લંડનઃ BAPS ચેરિટીઝ દ્વારા ૧૨ જાન્યુઆરીને રવિવારે BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન ખાતે બ્રીટલ બોન સોસાયટીને ૫,૦૦૦ પાઉન્ડ અને my AFK ખાતે (અગાઉ એક્શન ફોર કીડ્ઝ તરીકે ઓળખાતી)ને ૫,૦૦૦ પાઉન્ડનો ચેક અર્પણ કરાયો હતો. મીશા પટેલના પરિવાર દ્વારા તેની દસમી પૂણ્યતિથિ નિમિત્તે આ ડોનેશન અપાયું હતું.
મીશાનો જન્મ ૬ માર્ચ ૧૯૮૫ના રોજ સામાન્ય રીતે OI (અથવા બ્રીટલ બોન રોગ) ઓસ્ટિયોજેનેસીસ – ઈમ્પર્ફેક્ટા (OI) સાથે થયો હતો. યુકેમાં ૧૫,૦૦૦ લોકોમાં એક વ્યક્તિને આ રોગ થાય છે. આ રોગના દર્દીના હાડકા તૂટી જાય તેવા હોય છે. ઘણાં દર્દીઓેને તેમના જીવન દરમિયાન વારંવાર ફ્રેક્ચર થતા હોય છે.
શારીરિક દિવ્યાંગ છતાં ચેરિટી માટે મીશા સક્રિય ફંડરેઝર હતી. તેણે કિંગ્સટન યુનિવર્સિટીમાંથી બાયો મેડિકલ સાયન્સીસમાં બી.એસસી અને એમ.એસસીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. મીશાએ વિવિધ ચેરિટી માટે ફંડ એકત્ર કરવા BAPS દ્વારા સ્પોન્સર થયેલી ઘણી વોકમાં ભાગ લીધો હતો. તે મંદિરમાં યુથ ફોરમની સક્રિય સભ્ય હતી. ૨૦૧૦માં ૨૪ વર્ષની વયે તેનું નિધન થયું હતું.
બ્રીટલ બોન સોસાયટીની સ્થાપના ૧૯૬૮માં માર્ગારેટ ગ્રાન્ટ MBE દ્વારા થઈ હતી. OI ના દર્દીઓને મદદરૂપ થવા યુકેમાં તે એકમાત્ર નેશનલ ચેરિટી છે. આ સંસ્થાએ સ્પેશિયલી એડપ્ટેડ વ્હીલ ચેર જેવા હેલ્થકેર સાધનો માટે અત્યાર સુધીમાં ૧ મિલિયન પાઉન્ડથી વધુનું ફંડ એકત્ર કર્યું છે.
ધ એક્શન ફોર કીડ્ઝ ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના ૧૯૯૨માં પોતાના દિવ્યાંગ પુત્ર માટે પાવર્ડ વ્હીલચેર ખરીદવા ફંડ એકત્ર કરી રહેલી માતા સેલી બિશપ OBE દ્વારા થઈ હતી. ૨૦૧૮માં આ ચેરિટીને ‘my AFK’ નામ અપાયું હતું. આ ચેરિટી NHS દ્વારા જે મોબિલીટી સાધનો ઉપલબ્ધ ન હોય તે પૂરા પાડે છે. ચેરિટી લર્નિંગ ડિસેબિલિટીઝના વિદ્યાર્થીઓને સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા પછી શિક્ષણ અને તાલીમ આપે છે.
બ્રીટલ બોન સોસાયટીના વાઈસ ચેરમેન જહોન ફિલીપ્સ અને ચીફ એક્ઝિક્યુટિવ પેટ્રિસીયા ઓસ્બોર્ન તથા my AFKના બેન બ્રીજરે આ ડોનેશન બદલ આભાર માન્યો હતો.