લંડનઃ રવિવાર ૧૧ નવેમ્બરના ઐતિહાસિક દિવસે પ્રથમ વિશ્વ યુદ્ધના અંતની શતાબ્દી ઉજવાઈ હતી. આ મહાયુદ્ધમાં ૧૩ લાખ ભારતીયો કોમનવેલ્થના અન્ય સૈનિકો સાથે ખભા મિલાવીને લડ્યા હતા. સ્થાનિક રીમેમ્બરન્સ ડે સર્વિસીસમાં ઘણા OneJAIN સમૂહોએ ભાગ લીધો હતો પરંતુ, જૈનો માટે આ વધુ ઐતિહાસિક દિન એટલા માટે બની રહ્યો કે જૈન ઓલ પાર્ટી પાર્લામેન્ટેરી ગ્રૂપ સાથે વર્ષો લાંબા અભિયાન પછી અન્ય ધર્મસંપ્રદાયો અને શાહી પરિવારની સાથે જૈનોને પણ સેનોટાફ ખાતે સ્થાન અપાયું હતું. ઘંટના નાદ સાથે બે મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને દેશભરના જૈન દેરાસરોમાં બૃહદ શાંતિપાઠનું વાંચન કરાયું હતું.
આપણે જેમના બલિદાન થકી વધુ શાંતિપૂર્ણ વિશ્વમાં જીવીએ છીએ તે અસંખ્ય સ્ત્રી-પુરુષોને શ્રદ્ધાંજલિ અર્પવા યુકેના જૈન સમુદાય વતી ઈન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજીના અધ્યક્ષ શ્રી નેમુભાઈ ચંદેરિઆએ OneJAIN નું પ્રતિનિધિત્વ કર્યું હતું. સેનોટાફ સમારોહ પછી મહારાણીની ઉપસ્થિતિમાં વેસ્ટમિન્સ્ટર એબી ખાતે રીમેમ્બરન્સ સર્વિસનું આયોજન કરાયું હતું.