ગાયક-સંગીતકાર પુરુષોત્તમભાઇ ઉપાધ્યાયની ચિરવિદાયે આંખોમાં આંસુ લાવી દીધા છે અને દિલ શોકાતુર કરી દીધું છે. 1968થી આ દેશમાં પુરુષોત્તમભાઇના મોટા ભાગના કાર્યક્રમ મેં કર્યા છે અને મારી પાસે બધા રેકોર્ડિંગ્સ પણ છે.
આગલા સપ્તાહે જ મેં તેમના પત્ની ચેલનાભાભી સાથે વાત કરી હતી ત્યારે તેમણે કહ્યું હતું કે કરોડરજ્જૂનું કેન્સર અને ડિમેન્શિયાની તીવ્ર અસરથી તેઓ લોકોને ઓળખી શકતા નથી. આ પછી તેમણે કહ્યું કે તમારો ચહેરો તેમને દેખાડવા દો, પછી તેમનો પ્રતિભાવ જોઇએ. મેં કહ્યું કે નમસ્તે, ‘ડોન’... અને તરત તેઓ ઉત્સાહભેર બોલ્યા, ‘ઓહ વિન્યા, લંડન... ભારતમાં છો કે લંડનમાં?’ અને મેં કહ્યું કે લંડનમાં, પણ મુંબઇ આવી રહ્યો છું અને 29મી ડિસેમ્બરે સાંજે તમને મળવા આવવાનો છું. તેઓ ખૂબ ખુશ થઇ ગયા હતા. હું હંમેશા તેમને ‘ડોન’ કહીને બોલાવતો હતો. તેઓ અનંતની યાત્રાએ નીકળી ગયા છે, અને પાછળ - તેમણે કમ્પોઝ કરેલા ગીતસંગીતનો - અદ્ભૂત અને સમૃદ્ધ વારસો મૂકતા ગયા છે. મારા નિવાસસ્થાને તેમના ઘણા લાઇવ પ્રોગ્રામ મેં યોજ્યા હતા અને તેના રેકોર્ડિંગ્સ અને ફોટોગ્રાફ્સની શાનદાર યાદો અંતિમ શ્વાસ સુધી હું ભૂલી શકવાનો નથી. મને પદ્મશ્રી પુરુષોત્તમભાઇ ઉપાધ્યાયની બહુ જ ખોટ સાલશે.
1968માં હું પુરુષોત્તમભાઇને - ચેલનાભાભી અને થોડાક મહિનાની જ દીકરી વિરાજ સાથે - ડ્રાઇવ કરીને લુટન, માંચેસ્ટર, લીડ્સ, રોશડેલ તેમજ અન્ય શહેરોમાં પ્રોગ્રામ માટે લઇ ગયો હતો, જેની યાદ મારા માટે આજીવન અવિસ્મરણીય બની રહેશે.
ભગવાન શિવજી તેમના આત્માને પરમ શાંતિ અર્પે તેવી પ્રાર્થના...