ભારતના હાઇકમિશ્નર શ્રી રંજન મથાઇ, મંદિરની સ્થાપનાના ૨૦ વર્ષની શાનદાર ઉજવણી અર્થે ભારતથી પધારેલા પૂ. મહંત સ્વામી, પૂ. ઇશ્વરચરણ સ્વામી, પૂ. આત્મસ્વરૂપ સ્વામી (અક્ષરધામ દિલ્હીના વડા સંત) અને સ્થાનિક અગ્રણીઅોની ઉપસ્થિતીમાં પુસ્તક 'ટ્રાન્સેન્ડેન્સ: માય સ્પીરીચ્યુઅલ એક્સપીરીયન્સીસ વીથ પ્રમુખ સ્વામીજી'નું વિમોચન કરાયું હતું.
પવિત્ર દીપના પ્રાગટ્ય દ્વારા કાર્યક્રમનો વિધિવત શુભારંભ કરાયા બાદ પૂ. ઇશ્વરચરણ સ્વામીએ લંડન મંદિર દ્વારા વિતેલા ૨૦ વર્ષ દરમિયાન હરીભક્તો, શુભેચ્છકો અને સ્થાનિક સમુદાય માટે કરવામાં આવેલ વિવિધ પ્રવૃત્તિઅો અને ધાર્મિક-સામાજીક કાર્યો વિષે માહિતી આપી હતી. તેમણે વિતેલા વર્ષો દરમિયાન સાથ સહકાર આપનાર ઉપસ્થિત મહેમાનો અને શુભેચ્છકોનો આભાર વ્યક્ત કર્યો હતો.
હાલ નવી દિલ્હી સ્થિત અક્ષરધામના વડા સંત તરીકે સેવાઅો આપતા પૂ. આત્મસ્વરૂપ સ્વામીએ વિડીયો પ્રેઝન્ટેશનના સહકાર સાથે ડો. કલામ સાહેબ દ્વારા લિખીત પુસ્તક 'ટ્રાન્સેન્ડેન્સ' વિષે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે 'પ્ર. બ્ર. પૂ. પ્રમુખ સ્વામી મહારાજ સાથેની ૧૪ વર્ષ લાંબી મિત્રતા દરમિયાન ડો. કલામસાહેબના તત્વજ્ઞાન અને આધ્યાત્મિક પરિવર્તનને પગલે તેમના સંકલ્પોને આકાર મળ્યો હતો અને રાષ્ટ્રપતિ ભવન છોડ્યા બાદ ભારતની સેવા માટે તેમજ તેમના વિવિધ કાર્યો માટે દિશા મળી હતી. BAPSનું નેતૃત્વ કરતા પૂ. પ્રમુખ સ્વામી મહારાજ પાસેથી મળેલ પ્રેરણા અને વિજ્ઞાન તથા આધ્યાત્મિકતાના સાયુજ્યનો સમાજના વિવિધ પ્રશ્નોના હલ માટે ઉપયોગ કરવાની પ્રેરણા મને મળી છે તેમ ડો. કલામે જણાવ્યું હતું.'
પોતાના મુખ્ય પ્રવચનમાં ભારતના હાઇકમિશ્નર શ્રી રંજન મથાઇએ અંજલિ આર્પણ કરતા જણાવ્યું હતું કે 'ડો. કલામ એક ઋષી, વૈજ્ઞાનિક અને રાજદ્વારી હતા. લંડન સ્થિત BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર લંડનની ધરતી પર ભારતની પરંપરા અને સંસ્કૃતિની ધજા લેહરાવતો મહાન હીરો છે. ડો. કલામ સાહેબે પુસ્તકમાં રજૂ કરેલ માહિતી ધરતી પરના સ્વર્ગનું અવર્ણનીય સંયોજન છે. આપ સૌએ ભારતની મહાન અને ઉચ્ચ આધ્યાત્મિક પરંપરાનું તેજસ્વી ઉદાહરણ વિદેશની ધરતી પર રજૂ કર્યું છે. આ અદ્ભૂત અને કલાત્મક સિધ્ધી બ્રિટન અને વિશ્વની સંસ્કૃતિને અર્પણ કરી છે. સામુદાયીક કાર્યો પરત્વેનું આપની કટિબધ્ધતા, જીવન કલ્યાણના અને યુવાનોના વિકાસ માટેના કાર્યોએ આપને યુકેમાં વસતા ભારતીય સમુદાય માટે જીવંત કેન્દ્ર બનાવ્યું છે. આપના આ ઉદાહરણે આ દેશમાં ભારતીયોની છબીને ઉજ્જવળ અને મજબૂત બનાવી છે. જેનો તમામ યશ આપને મળે છે.'
નેલ્સન મેંડેલાની મુલાકાત સહિતના 'ટ્રાન્સેન્ડેન્સ' પુસ્તકના વિવિધ ભાગોને વાંચતા પૂ. મહંત સ્વામીએ સૌને જણાવ્યું હતું કે 'તમે સૌ આ પુસ્તક જરૂર વાંચજો અને સાથે સાથે તેના સંદેશને આત્મસાત કરજો. આ તમામ દેશ, ધર્મ, સમુદાયના લોકો માટેનું વિશ્વવ્યાપી પુસ્તક છે. કારણે કે તેમાં શાંતિ, આધ્યાત્મિકતા, સહિષ્ણુતા, સહનશીલતા અને સેવા જેવા ઉચ્ચ મુલ્યોનો સમાવેશ કરાયો છે. આ પુસ્તક ખરેખર ડો. કલામના જીવન, કાર્ય અને વારસાને સર્વશ્રેષ્ઠ શ્રધ્ધાંજલિ છે.'
ડો. કલામસાહેબે આ અગાઉ જણાવ્યું હતું કે 'આ પુસ્તક પ્રમુખ સ્વામી મહારાજ સાથેના મારા આધ્યાત્મિક અનુભવને રજૂ કરે છે. હું પૂ. પ્રમુખ સ્વામી મહારાજને મળ્યો હતો, જેઅો, અજાણતા પણ મારા મુલ્યવાન ગુરૂ છે.'
ડો. કલામસાહેબે આ પુસ્તકને ચાર ભાગમાં લખ્યું છે. જેમાં પ્રથમ ભાગમાં પૂ. પ્રમુખ સ્વામી મહારાજ સાથેના તેમના અનુભવોનો સમાવેશ કરાયો છે. દ્વિતીયભાગમાં પૂ. પ્રમુખ સ્વામી મહારાજની નિશ્રામાં BAPS શ્રી સ્વામિનારાયણ સંસ્થા દ્વારા કરાયેલા વિવિધ સામાજીક કાર્યોનો ઉલ્લેખ કરાયો છે. તૃતિય ભાગમાં એક અનુભવી વૈજ્ઞાનિક તરીકે માનવતા માટે વિજ્ઞાન અને આધ્યાત્મિકતાનું સંયોજન કરી ભવિષ્યમાં શું થઇ શકે તેનો ઉલ્લેખ કરાયો છે. જ્યારે ચોથા ભાગમાં પૂ. પ્રમુખ સ્વામી મહારાજ અને તેમના જેવા અન્ય વિરલ વ્યક્તિઅોની રચનાત્મક છત્રછાયામાં મતભેદથી મુક્ત વિશ્વ કઇ રીતે એક થઇ શકે તે દર્શવાયું છે. ડો. કલામસાહેબે જે રીતે પુસ્તક લખ્યું છે તે જોતા તે પુસ્તક ખુદ આધ્યાત્મિક પુસ્તકથી જરા પણ અોછું નથી.