા બદલી થઇ. એમણે ત્યાં મોમ્બાસા, મોશી, જીન્જા અને કમ્પાલાની બેંકમાં ફરજ બજાવી. ૧૯૭૨માં ઇદી અમીને મોટા ભાગના એશિયનોની હકાલપટ્ટી કરી ત્યારે ઇદી અમીન સામે ગણ્યા ગાંઠ્યા ઉભા રહ્યા જેમાં શ્રી નટુભાઇ પણ હતા. બે વર્ષ બાદ ૧૯૭૪માં લંડનની બેંક ઓફ બરોડામાં એમનું જનરલ મેનેજર તરીકે પોસ્ટીંગ થયું. યુગાન્ડન એશિયન ડાયસ્પોરાને મદદ કરવાની મહત્વપૂર્ણ જવાબદારી એમને સોંપાઇ. પરિણામસ્વરૂપ બેંકે એની શાખાઓનું વિસ્તરણ કર્યું.
૧૯૯૨માં બેંક ઓફ બરોડા છોડ્યા બાદ ઇક્વેટોરીયલ બેંકની સ્થાપના કરી. મેનેજીંગ ડીરેક્ટર તરીકે વર્ષો સુધી સેવા આપી.
નિવૃત્તિ બાદ ભારત જઇ મુંબઇ અને વડોદરા શહેરોમાં રહેતા. ૨૦૧૦માં એમના મોટા દિકરા અશોકનું કેન્સરની બિમારીને કારણે અવસાન થતાં ભારે આઘાત અનુભવ્યો હતો. છેલ્લા બારેક વર્ષથી વડોદરામાં જ સ્થાયી થયા હતા. ઓક્ટોબર ૨૦૨૦ની આખરમાં એમને Oesophageal કેન્સર થયાનું નિદાન થયા બાદ ૧૭ ડીસેમ્બરે એમણે જીવનલીલા સંકેલી લીધી.
પરમકૃપાળુ પરમાત્મા સદ્ગત આત્માને ચિર શાંતિ અને સદ્ગતિ અર્પે તથા એમના પરિવારને આ આઘાત જીરવવાની શક્તિ આપે એવી ગુજરાત સમાચાર પરિવારની પ્રાર્થના. સંપર્ક: વિજયકુમાર દેસાઇ (જમાઇ) 01923 223 751


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter