લંડનઃ સેન્ટ લ્યૂક્સ હોસ્પાઈસ માટે ભંડોળ એકત્ર કરવા ૧,૪૦૦ મહિલાએ શુક્રવાર ૩૦ જૂને મિડનાઈટ વોકનું આયોજન કર્યું હતું. હોસ્પાઈસ માટે વર્ષના સૌથી મોટા ગણાતા ઈવેન્ટમાં મધરાતે હેરો અને બ્રેન્ટની શેરીઓમાં ચાલીને આ મહિલાઓએ ૧૮૦,૦૦૦ પાઉન્ડથી વધુ રકમ એકત્ર કરી હતી. આ ઈવેન્ટને હેરોના સેન્ટ જ્યોર્જ્સ શોપિંગ સેન્ટર દ્વારા સ્પોન્સર કરાયો હતો.
હોસ્પાઈસના સ્થાપક સભ્યોમાંના એક અને ચીફ પેટ્રન લોર્ડ ડોલર પોપટે આ વોકને લીલી ઝંડી ફરકાવી હતી. લોર્ડ પોપટે જણાવ્યું હતું કે સ્થાનિક બ્રિટિશ ઈન્ડિયન કોમ્યુનિટી હોસ્પાઈસ સાથે જોડાતી જાય છે તેનો આનંદ છે. આ વાર્ષિક ઈવેન્ટનો આરંભ સૌ પ્રથમ ૨૦૦૮માં કરાયો હતો અને તે પછી દર વર્ષે તેમાં ભાગ લેનારાની સંખ્યા વધતી ગઈ છે. તમામ કોમ્યુનિટી, પશ્ચાદભૂ, ક્ષમતા અને વયના લોકોએ પાંચથી નવ માઈલની વોકમાં ઉમંગથી ભાગ લીધો હતો.
હોસ્પાઈસ અસાધ્ય બીમારી ધરાવતા તમામ લોકો માટે ખુલ્લી છે, જ્યાં અમૂલ્ય સારવાર અપાય છે. માત્ર પેશન્ટને નહિ, તેમના પરિવાર અને સંભાળ લેનારાઓને પણ તેનાથી ટેકો મળે છે. સેન્ટ લ્યૂક્સના ફંડરેઈઝિંગ ડિરેક્ટર પામ રસેલે મિડનાઈટ વોકમાં હોંશથી ભાગ લેનારી મહિલાઓ તેમજ ૨૫૦ વોલન્ટીઅર્સનો આભાર માન્યો હતો. ગોપિકા પટેલ, શ્રીના પટેલ, માર્સિયા જ્હોન-બાપ્ટિસ્ટ, ટ્રેસી એશ્લે, ‘ધ બ્લુ લાઈટ્સ’ ટીમના સભ્યો સહિતની મહિલાઓએ વોકમાં ભાગ લીધાનો આનંદ વ્યક્ત કર્યો હતો.