લંડન
વિવિધ સેક્ટરમાં હાંસલ કરેલી સિદ્ધીઓ માટે લાંબા સમયથી અપાતા બ્રિટનના સૌથી પ્રતિષ્ઠિત એશિયન એચિવર્સ એવોર્ડ્સના નોમિનેશનને આમંત્રણ આપવામાં આવ્યું છે. યુકેમાં દક્ષિણ એશિયનોએ રાજકારણ, બિઝનેસ અને સિવિલ સોસાયટી સહિતના અનેક ક્ષેત્રમાં અગ્રીમ સ્થાન હાંસલ કર્યાં છે. એશિયન એચિવર્સ એવોર્ડ્સ દક્ષિણ એશિયન સમુદાયના આવા વ્યક્તિઓની કામગીરીને બિરદાવવાનું જારી રાખે છે. એશિયન એચિવર્સ એવોર્ડ્સનો આગામી સમારોહ 15 સપ્ટેમ્બર 2023ના રોજ પાર્ક લેનમાં આવેલ પ્રતિષ્ઠિત લંડન હિલ્ટન ખાતે યોજાશે. આ સમારોહનું આયોજન એશિયન વોઇસ અને ગુજરાત સમાચારની ભાગીદારીમાં ગ્લોબલ એડવાઇઝરી ફર્મ ઇપીજી દ્વારા કરાશે.
એશિયન એચિવર્સ એવોર્ડ્સના આ વર્ષના સમારોહમાં હર મેજેસ્ટી ક્વીન એલિઝાબેથ દ્વિતિય, નોર્ધન આયર્લેન્ડના પૂર્વ ફર્સ્ટ મિનિસ્ટર ડેમ આર્લિન ફોસ્ટર ડીબીઇ પીસીને એક મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અપાઇ હતી. આ સમારોહના યજમાન એક્ટર નિતિન ગણાત્રા ઓબીઇ અને ઉદ્યોગ સાહસિક તથા ડોક્યુમેન્ટરી ફિલ્મ મેકર ડિઆના ઉપ્પલ રહ્યાં હતાં. સમારોહમાં લવ આયલેન્ડના સ્પર્ધક પ્રિયા ગોપાલદાસ, ટોવી સ્ટાર્સ ડેની ઇમ્બર્ટ અને જુનૈદ એહમદ, કોમેડિયન તેજ ઇલિયાસ (મેન લાઇક મોબીન) એક્ટર રાજ ઘટક, નિશા આલિયા અને યાનિક ઘંટી, સંગીતકારો બામ્બી બેઇન્સ, રૂમેર અને એચ ધામી, પ્રિમિયર લીગ પ્રેઝન્ટર મનિષ ભસીન, પૂર્વ મિસ ઇંગ્લેન્ડ હમ્માસા કોહિસ્તાની, ડેપ્યુટી મેયર ફોર બિઝનેસ ફોર લંડન રાજેશ અગ્રવાલ, વિટાબાયોટિક્સના સ્થાપક અને ચેરમેન ડો. કરતાર લલવાની ઓબીઇ, લાયકાના સ્થાપક અને ચેરમેન સુબાસકરન અલિરાજા, ઓક્સફર્ડ વેક્સિન ગ્રુપમાં કોવિડ વેક્સિનના અગ્રણી રિસર્ચર મહેશી રામાસામી સહિતના સેલિબ્રિટી, જાહેર જીવનના આગેવાનો અને મહાનુભાવો હાજર રહ્યાં હતાં.
21મા વર્ષમાં પ્રવેશનાર એશિયન એચિવર્સ એવોર્ડ્સને સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર ગણાય છે. આ પુરસ્કાર જાહેર નોમિનેશન દ્વારા નક્કી કરાય છે. પુરસ્કાર બિઝનેસ પર્સન ઓફ ધ યર, લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ, યુનિફોર્મ્ડ એન્ડ સિવિલ સર્વિસ, મીડિયા, આર્ટ એન્ડ કલ્ચર, કોમ્યુનિટી સર્વિસ, સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર, પ્રોફેશનલ ઓફ ધ યર, વૂમન ઓફ ધ યર અને એન્ટ્રેપ્રેનિયર ઓફ ધ યર એમ 10 કેટેગરીમાં અપાય છે. આગામી વર્ષના પુરસ્કાર માટે નોમિનેશન આમંત્રિત કરવામાં આવ્યા છે.
પૂર્વ વડાંપ્રધાન લિઝ ટ્રસે જણાવ્યું હતું કે, યુનાઇટેડ કિંગડમમાં બ્રિટિશ એશિયન સમુદાયના અદ્દભૂત યોગદાનની આ સમારોહ હંમેશા યાદ અપાવે છે. હું આ પ્રસંગે ગુજરાત સમાચારને તેની સુવર્ણ જયંતિની શુભેચ્છા પાઠવું છું. તમે દાયકાઓથી સમગ્ર યુકેમાં બ્રિટિશ એશિયન હિતોની રજૂઆતમાં નોંધપાત્ર ભુમિકા ભજવી રહ્યાં છો. આ વર્ષે આપણે યુગાન્ડામાંથી એશિયનોની હકાલપટ્ટીના 50 વર્ષને પણ યાદ કરી રહ્યાં છીએ. યુકેમાં એશિયન સમુદાયના યોગદાનને યાદ કરવાની આ વધુ એક તક છે. બ્રિટિશ એશિયન સમુદાયે કલા, સાયન્સ, બિઝનેસ અને કન્ઝર્વેટિવ સરકાર એમ જીવનના તમામ વર્ગમાં સફળતા હાંસલ કરી છે. તેના કારણે આપણો દેશ વધુ સશક્ત બની શક્યો છે.
લેબર પાર્ટીના નેતા સર કીર સ્ટાર્મેરે જણાવ્યું હતું કે, બ્રિટનમાં આજે આપણે જે સામાજિક, સાંસ્કૃતિક અને આર્થિક પ્રગતિ જોઇએ છીએ તેનું ચાલકબળ બ્રિટિશ એશિયનો છે. તેમણે તેમના મૂલ્યો દ્વારા આપણા સમુદાયોને વિકાસ સાધવામાં મદદ કરી છે. એકતા, આકરો પરિશ્રમ અને મહત્વાકાંક્ષા જેવા આ મૂલ્યો લેબર પાર્ટીના પણ મૂલ્યો છે. મારો ઉછેર સરેના એક નાના ટાઉનમાં થયો હતો. મારા પિતા એક ફેક્ટરીમાં ટૂલમેન તરીકે કામ કરતા અને મારા માતા એનએચએસમાં નર્સ હતા. મારા પરિવારમાં યુનિવર્સિટીમાં અભ્યાસ માટે જનાર હું પહેલી વ્યક્તિ હતો. આજે અહીં હાજર રહેલા ઘણા લોકોની જેમ હું અહીં નામાંકિત થયેલા લોકોની જીવનકથામાંથી પ્રેરણા લઇ શકું છું. બ્રિટનને બેટર, બ્રાઇટર, સિક્યોર અને પ્રોસ્પરસ કન્ટ્રી બનાવવામાં તેમારા યોગદાન માટે આભાર માનુ છું. તમારા ઉદાહરણ લેબર પાર્ટીમાં મારા અને મારા સહયોગીઓ માટે પ્રેરણાદાયી છે.
છેલ્લા એશિયન એચિવર્સ એવોર્ડ્સ માટે 500 કરતાં વધુ નોમિનેશન પ્રાપ્તથયાં હતાં. તેમાંથી જજિસ દ્વારા દરેક કેટેગરીમાં ચારની પસંદગી કરાઇ હતી. નોમિનેશનને પુરુષ અને મહિલા દાવેદારોમાં સરખે ભાગે વિભાજિત કરાયાં હતાં. જાહેર જનતા એવોર્ડસની વેબસાઇટ asianachieversawards.com. દ્વારા સમુદાયમાં અદ્દભૂત સિદ્ધી હાંસલ કરનારના નોમિનેશન દાખલ કરી શકે છે.