BAPS સ્વામીનારાયણ મંદિરમાં પૂ.યોગીજી મહારાજની ૧૨૫મી જયંતીની ઉત્સાહપૂર્વક ઉજવણી

ડોયચ બેન્કના દીક્ષિત જોશી અને લોહાણા કોમ્યુનિટી નોર્થ લંડનના પ્રમુખ ઉર્મિલાબેન ઠક્કરનું સન્માન કરાયું

Tuesday 23rd May 2017 14:28 EDT
 
 

લંડનઃ BAPS સ્વામિનારાયણ મંદિર, લંડન ખાતે મંગળવાર, તા. ૨૩ મેએ ભગવાન સ્વામિનારાયણના ચોથા આધ્યાત્મિક અનુગામી બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજની ૧૨૫મી જન્મજયંતીની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતના ધારી ગામે ૨૩ મે ૧૮૯૨ના રોજ જન્મેલા યોગીજી મહારાજે પોતાના સાધુત્વ, સમર્પણ, બાળક જેવી નિર્દોષતા, નિઃસ્વાર્થ સ્નેહ, પ્રસન્ન અને આકર્ષક વ્યક્તિત્વ થકી યુવાનો અને વડીલોના હૃદયમાં સ્થાન મેળવ્યું હતું. આ પ્રસંગે ડોઈચ બેંક, યુકેના મેનેજિંગ ડિરેક્ટર અને હેડ ઓફ ઈક્વિટીઝ ફોર એશિયા પેસિફીક શ્રી દીક્ષિતભાઇ જોશીનું નીસડન મંદિરના કોઠારી સ્વામી યોગવિવેક સ્વામીએ પુષ્પમાળા પહેરાવીને સન્માન કર્યું હતું.

કાર્યક્રમની શરૂઆત આધ્યાત્મિકતા અને સેવા માટેના યોગીજી મહારાજના ભારે ઉત્સાહનું વર્ણન કરતાં કિર્તનો સાથે થયો હતો. સાધુ સંતોએ યોગીજી મહારાજના જીવન વિશે પ્રવચનો આપ્યા હતા. તેમાં તેમણે યોગીજીના જીવનના પ્રેરક પ્રસંગોની વાત કહી હતી. યોગીજી મહારાજે ૧૯૭૦માં યુકેની મુલાકાત લીધી હતી તેનો વીડિયો પ્રદર્શિત કરાયો હતો. તે નિહાળીને વડીલ ભક્તોમાં તેની સ્મૃતિ તાજી થઈ હતી.

યોગીજી મહારાજની જન્મજયંતી નિમિત્તે શનિવાર તા.૨૦ મેના રોજ ખાસ સભાઓનું આયોજન કરાયું હતું. યોગીજી બાળક હતા ત્યારથી જ પ્રમાણિક, શિસ્તમાં માનનારા અને બહાદૂર હતા. બાળકોને પણ યોગીજી વિશેના પ્રવચનોમાંથી આ ઉદાહરણરૂપ સદગુણો વિશે જાણવા મળ્યું હતું. કિશોર મંડળે ભક્તોના હૃદયસ્પર્શી અનુભવોના માધ્યમથી યોગીજી મહારાજના ઉપદેશો અને સંદેશાની વાત કરી હતી. સંયુક્ત મંડળે યોગીજીના જીવનના પ્રસંગોની સંગીતમય રજૂઆત કરી હતી.

ડોઈચ બેંક, યુકેના મેનેજિંગ ડિરેક્ટર દીક્ષિત જોશીએ યોગીજી સાથેના તેમના અનુભવોનું પ્રેરક વર્ણન કરતા જણાવ્યું હતું, ‘યોગી બાપા સાથેની એક મુલાકાત મને ખાસ યાદ રહી ગઈ છે. એક વખત તેમણે જાપાનના અર્થતંત્રની હાલત વિશે ચર્ચા કરવાની ઈચ્છા વ્યક્ત કરીને મને અને સંતોને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. યોગીજીએ કહ્યું હતું, ‘મને સમજાતું નથી કે આટલો પૈસાદાર દેશ છે તો પછી કેમ આટલી મંદી?’. તે પછી તો અમે અર્થતંત્ર વિશે ચર્ચા કરી. અંતમાં યોગીજીએ સમાજના ઘણાં યુવકો વધુ સફળ થાય તેના માટે આપણે શું કરી શકીએ તેની ચર્ચા કરી હતી.’ આમ, આ એક જ વાતચીતમાં યોગીજી મહારાજે વ્યવસાયિક સફળતા ઉપરાંત જે ત્રણ બાબતોને હું વધુ મહત્ત્વની માનું છું તેની ટૂંકમાં રૂપરેખા આપી દીધી હતી. આ ત્રણ બાબતોમાં ભગવાનમાં શ્રદ્ધા, મહેનતમાં વિશ્વાસ અને સમાજમાં વિશ્વાસનો સમાવેશ થાય છે.

શ્રી જોશીએ જણાવ્યું હતું કે હાલ આપણે સતત અનિશ્ચિત બનતા અને ભવિષ્યમાં શું બનશે તે જાણી ન શકાય તેવા સમયમાં જીવીએ છીએ. આપણે રાજકીય નેતૃત્વમાં વારંવાર ઉથલપાથલની ઘટનાઓ જોઈ છે. ટેક્નોલોજીમાં પણ આમૂલ પરિવર્તન થઈ રહ્યું છે જે આપણી જીવનપદ્ધતિમાં એવા ધરખમ ફેરફારો કરી દેશે જેની આપણે કલ્પના પણ કરી ન હોય. તેથી ઘણી વખત આપણને સંતુલનની જરૂર પડે છે જે હિંદુ મૂલ્યો પૂરું પાડે છે.

તેમણે ઉમેર્યું હતું, ‘મારા મતે હિંદુ વિચારસરણીની વિપુલ શક્તિઓ પૈકીની એક શક્તિ સમયની કસોટીમાં પાર ઉતરવાની તેની ક્ષમતા છે. ફાઈનાન્સિયલ માર્કેટ્સ અને ઘણાં વર્ષોની તેની ઉથલપાથલથી હું એક બાબત શીખ્યો છું અને તે છે મજબૂત અને યોગ્ય માર્ગદર્શન આપે તેવા નેતૃત્વનું મહત્ત્વ. હું માનું છું કે તે અચાનક જ નથી મળતું. BAPS જેવી આપણી હિંદુ સંસ્થાઓ મારા જેવા આધુનિક બિઝનેસ અગ્રણીઓને અમે જે વિકલ્પોનો સામનો કરતા હોઈએ તેને સારી રીતે સમજવાના એક માર્ગ તરીકે હિંદુ વિચારસરણીની ગહનતા સુધી પહોંચવામાં મદદ કરે છે. હું માનું છું કે વધુને વધુ લોકો તેમની સમસ્યાઓના નીરાકરણનું માર્ગદર્શન મેળવવા માટે ધર્મ આધારિત ક્ષેત્ર ભણી નજર દોડાવે છે.

શ્રી જોશીએ જણાવ્યું હતું,‘ અંતમાં હું કહીશ કે આપણો હિંદુ સમાજ જીવનના ઘણાં ક્ષેત્રોમાં યુકે અને અન્ય દેશોમાં શ્રેષ્ઠ બની રહ્યો છે. બિઝનેસ પ્રોફેશનલ્સ, રાજકીય, તેમજ એન્ટરપ્રિનિયોર્સ તમામ ક્ષેત્રે હિંદુઓ મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે તે જોઈને આપણને ખૂબ ગૌરવ થાય છે. આપણી વ્યક્તિગત સફળતા આપણી સમગ્ર કોમ્યુનિટીની સામુહિક સફળતાનું પ્રતિબિંબ છે. મારા કિસ્સામાં મારા પેરન્ટ્સ અને ખાસ કરીને મારા પિતા સ્વ. અશ્વિનભાઈ પી જોશી અને અત્રે ઉપસ્થિત વિનુભાઈ ભટ્ટેસા અને સી બી પટેલ જેવા સન્માનીય વડીલોએ મને માર્ગદર્શન પૂરું પાડવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે.

દીક્ષિત જોશીએ જણાવ્યું હતું,‘ આપણી પાસે માત્ર યુવાનો પાછળ જ નહીં પરંતુ, વિચારોની ગુણવત્તા અને ચર્ચામાં રોકાણ કરવાની તક છે જે આપણું ભવિષ્ય ઘડવામાં મદદરૂપ થશે. અને મારા મતે રોકાણની આ સરસ તક ગુમાવવા જેવી નથી.’

આ પ્રસંગે સાધુ સંતોએ પણ તેમના દ્રષ્ટિકોણથી યોગીજી મહારાજના જીવન અને જ્ઞાનની વાત કરી હતી. તેમણે વ્યક્તિગત આધ્યાત્મિક ઉન્નતિ માટે યોગીજીના ગુણો અને ઉપદેશોનું અનુસરણ કરવા કાર્યક્રમમાં ઉપસ્થિત તમામને પ્રોત્સાહિત કર્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter