લંડનઃ રવિવાર 7 જુલાઈએ સેંકડો હિન્દુ ભાવિકોએ જગન્નાથ રથ યાત્રાની ઊજવણીમાં ભાગ લીધો ત્યારે સ્ટેનમોર બ્રોડવે વિસ્તાર રંગ અને સંગીત થકી જીવંત બની ગયો હતો. માર્શ લેનથી બ્રોડવે સુધીની રથયાત્રામાં જોડાયેલા ભાવિકો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ હતા. સુંદર રીતે શણગારાયેલા રથની શોભા અપાર હતી અને લોકો તાળીઓ વગાડતા નૃત્ય-સંગીત સાથે યાત્રામાં સામેલ થયા હતા.
રથ યાત્રા શેરીઓમાં થઈ સલામત અને સરળતાથી આગળ વધતી રહે તે માટે યાત્રાના માર્ગ પર પોલીસ તહેનાત હતી. રથયાત્રામાં સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાના પ્રદર્શન સાથે સ્થાનિક કોમ્યુનિટીના સભ્યો એકતા અને આધ્યાત્મિકતા સાથે અરસપરસ આનંદ માણી રહ્યા હતા. સારાં નસીબે આકાશ સ્વચ્છ રહેતા રથયાત્રાને વરસાદનું વિઘ્ન નડ્યું ન હતું.
જગન્નાથ રથ યાત્રાને પુરી રથ યાત્રા તરીકે પણ ઓળખાવાય છે. હિન્દુ તહેવારોમાં રથયાત્રા અનેરું સ્થાન ધરાવે છે. આ વાર્ષિક ઊજવણીમાં ભગવાન જગન્નાથ તેમના મોટા ભાઈ બલરામજી અને બહેન દેવી સુભદ્રા સાથે ઓડિશાના પુરીના મંદિરથી ગુંડિચા મંદિર સુધી રથમાં યાત્રા કરે છે. આ ઉત્સવ હિન્દુ પંચાંગના અષાઢ મહિનાના શુક્લ પક્ષની દ્વિતિય તિથિએ ઉજવાય છે જે આ વર્ષે 7 જુલાઈએ હતી.
રથયાત્રાની ઊજવણીનો આરંભ વિવિધ ધાર્મિક વિધિઓ સાથે કરાય છે જેમાં મૂર્તિઓને સ્નાન કરાવવું, નવા વસ્ત્રો અને આભૂષણો પહેરાવવા અને ભવ્ય રીતે શણગારાયેલા રથમાં તેમને બેસાડવાનો સમાવેશ થાય છે. ભગવાન જગન્નાથ, બલરામજી અને દેવી સુભદ્રાને બેસાડવામાં આવે છે તે રથની કાષ્ઠની બારીક કોતરણી, રંગબેરંગી કાપડ જોવાલાયક હોય છે અને તે ઉત્સવની ભાવના અને સમર્પણનું પ્રતીક બની રહે છે.