લંડનઃ નીસડન ટેમ્પલ તરીકે લોકપ્રિય BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન ખાતે શનિવાર, નવ ફેબ્રુઆરીની સાંજે BAPS એન્યુઅલ ૧૦કે ચેલેન્જનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ વર્ષે ૨૮ એપ્રિલે યોજાનારી ચેરિટી ચેલેન્જના સત્તાવાર પાર્ટનર નેશનલ સોસાયટી ફોર પ્રીવેન્શન ઓફ ક્રુઆલિટી ટુ ચિલ્ડ્રન (NSPCC) છે, જે યુકેમાં બાળકોને બેદરકારી, નુકસાન અને શોષણમાંથી બચાવવા અને રક્ષણ માટે કાર્યરત અગ્રણી ચેરિટી સંસ્થા છે. એન્યુઅલ ૧૦કે ચેલેન્જમાં દેશભરમાંથી તમામ વય અને પશ્ચાદભૂ સાથેના ૩,૦૦૦થી વધુ ઉત્સાહીઓ વિવિધ સારા ઉદ્દેશો અને સ્થાનિક ચેરિટીઝ માટે મનોરંજન અને તંદુરસ્ત માર્ગે ભંડોળ એકત્ર કરવા માટે ભાગ લેશે.
આ વર્ષનો કાર્યક્રમ ગ્રૂપ એક્ટિવિટીઝ માટે સુંદર તક પૂરી પાડનારો બની રહેશે, જ્યાં ભાગ લેનારા લોકો એબ્સેઈલિંગ, પર્વતારોહણ, સ્થિર સાઈકલ રાઈડ તેમજ સ્પાર્ટન રેસ જેવી વિવિધ પડકારરુપ કામગીરીનો આનંદ ઉઠાવી શકશે.
NSPCC ખાતે ચાઈલ્ડ પ્રોટેક્શન અવેરનેસના વડા ક્રિસ ક્લોક ચેલેન્જના સત્તાવાર લોન્ચિંગ માટે મંદિરમાં ભાવિક ભક્તો અને આમંત્રિત મહેમાનો સાથે જોડાયા હતા. ક્રિસ ક્લોકે નીસડન મંદિરમાં ફરીને દર્શન કર્યા પછી મંદિરના વડા સ્વામી યોગવિવેક સ્વામીએ તેમનું સભાખંડમાં સ્વાગત કર્યું હતું.
BAPSના ટ્રસ્ટી અને અગ્રણી સ્વયંસેવક ડો. મયંક શાહે જણાવ્યું હતું કે, ‘NSPCCની નીતિ આજે બાળકોનું રક્ષણ કરવા પૂરતી સીમિત નથી પરંતુ, ભવિષ્યમાં શોષણને અટકાવવા તેમજ દરેક બાળપણ માટે સમાજમાં પરિવર્તન લાવવાની છે, જે ખરેખર પ્રેરણાદાયી છે. BAPSમાં અમે પણ આ દૃષ્ટિના સહભાગી છીએ અને પ્રત્યેક બાળકની સેવા અને સંભાળ માટે પૂજ્ય મહંત સ્વામી મહારાજના સંદેશાને અનુસરીએ છીએ, જેથી તેઓ તમામ લોકો માટે સારાં વિશ્વનું સર્જન કરી શકે. બાળકો અમારી પ્રવૃત્તિઓનો અભિન્ન હિસ્સો છે અને NSPCCના મહાન કાર્યને આગળ ધપાવવા અમને તક પ્રાપ્ત થઈ છે તે બદલ અમે ગૌરવ અનુભવીએ છીએ.’