"ગુજરાત સમાચાર" તથા "એશિયન વોઇસ" સાપ્તાહિકો દ્વારા પ્રયોજીત અને કાર્ડીફ સ્થિત હિન્દુ કાઉન્સિલ વેલ્સ અને બર્મિંગહામ સ્થિત શ્રી હિન્દુ કોમ્યુનિટી સેન્ટરના સહયોગથી યોજાયેલ ગુજરાતના વિખ્યાત ગાયીકા માયા દીપક અને સાથી કલાકારોના ગીત સંગીત કાર્યક્રમ "પિતૃ વંદના - ભૂલી બિસરી યાદે"ને અદ્ભુત સફળતા સાંપડી હતી. માર્ચ અને એપ્રિલ માસમાં માતૃ વંદના કાર્યક્રમને બ્રિટનભરના વિવિધ શહેરોમાં મળેલી જ્વલંત સફળતા પછી જૂન માસ દરમિયાન લેસ્ટર, લંડન, કાર્ડીફ અને બર્મિંગહામ ખાતે "પિતૃ વંદના - ભૂલી બિસરી યાદે" કાર્યક્રમનું આયોજન થયું હતું. જેને બ્રિટનની જનતા તરફથી ખૂબ લોકઆવકાર સાંપડ્યો હતો.
આપણા સૌના પરિવારને સ્નેહ, સંસ્કાર અને સમૃદ્ધી આપીને સંતૃપ્ત બનાવનાર પિતા, બાપુજી અને પપ્પાને ગીત, સંગીત અને શબ્દોના માધ્યમથી અંજલિ અર્પણ કરવા માટેના કાર્યક્રમનું શાનદાર આયોજન ગત શનિવાર તા. ૨૪-૬-૧૭ના રોજ કાર્ડીફ સ્થિત હિન્દુ કાઉન્સિલ વેલ્સ દ્વારા શ્રી સનાતન ધર્મ મંડળ અને હિન્દુ કોમ્યુનીટી સેન્ટર, કાર્ડીફ ખાતે કરવામાં આવ્યું હતું. સમી સાંજે આહ્લાદક વાતાવરણમાં યોજાયેલા કાર્યક્રમમાં વિખ્યાત ગાયીકા માયા દીપક અને રામહંસજીએ સાથી કલાકારો રોબિન (કીબોર્ડ), પરેશ વાઘેલા (અોક્ટાપેડ) અને અમરદીપ (તબલા)ના સથવારે એક પછી એક જુની હિન્દી ફિલ્મોના લોકપ્રિય ગીતો રજૂ કરતા શ્રોતાઅો મંત્રમુગધ થઇ ગયા હતા. શ્રોતાઅોએ પણ વિવિધ ગીતોમાં પોતાનો સુર પૂરાવ્યો હતો અને ગીતોની ફરમાઇશ કરી હતી. જેને કલાકારોએ પૂર્ણ કરી હતી.
કાર્યક્રમ દરમિયાન હિન્દુ કાઉન્સિલ વેલ્સના યુવાન કાર્યકર પ્રદ્યુમન હાલાઇ દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાના અનાવરણ માટેના પ્રોજેક્ટનું પ્રેઝન્ટેશન કરવામાં આવ્યું હતું. જેમાં મહાત્મા ગાંધીની પ્રતિમા, તેના રચયિતા, વેલ્સની સ્થાનિક સરકારના યોગદાન વગેરેનો સમાવેશ કરાયો હતો. તેમણે જાહેરાત કરી હતી કે આગામી ૨ અોક્ટોબરના રોજ ગાંધીજી પ્રતિમાનું આનાવરણ વેલ્સમાં સીટી સેન્ટર ખાતે થશે.
ગુજરાત સમાચારના ન્યુઝ એડિટર કમલ રાવે જણાવ્યું હતું કે "અમારા તંત્રી શ્રી સીબી પટેલના વિચાર બીજ સમા માતૃ વંદના અને પિતૃ વંદના કાર્યક્રમો અને આ માટેના સ્પેશ્યલ મેગેઝીનોને બ્રિટનભરમાં વ્યાપક સફળતા મળી છે. તેમણે કાર્યક્રમમાં ઉપસ્થિત સૌ શ્રોતાઅોને ફાધર્સ ડે નિમિત્તે યોજાયેલા આ કાર્યક્રમમાં ભારતના 'ફાધર અોફ ધ નેશન' મહાત્મા ગાંધીજીની પ્રતિમાના અનાવરણ માટે યથા યોગ્ય સહકાર આપવા અપીલ કરી હતી. આ પ્રોજેક્ટ માટે હવે માત્ર £૩૦,૦૦૦ની જ હવે જરૂર છે ત્યારે જો સૌ વેલ્સવાસી ભારતીયો પોતાની એક દિવસની આવકનું પણ દાન કરે તો આ પ્રોજેક્ટ માટેનું જરૂરી ફંડ થઇ જશે. કમલ રાવે આ ભગીરથ કાર્યમાં ઉદાર હાથે ફાળો આપવા સૌને અપીલ કરી હતી જેને પગલે સર્વશ્રી સવિતાબેન પિંડોરીયા, સ્વ. સુધીરભાઇ વાકાણીના પરિવારજનો, સ્વ. સવિતાબેન તથા ગાંડાલાલભાઇ રાયાણીના પરિવારજનો, હિતીન અને સ્નેહા (કેન્ટન ડિસ્કાઉન્ટ- ECCIGGUK) અને ડો. સરિતા પવાર તરફથી વ્યક્તિગત £૧૦૦૧ના દાનની જાહેરાત કરાઇ હતી. કુલ મળીને £૫૫૦૦ એકત્ર થયા હતા. હજુ બીજા £૨૫,૦૦૦ની જરુર છે તો દાન આપવા માંગતા લોકોએ વિમળાબેનનો સંપર્ક કરવો.
કોકિલાબેન પટેલ (મેનેજીંગ એડિટર-ગુજરાત સમાચાર)એ ઉપસ્થિત સૌનો આભાર વ્યકત કર્યો હતો. કાર્યક્રમનું સંચાલન રાધિકા કડાબાએ કર્યું હતું અને તેમણે "ગુજરાત સમાચાર તેમજ એશિયન વોઇસ”, માયાબેન અને કલાકારોનો આ કાર્યક્રમના આયોજન અને સહયોગ બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
રવિવાર તા. ૨૫-૬-૨૭ના રોજ પિતૃ વંદના અને ભૂલી બિસરી યાદે કાર્યક્રમનું આયોજન બર્મિંગહામ સ્થિત શ્રી હિન્દુ કોમ્યુનિટી સેન્ટર – લક્ષ્મી નારાયણ મંદિર સ્થિત વિવેકાનંદ હોલ ખાતે કરાયું હતું. વિખ્યાત ગાયક કલાકાર માયાબેન દિપક અને લંડન સ્થિત જાણીતા કલાકાર જયુ રાવલ અને તેમના સંગીતકાર સાથીદારો અનંતભાઇ (કીબોર્ડ), સોનુભાઇ (અોક્ટાપેડ) અને નૌશાદભાઇ (તબલા)એ સમગ્ર કાર્યક્રમને પોતાના મધુર અવાજ અને સુર – તાલ થકી ચાર ચાંદ લગાવી દીધા હતા. શ્રોતાઅો એટલા બધા રસતરબોળ થઇ ગયા હતા કે સૌએ પોતાના મન પસંદ ગીતોની ફરમાઇશ કરી હતી. પ્રતિ ફરમાઇશ ગીત માટેની રકમ £૫ થી વધીને 'એ મેરે વતન કે લોગો' ગીત માટે £૫૦ સુધી પહોંચી ગઇ હતી. કાર્યક્રમમાં કલાકારો અને શ્રોતાઅો વચ્ચે એટલો સરસ સેતુ બંધાયો હતો કે શ્રોતાઅોને અને કલાકારોને ક્યારે સમય પૂરો થઇ ગયો તેની જાણ સુધ્ધા થઇ નહોતી.
કાર્યક્રમનો પ્રારંભ મંદિરના પૂજારી શ્રીએ દીપ પ્રગટાવીને કર્યો હતો. કાર્યક્રમમાં સંસ્થાના ભૂતપૂર્વ પ્રમુખો શ્રી રસીકભાઇ ઠકરાર અને શ્રી પ્રફૂલ્લભાઇ અમીન સહિત મોટી સંખ્યામાં સ્થાનિક અત્રણીઅો અને પરિવારો ઉપસ્તિત રહ્યા હતા.
આ પ્રસંગે ગુજરાત સમાચારના મેેનજીંગ એડિટર શ્રીમતી કોકિલાબેન પટેલે શ્રી લક્ષ્મીનારાયણ મંદિર હાલમાં ચર્ચના જુના મકાનમાં બિરાજે છે તે મકાનને પારંપરિક મંદિર જેવા રૂપરંગ અપવા માટે શરૂ કરાયેલ પ્રોજેક્ટમાં ઉદાર હાથે દાન આપવા અપીલ કરી હતી. આ પ્રોજેક્ટ માટે £૩,૦૦,૦૦૦ના બજેટ સામે આશરે £૧૬૦,૦૦૦ મળી ચૂક્યા છે અને હવે £૧૪૦,૦૦૦ની રકમ ખુટી રહી છે.
સમગ્ર કાર્યક્રમના આયોજન પાછળ સંસ્થાના પ્રમુખ શ્રી મુકેશભાઇ લાડવા, કમિટી મેમ્બર જયંતિભાઇ જગતીયા, અંજુબેન શાહ, નંદ કિશોરભાઇ દવે, વસંતભાઇ ચૌહાણ, નીશાબેન લાડવા તેમજ કિચન અને ડેકોરેશન ટીમના વોલંટીયર્સે સમગ્ર કાર્યક્રમની સફળતા માટે ખૂબજ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન વસંતભાઇ ચૌહાણે કર્યું હતું.