હિંદુ પંચાંગ પ્રમાણે અષાઢ મહિનાની પૂનમની ગુરુપૂર્ણિમા તરીકે ઉજવણી કરવામાં આવે છે. તે વ્યાસ પૂર્ણિમા તરીકે પણ જાણીતી છે. વેદોનું વર્ગીકરણ કરીને અઢાર પુરાણની રચના કરનારા ઋુષિ વેદ વ્યાસની સ્મૃતિમાં ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવે છે. વિશ્વભરમાં વસતા લોકો તેમના જીવનમાં આધ્યાત્મિક ભૂમિકા ભજવવા બદલ પોતાના ગુરુ પ્રત્યે પોતાનું ઋણ અદા કરે છે.
ભક્તિ ગીતો, વીડિયો અને પ્રવચનો સાથે ગુરુપૂર્ણિમાની ઉજવણી માટે ૧૩ જુલાઈ, ૨૦૧૯ને શનિવારે વિશેષ સભાનું BAPS સ્વામીનારાયણ સંસ્થાના વરિષ્ઠ સ્વામી અને બીએપીએસ ગ્લોબલ એક્ટિવિટીઝના કન્વીનર પૂ. ઈશ્વરચરણ સ્વામીની વિશેષ ઉપસ્થિતિમાં બીએપીએસ શ્રી સ્વામીનારાયણ મંદિર, નીસડન ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.
યુવકોએ ગુરુના ગુણોની પ્રશંસા કરતાં ભજનો ગાઈને સાંધ્ય કાર્યક્રમની શરૂઆત કરી હતી. તે પછી સ્વામીઓએ ગુરુના અદભૂત લક્ષણો અને ગુરુ જે આધ્યાત્મિક પોષણ આપે છે તેના વિશે પ્રવચનો કર્યા હતા. પૂ.ઈશ્વરચરણ સ્વામીએ તેના વિશે વિસ્તૃત નિરુપણ કર્યું હતું.
પૂર્વ મુદ્રિત વીડિયોમાં પૂ. મહંત સ્વામી મહારાજે તેમના ગુરુઓ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજની આધ્યાત્મિક મહાનતાનું વર્ણન કર્યું હતું. સ્વામીઓ અને હરિભક્તોએ ગુરુઓની મૂર્તિઓનું પૂજન કર્યા બાદ ગુરુપૂર્ણિમાની ઉજવણીનું સમાપન થયું હતું.