પ. પૂ. પ્રમુખ સ્વામીએ નીસડન ટેમ્પલ તરીકે જાણીતા બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડનનું ૨૦ ઓગસ્ટ, ૧૯૯૫ના રોજ ઉદઘાટન કર્યું હતું. છેલ્લાં ૨૪ વર્ષ દરમિયાન ભારત બહારના આ પ્રથમ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત મંદિર દ્વારા લોકલ કોમ્યુનિટીની ખૂબ સેવા કરવામાં આવી હતી અને દુનિયાના લાખો લોકોમાં પૂજા, ઉજવણી, શાંતિ અને આધ્યાત્મિક સંવાદિતાના સ્થાન તરીકે મંદિરે પ્રેરણા પૂરી પાડી હતી.
ઓગસ્ટ ૨૦૨૦માં મંદિરની ૨૫મી એનિવર્સરીના સંદર્ભમાં ૩૧ ઓગસ્ટ, ૨૦૧૯ને શનિવારે પૂ. સ્વયંપ્રકાશ સ્વામી (ડોક્ટર સ્વામી), પૂ. ઈશ્વરચરણ સ્વામી અને બીએપીએસ શ્રી સ્વામીનારાયણ સંસ્થાના ભારત અને યુકેના અન્ય વરિષ્ઠ સંતોની ઉપસ્થિતિમાં સંખ્યાબંધ પ્રેરણાત્મક પ્રોજેક્ટ્સનો પ્રારંભ થયો હતો.
પ્રેરણાત્મક પહેલ સાથે આખું વર્ષ ચાલનારા કાર્યક્રમોમાં વ્યક્તિ તેની આધ્યાત્મિકતા અને નૈતિક સત્યનિષ્ઠાનો કેવી રીતે વિકાસ કરી શકે, પરિવારમાં આદર, સ્નેહ અને સંવાદિતાના બંધન કેવી રીતે મજબૂત થઈ શકે અને હાલ ચાલતા શૈક્ષણિક, આરોગ્ય અને અન્ય ચેરિટેબલ કાર્યો સાથે મંદિર કેવી રીતે સમાજના વધુને વધુ લોકોની સેવા કરી શકે તેના ઉપાયોનો સમાવેશ થાય છે.
સંતો અને હરિભક્તો દ્વારા મંદિર અને એેસમ્બલી હોલમાં દીપ પ્રગટાવીને આ ખાસ સાંધ્ય સભાનો પ્રારંભ કરાયો હતો. દરેક પ્રોજેક્ટની વાત સાથે મંદિર દ્વારા વ્યક્તિઓ, પરિવારો અને કોમ્યુનિટીને કરેલી સહાયને દર્શાવવા વોલન્ટિયરો અને સંતોએ કળશનું સ્થાપન કર્યું હતું.
સંખ્યાબંધ પ્રવચનો, વીડિયો પ્રેઝન્ટેશન્સ અને પેનલ ડિસ્કશન દ્વારા મંદિરના વિઝન અને બાંધકામનું વર્ણન કરાયું હતું. સમર્પિત વ્યક્તિઓ દ્વારા અપાયેલા નિઃસ્વાર્થ ત્યાગ અને રજૂ કરાયેલી પ્રતિબદ્ધતા વિશે વાત કરાઈ હતી. અતિથિ વક્તાઓએ પણ મંદિરની પ્રવૃત્તિઓ દ્વારા તેમના જીવન તેમજ અન્ય વ્યક્તિઓ અને પરિવારોના જીવન પર થયેલી ગાઢ અસરનું વર્ણન કર્યું હતું.
પૂ. યોગીજી મહારાજે ૧૯૭૦માં લંડનની મુલાકાતમાં લંડનમાં પરંપરાગત મંદિર સ્થપાય તેવું સ્વપ્ન જોયું હતું તેને પૂ.ઈશ્વરચરણ સ્વામીએ યાદ કર્યું હતું. જ્યારે પૂ. ડોક્ટર સ્વામીએ આ સ્વપ્નને સાકાર કરવા પૂ. પ્રમુખ સ્વામીના અથાગ સમર્પણ અને અંગત ત્યાગ વિશે વક્તવ્ય આપ્યું હતું. વીડિયો દ્વારા આશીર્વચનમાં પૂ. મહંત સ્વામીએ સૌને આ ઉજવણીમાં અંતરપૂર્વક જોડાવા અને શ્રેષ્ઠ તેમજ મજબૂત સમાજની રચના માટે અનુરોધ કર્યો હતો.
દરમિયાન, સવારે મંદિરની ૨૪મી એનિવર્સરીની ઉજવણી પરંપરાગત પાટોત્સવ સાથે થઈ હતી. તેમાં પંચામૃત અભિષેક અને મૂર્તિઓ સમક્ષ અન્નકૂટનો સમાવેશ થતો હતો.