લંડનઃ નેશનલ એસોસિયેશન ઓફ પાટીદાર સમાજ (NAPS) હોલ ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા તા. 1 મે, 2022ના દિવસે 62મા ગુજરાત-દિનની રંગેચંગે ઉજવણી કરાઈ હતી. સંસ્થાઓના પ્રતિનિધિઓએ સભાને સંબોધન કર્યું હતું. સમગ્ર સમારંભમાં મુખ્યત્વે ગુજરાતના ગૌરવની વાત કરવામાં આવી હતી. સૌપ્રથમ NAPS કમિટીનાં મહિલા-સભ્યો દ્વારા તથા સંસ્થાઓ દ્વારા મંગલાચરણ સ્વરૂપે પ્રાર્થના રજૂ કરવામાં આવી હતી. હિતેશભાઈ તથા દક્ષાબહેન દ્વારા રાષ્ટ્રીય ગીત રજૂ કરાયું હતું.
આ પ્રસંગે NAPSના પ્રમુખ, છ ગામ નાગરિક મંડળના ચેરમેન તથા CIOના ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ અમીને 62મા ગુજરાતદિન નિમિત્તે સહુને આવકાર્યા હતા. તેમણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસમાં ગુજરાતની હરણફાળની પ્રશંસા કરી હતી. ગીતા ફાઉન્ડેશન તરફથી ઉપસ્થિત શ્રી પરીખ અને શરદ પરીખે જણાવ્યું કે, ગુજરાતનો પ્રત્યેક નાગરિક અન્ય માટે પ્રેરણાસ્રોત હોય છે અને ગુજરાતી તો એકતા, આદ્યાત્મિકતા અને સમૃદ્ધિના પ્રતીક હોય છે. NAPSના મયૂર પટેલે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી મોકલાયેલો સંદેશ વાંચી સંભળાવ્યો હતો.
હાઈ કમિશનમાં (ઈકોનોમી, પ્રેસ અને ઈન્ફોર્મેશન)ના ફર્સ્ટ સેક્રેટરી રોહિત વઢવાણાએ ભારતમાં ગુજરાતીઓએ કેવી રીતે અગ્રેસર ભૂમિકા ભજવી તેની વિગતે વાત કરી હતી. તેમણે ગુજરાતીઓને સફળતા આપનારા ગુણોની પ્રશંસા કરવા સાથે સમગ્ર વિશ્વમાં ગુજરાતીઓની પ્રગતિ અને પ્રયાસોને બિરદાવ્યા હતા.
ધર્મજ સોસાયટી ઓફ લંડનના પ્રમુખ મુકુન્દભાઈ પટેલ, કરમસદ સમાજના પ્રમુખ મહેન્દ્રભાઈ પટેલ, એન્ટ્રેપ્રીન્યોર જયેશભાઈ પટેલે ગુજરાતદિન નિમિત્તે ઉપસ્થિત રહેવા બદલ આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
One Jain દ્વારા મોકલાયેલા સંદેશનું વાચન મહેન્દ્રસિંહ જાડેજાએ કર્યું હતું. તેમણે કહ્યું કે, યુકેમાં પ્રવીણભાઈ તથા શરદભાઈ સાથે તેઓ પોતે આવ્યા હતા અને ગુજરાતી હોવાથી તેમને સભ્ય તરીકે સ્થાન મળ્યું હતું. દાઉદ બોહરા જમાત ઓફ લેસ્ટર વતી જાફર એ. કપાસી OBE FFA તરફથી સંદેશનું વાચન SPMS (UK)ના પ્રવીણ પટેલે કર્યું હતું.
આ પ્રસંગે હિન્દુ ફોરમ ઓફ બ્રિટનનાં અધ્યક્ષા શ્રીમતી તૃપ્તિબહેને જણાવ્યું કે, ગુજરાતમાં મુખ્યત્વે હિન્દુ વસ્તી હોવા છતાં તમામ ધર્મો-સંપ્રદાયોનું સન્માન છે તે દર્શાવે છે કે હિન્દુ ખૂબ જ સહિષ્ણુ સમાજ છે.
ઝરથોસ્ટ્રિયન-પારસી સમાજનાં પ્રતિનિધિ શ્રીમતી ગુલશન આર. બિલિમોરિયાએ પારસીઓ જેને પોતાનું ઘર ગણે છે, ગૌરવ ગણે છે તેવા ગુજરાત રાજ્યની પ્રગતિની વાત રજૂ કરી હતી. શાકાહારી સોસાયટીના પ્રતિનિધિ નીતિન મહેતા MBEએ પૂર્વ આફ્રિકાના ગુજરાતીઓએ ભારતના અર્થતંત્રને ટેકો આપ્યો હતો તે દર્શાવ્યું હતું. મહાત્મા ગાંધી ફાઉન્ડેશનના સેક્રેટરી ભાનુભાઈ પંડ્યાએ વાતાવરણને હળવું બનાવી દેવા માટે શ્રોતાઓ સમક્ષ જોક્સ રજૂ કર્યા હતા.
આ પ્રસંગે યોજાએલા સાંસ્કૃતિક કાર્યક્રમોમાં ફાગુની, શર્મિલા તથા પ્રીતિ દ્વારા ઘુમર ડાન્સની રજૂઆત કરાઈ હતી તથા નિશાબહેન તથા અનિતાબહેને ગીત રજૂ કર્યું હતું. કાર્યક્રમના અંતે ગરબા યોજાયા હતા અને ત્યાર બાદ ગુજરાતી ભોજન પીરસવામાં આવ્યું હતું.