લંડનઃ મેડમ મેયર ડેબી કૌર થિઆરાએ રેડબ્રિજમાં ૧૪ ઓક્ટોબર, રવિવારે સેવા ડેનો સત્તાવાર આરંભ કર્યો હતો. આ પરિવર્તનકારી દિવસનું કાર્ય ઈલ્ફોર્ડ વીએચપી કોમ્યુનિટી સેન્ટરમાં સવારના ૧૦.૩૦થી સાંજના ૫.૦૦ વાગ્યા સુધી ચાલ્યું હતું. કોમ્યુનિટીની મદદ માટેના આ કાર્યક્રમમાં સૌથી નાના સ્વયંસેવકની વય નવ વર્ષ અને સૌથી વડીલ સ્વયંસેવકની વય ૮૫ વર્ષની હતી.
મેડમ મેયરે જણાવ્યું હતું કે,‘પર્યાવરણની દેખરેખ રાખવા લોકોને પ્રોત્સાહિત કરાય છે તે ખરેખર આનંદની બાબત છે. હું આજે સાઉથ પાર્કમાં ધ ગ્રેટ વ્હાઈટ ચેરી વૃક્ષને રોપી રહી છું તે દાયકાઓ સુધી ત્યાં રહેશે તેમજ વૃક્ષો અને છોડ રોપવાના મહત્ત્વની યાદ કરાવતું રહેશે. વૃક્ષો માનવીના શ્રેષ્ઠ મિત્રો છે. લોકો પોતાની સ્થાનિક કોમ્યુનિટીની સહાય કરે તેનું મહત્ત્વ છે અને સેવા ડે તેને પ્રોત્સાહન આપે છે. એ સાંભળીને આનંદ થયો કે સેવા ડેનો ખરેખર આરંભ ૨૦૦૧માં રવિ ભાનોટ અને બાલી ભલ્લા તથા થોડા મિત્રો સાથે ઈલ્ફોર્ડમાં કરાયો હતો. આજે ૧૦થી વધુ દેશમાં તેનો પ્રસાર થયો છે અને ૭૫,૦૦૦થી વધુ લોકો ભાગ લઈ રહ્યાં છે.’
આ કાર્યક્રમમાં અભરાઈઓ સાથે નવી લાયબ્રેરી બનાવાઈ હતી તેમજ તેના પર પુસ્તકો ગોઠવવામાં આવ્યાં હતાં. ટોઈલેટ્સ તથા કોમ્યુનિટી સેન્ટર અને શિવાજી હોલની સુંદર સફાઈ કરવામાં આવી હતી. પંડિતજીના બાથરુમમાં ટાઈલિંગ સાથે પેનલ્સ ગોઠવણી, ભેજવાળી જગ્યાઓને પેઈન્ટ માટે તૈયાર કરવી, ટોઈલેટ્સની બેઠકોનું સમારકામ, સમગ્ર સેન્ટરનું વેક્યુમ ક્લીનિંગ અને બારીઓની સફાઈ સહિતના કાર્યો કરવામાં આવ્યાં હતાં.