બલંડનઃ હાઉસ ઓફ કોમન્સમાં ઈન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી (IOJ) અને જૈન-ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગ્રૂપ (APPG) દ્વારા 24 ઓક્ટોબર, મંગળવારે 20મા વાર્ષિક અહિંસા દિનની ઉજવણી કરવામાં આવી હતી. દર વર્ષે પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટરના હાઉસ ઓફ કોમન્સ ખાતે વાર્ષિક અહિંસા દિન ઉજવાય છે જ્યારે પાર્લામેન્ટ, જૈન અને અન્ય ધાર્મિક કોમ્યુનિટીઓ અને વિદ્વાનો સહિત ખ્યાતનામ વ્યક્તિત્વો અને મહાનુભાવો એક સાથે આવે છે.
પવિત્ર જૈન પ્રાર્થના નવકાર મંત્રના સ્વસ્થ પઠન અને પૂજ્ય સાધ્વીજીઓના આશીર્વાદ સાથે સાંજના કાર્યક્રમનો શુભારંભ કરાયો હતો. પૂજ્ય શ્રમણીજીએ આ મેળાવડા માટે આધ્યાત્મિક ઉત્થાનનો મંચ તૈયાર કર્યો હતો. IOJના મેનેજિંગ ટ્રસ્ટી ડો. મેહૂલ એચ. સંઘરાજકાએ ઉપસ્થિતોનું ભાવસભર સ્વાગત કર્યું હતું અને વર્તમાન વિશ્વમાં કરૂણા અને અહિંસાને ઉત્તેજન આપવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
જૈન APPGના અધ્યક્ષ ગેરેથ થોમસ MPએ સહુનું સ્વાગત કરવા સાથે શાંતિ અને સુસંવાદિતાને જાળવી રાખવામાં અહિંસાની પ્રસ્તુતતા પર પ્રકાશ પાડ્યો હતો. જૈન APPGના ઉપાધ્યક્ષ પદ્મશ્રી બોબ બ્લેકમેન MP એ પણ ઉષ્માસભર આવકાર આપ્યો હતો અને જૈન કોમ્યુનિટીની સાંસ્કૃતિક અને શૈક્ષણિક જરૂરિયાતોને સમજવામાં પ્રોત્સાહન અને કદર કરવાના મહત્ત્વ વિશે ભારપૂર્વક ટીપ્પણીઓ કરી હતી. શેડો મિનિસ્ટર ઓફ ફેઈથ, સારાહ ઓવેન MP એકાર્યક્રમમાં સંબોધન કરતાં સમાજમાં અહિંસા અને કરૂણાના સિદ્ધાંતોને જાળવવાનું મહત્ત્વ સમજાવ્યું હતું.
યુનિવર્સિટી ઓફ બર્મિંગહામના ચાન્સેલર અને ચેલ્સીના લોર્ડ બિલિમોરીઆએ ધ્યાનાકર્ષક પરિચય આપીને યુનિવર્સિટી ઓફ બર્મિંગહામ ખાતે ભગવાન ધર્મનાથ ચેરની સ્થાપનાના એન્ડાઉમેન્ટની જાહેરાત માટે તખ્તો તૈયાર કર્યો હતો. આ પ્રસંગ નિમિત્તે IOJના ડાયરેક્ટર્સ દ્વારા યુનિવર્સિટીના ચાન્સેલર અને પ્રોફેસરોને ભગવાન ધર્મનાથની જૈન મૂર્તિની ભેટ આપવામાં આવી હતી.
સ્કૂલ ઓફ ફિલોસોફી, થીઓલોજી એન્ડ રિલિજીઅનના વડા પ્રોફેસર શાર્લોટ હેમ્પેલ, બર્મિંગહામ સેન્ટર ફોર ફિલોસોફી ઓફ રિલિજીઅનના ડાયરેક્ટર પ્રોફેસર ડેવિડ ચીથામ, એડવર્ડ કેડબરી સેન્ટર ફોર ધ પબ્લિક અન્ડરસ્ટેન્ડિંગ ઓફ રિલિજીઅનના ડાયરેક્ટર પ્રોફેસર એન્ડ્રયુ ડેવિસ અને આસિસ્ટન્ટ પ્રોફેસર ઈન જૈન સ્ટડીઝ ડો. મેરી હેલેન ગોરિસ્સેએ સંયુક્ત રીતે જૈન સ્ટડીઝને ઉત્તેજન આપવામાં યુનિવર્સિટી ઓફ બર્મિંગહામની મક્કમ પ્રતિબદ્ધતાને સ્પષ્ટપણે વ્યક્ત કરી હતી.
ઈવેન્ટમાં અહિંસા એવોર્ડ એનાયત કરાયા હતા. અગાઉના વિજેતાઓમાં કિંગ ચાર્લ્સ અને દલાઈ લામાનો પણ સમાવેશ થયેલો છે. કરૂણાની સંવેદનાને મૂર્તિમંત કરનારા વ્યક્તિવિશેષોને IOJ દ્વારા દર વર્ષે અહિંસા એવોર્ડ એનાયત કરાય છે. ઈન્સ્ટિટ્યૂટના ડાયરેક્ટર કુમાર મેહતાએ એવોર્ડવિજેતાના પ્રશસ્તિપત્રનું વાંચન કર્યું હતું અને 2023ના અહિંસા એવોર્ડના વિજેતા તરીકે કેલિફોર્નિયાના લોસ એન્જલસના શ્રી જશવંત નગીનદાસ મોદીના નામની ઘોષણા કરવામાં આવી હતી. શ્રી મોદીને યુનિવર્સિટી ઓફ બર્મિંગહામ સહિત મુખ્ય કોલેજો અને યુનિવર્સિટીઓમાં 30થી વધુ ચેર (અધ્યાપનપીઠ) માટે દાન આપી જૈન અભ્યાસના ક્ષેત્રમાં ઉદાહરણીય યોગદાનો બદલ આ એવોર્ડ એનાયત કરાયો છે.
જૈન APPGના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ તેમજ IOJના ડાયરેક્ટર્સ દ્વારા આ એવોર્ડ એનાયત કરાયો હતો અને શ્રી મોદીએ તેનો ગૌરવપૂર્ણ હાર્દિક સ્વીકાર કર્યો હતો. IOJના ચેર શ્રી નેમુભાઈ ચંદેરીઆ OBEએ જણાવ્યું હતું કે, ‘જશવંતભાઈ પશ્ચિમી યુનિવર્સિટીઓમાં જૈન અભ્યાસો માટે ઘણી અધ્યાપનપીઠ સ્થાપવા માટે આ વર્ષના અહિંસા એવોર્ડના અધિકારી વિજેતા છે. જૈન શિક્ષણ મુખ્ય પ્રવાહનો હિસ્સો બની રહે તેવી તેમની દૃષ્ટિ-કલ્પના હવે વાસ્તવિકતા બનવા લાગી છે.’
કાર્યોપયોગી જૈનદર્શનના અભ્યાસ માટે મહત્ત્વના ઓનલાઈન પ્લેટફોર્મ અરિહંત ઈન્સ્ટિટ્યૂટના શ્રી પરવીન જૈને સંસ્થાના વિઝન અને ધ્યેયોની રજૂઆત કરી હતી. તેમની સાથે સંસ્થાના એકેડેમિક ડાયરેક્ટર ડો. ક્રિસ્ટોફર મિલર પણ હાજર હતા. 2000 જૈન હસ્તપ્રતોના સંગ્રહ માટે જવાબદાર ‘વેલકમ કલેક્શન’ ના ડો. એડ્રિઅન પ્લાઉ સાથે ઈવેન્ટનું સમાપન થયું હતું. તેમણે હસ્તપ્રતોનાં સંપાદન અને સમગ્ર સંગ્રહને જૈન કોમ્યુનિટીને સુપરત કરી દેવાના વેલકમના નિર્ણય વિશે ચર્ચા કરી હતી. IOJ વતી ડો. મેહૂલ સંઘરાજકાએ આ સંગ્રહને સ્વીકાર્યો હતો અને આ પગલાને હિંમતપૂર્ણ અને પ્રણેતારૂપ ગણાવી બિરદાવ્યું હતું. તેમણે જાહેરાત કરી હતી કે IOJ યુનિવર્સિટી ઓફ બર્મિંગહામ ખાતે જૈન સેન્ટરને જૈન અભ્યાસ અને સંશોધન માટે મુખ્ય વૈશ્વિક સ્થળ તરીકેના દરજ્જામાં ફાળા તરીકે આ સંગ્રહને લોન પર આપવાની વ્યવસ્થા કરશે.
IOJના ડાયરેક્ટર શ્રી અમિત લાઠીઆએ આભાર પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને સમાપન સંબોધનમાં આ ઈવેન્ટ માટે દૂરસુદૂરથી પ્રવાસ કરીને આવનારા સહિત તમામ ઉપસ્થિત લોકો અને ભાગ લેનારાઓનો IOJ વતી આભાર વ્યક્ત કર્યો હતો.