બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)ના આધ્યાત્મિક ગુરુ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ આગામી તા. ૨૨ સપ્ટેમ્બરથી ૨૧ ઓક્ટોબર સુધી યુકે અને યુરોપમાં હરિભક્તો અને શુભેચ્છકોને આશીર્વાદ આપવા પધારી રહ્યા છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ જૂન મહિનાથી અમેરિકામાં વિચરણ કરી રહ્યા છે અને વિચરણ દરમિયાન તેમણે ત્રણ દિવસ માટે કેનેડાની મુલાકાત પણ લીધી હતી.
BAPS સંસ્થાના આધ્યાત્મિક ગુરુ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે સૌ પહેલા ૧૯૭૦માં યુકેમાં હરિભક્તોને આશીર્વાદ આપવા વિચરણ કર્યું હતું. તેમણે લંડનના ઈઝલિંગ્ટન ખાતે વેસ્ટર્ન વર્લ્ડમાં સૌ પ્રથમ સ્વામીનારાયણ મંદિરનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સમયે તેમણે સૌ હિન્દુઅોને ગર્વ થાય તેવી આગાહી કરી હતી કે લંડનમાં શિખરબદ્ધ મંદિર થશે અને લંડનના નીસડનમાં વિશ્વપ્રસિદ્ધ મંદિરના નિર્માણથી તે પરિપૂર્ણ થઇ હતી. યોગીજી મહારાજ સાથે પ્રમુખ સ્વામી અને મહંતસ્વામી પણ આવ્યા હતા.
બ્રહ્મસ્વરૂપ પ્રમુખ સ્વામી મહારાજે ૧૯૭૪થી ૨૦૦૭ના વિશાળ સમયગાળામાં કુલ ૧૮ વખત યુકે અને યુરોપની મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેઅો સંખ્યાબંધ મંદિરો અને સેન્ટરોની મુલાકાત લેવા સાથે હજારો હરિભક્તો અને સત્સંગીઓને મળ્યા હતા. આ નિઃસ્વાર્થ પરંપરાને આગળ ધપાવતા પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજ આશીર્વાદ આપવા પધારી રહ્યા છે.
પૂજ્ય મહંત સ્વામી ૨૧મી સપ્ટેમ્બરે યુએસએથી પ્રસ્થાન કરી શુક્રવાર ૨૨ સપ્ટેમ્બરે લંડનમાં આગમન કરશે. આગમનના દિવસે તેઓ આરામ કરશે. તા. ૨૩ સપ્ટેમ્બરે પૂજ્યશ્રી મહંત સ્વામીની જન્મજયંતીની ઉજવણી સાથે સત્સંગ સભાનું આયોજન કરાયું છે. સ્વામીજીના યુકેના વિચરણ દરમિયાન વિવિધ સ્થળોએ સત્સંગ સભાઓ ઉપરાંત, સેવા દિન, જ્ઞાન દિન, પરિવાર દિન, વડીલ દિનની ઉજવણીમાં ભાગ લેશે અને શરદ પૂર્ણિમાએ દીક્ષા દિનનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
પૂ. મહંત સ્વામી લંડનમાં સભા, દર્શન, આરતીનો લાભ આપી ગુરુવાર તા. ૧૨ ઓક્ટોબર ૨૦૧૭ સુધી લેસ્ટર જવા રવાના થશે. તેઓ ૧૨ ઓક્ટોબરથી ૧૫ ઓક્ટોબર દરમિયાન લેસ્ટરમાં રહેશે. ત્યાંથી પૂ. સ્વામી શ્રી ફ્રાન્સના હરિભક્તોને લાભ આપવા ચાર દિવસ - ૧૫ ઓક્ટોબરથી ૧૮ ઓક્ટોબર સુધી પેરિસમાં વિચરણ કરશે અને ત્યાં દીવાળી ઉત્સવની ઉજવણી કરશે. જો આપ પેરીસ જઇ રહ્યા હો તો આપના નામ વેબલિંક https://registration.uk.baps.org/MSM17EU.aspx પર નોંધાવવા વિનંતી.
પ. પૂ. સ્વામીશ્રીની લેસ્ટરની મુલાકાત
સંસ્થાના આધ્યાત્મિક વડા તરીકે પ. પૂ. મહંતસ્વામી મહારાજ સૌ પ્રથમ વખત લેસ્ટરમાં ત્રણ દિવસ માટે વિચરણ કરવા જઇ રહ્યા છે ત્યારે લેસ્ટરવાસી હરિભક્તોનો ઉત્સાહ આસમાનને આંબી રહ્યો છે. અોક્ટબરની તા. ૧૨થી ૧૫ સુધી સ્વામીશ્રીના વિચરણ અને વિવિધ કાર્યક્રમો માટે લેસ્ટરવાસીઅોએ ખૂબજ આનંદ ઉલ્લાસપૂર્વક તૈયારીઅો આદરી છે અને યુકેભરમાંથી હરીભક્તો લેસ્ટર પધારી સ્વામીશ્રીના પ્રત્યક્ષ દર્શનનો લાભ લેનાર છે. સ્વામીશ્રીના સ્વાગત માટે ભરપૂર તૈયારીઅો કરવામાં આવી છે અને મંદિરના ખુદના અક્ષર માર્ચીંગ બેન્ડના તાલ અને વિવિધ લોકનૃત્યો દ્વારા તેમનું સ્વાગત કરાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે બ્ર. સ્વ. પૂ. યોગીજી મહારાજે ૧૯૭૦માં સૌ પ્રથમ લેસ્ટરની મુલાકાત લીધી હતી અને તે પછી ૧૯૭૪માં પ્ર. બ્ર. પૂ. પ્રમુખ સ્વામી મહારાજે લેસ્ટરની મુલાકાત લીધી હતી. ત્યારે લેસ્ટરના ડોન્કાસ્ટર રોડ પર એક સેમી ડીટેચ્ડ હાઉસમાં નાનકડું મંદિર હતું જ્યાં પૂ. બાપાએ સૌને દર્શન કથાનો લાભ આપ્યો હતો. તે પછી ૧૯૭૮માં સત્સંગીઅોની સંખ્યા વધતા મંદિર ૧૯૭૮માં સીટી સેન્ટરમાં સેન્ટ જેમ્સ સ્ટ્રીટ ખાતે નહિં વપરાતા યુનિયન બિલ્ડીંગમાં ખસેડાયું હતું. ત્યાં પણ મંદિર અને સેવા પ્રવૃત્તિઅોનો વ્યાપ વધતો જ ચાલ્યો હતો. ૨૦૧૧માં લેસ્ટરના જીપ્સી લેન ખાતે અોક્ટોબર ૨૦૧૧માં પારંપરિક મંદિરનું નિર્માણ કરાયું હતું.
લેસ્ટર અને પેરીસની મુલાકાત બાદ પૂજ્ય સ્વામીશ્રી દીવાળી ઉત્સવ પ્રસંગે લંડન પરત ફરશે અને દિવાળી અને નૂતન વર્ષના અન્નકૂટની ઉજવણી કર્યા પછી ૨૧ ઓક્ટોબરે ભારત પરત ફરવા પ્રસ્થાન કરશે.
પૂ. સ્વામીજીના કાર્યક્રમો માટેની વ્યવસ્થા
પૂ. સ્વામીજીના યુકેના કાર્યક્રમો દરમિયાન વિદેશથી યુકે આવનારા તમામ સત્સંગીએ વેબલિંક https://registration.uk.baps.org/msm17uk.aspx ઉપર રજિસ્ટ્રેશન કરાવવું આવશ્યક છે. પૂજ્ય મહંતસ્વામીના યુકેના કાર્યક્રમો વિશે મહત્ત્વની માહિતી અને અપડેટ્સ મેળવવા ‘Remind’ મોબાઈલ એપ સર્વિસ માટે સાઈન અપ કરવા સૂચના અપાઈ છે.
મંદિરમાં તમામ લોકોની સુરક્ષા જળવાય તે માટે સતર્કતા દાખવવા, કોઈ પણ શંકાસ્પદ અથવા ન સમજાય તેવી પ્રવૃત્તિ થતી જણાય તો તેની સિક્યુરિટી ડિપાર્ટમેન્ટને આપવા અનુરોધ કરાયો છે. મંદિરમાં બેગ્સ સહિતનો સામાન ન લાવવા અને તમામ સિક્યુરિટી કર્મચારીને અને પ્રોસીજર્સમાં વિવેકપૂર્ણ સહકાર આપવા વિનંતી કરાઇ છે. આ ઉપરાંત ભીડ ઓછી થાય તે માટે તમામ હરિભક્તોને મંદિરે આવવા-જવા કાર શેર કરવા, કાર પાર્કિંગ માટે વોલન્ટીઅર્સની સૂચનાઓનો અમલ કરવા સૂચના અપાઇ છે. મંદિર પાસેની સ્કૂલનું કાર પાર્કિંગ ફુલ થઈ જાય તો સ્કૂલ કાર પાર્કિંગમાં વૃદ્ધો અને અસક્ષમ લોકોને પાર્કિંગમાં પ્રાથમિકતા આપવા સહકાર આપવો.
સત્સંગ સભા - ઉત્સવ માટેની બેઠક વ્યવસ્થા
ભક્તો અને મુલાકાતીઓ માટે હવેલી હોલમાં સભા- ઉત્સવ માટેની બેઠક વ્યવસ્થા કરવામાં આવી છે. પરંતુ જો તે ભરાઇ જાય તો મંદિર જિમ્નેશિયમ (એરિયા-૧) અને પછી શાયોના સામેની માર્કી (એરિયા-૨)નો સમાવેશ થાય છે. હવેલી હોલમાં ખુરશીઓની સંખ્યા મર્યાદિત છે. પૂજ્ય સ્વામીજીના દર્શન સારી રીતે થઈ શકે તે માટે મંદિર જિમ્નેશિયમ અને શાયોના માર્કીમાં વિશાળ સ્ક્રીન્સ પર સીસીટીવી દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવનાર છે. સભા વ્યવસ્થા સ્વયંસેવકો દ્વારા મુલાકાતીઓને સતત માર્ગદર્શન અપાતું રહેશે જેમાં પુરતો સહકાર આપવા વ્યવસ્થાપકોએ અનુરોધ કર્યો છે.
૦૦૦
પૂજ્ય મહંત સ્વામીનું વિચરણ અને કાર્યક્રમો
લંડનઃ શુક્રવાર ૨૨ સપ્ટેમ્બરથી ગુરુવાર ૧૨ ઓક્ટોબર ૨૦૧૭
લેસ્ટરઃ ગુરુવાર ૧૨ ઓક્ટોબરથી રવિવાર ૧૫ ઓક્ટોબર ૨૦૧૭
પેરિસઃ રવિવાર ૧૫ ઓક્ટોબરથી બુધવાર ૧૮ ઓક્ટોબર ૨૦૧૭
લંડનઃ ગુરુવાર ૧૯ ઓક્ટોબર - દિવાળી
શુક્રવાર ૨૦ ઓક્ટોબર - નૂતન વર્ષ અન્નકૂટ
શનિવાર ૨૧ ઓક્ટોબર - ભારત માટે પ્રસ્થાન
દૈનિક કાર્યક્રમ
સવારે ૫.૧૫થી ૫.૪૫ - સવારની કથા (દર્શનના જીવંત પ્રસારણ સાથે)
સવારે ૫.૪૫થી ૭.૧૫ - પૂજા, દર્શન અને આશીર્વાદ
સાંજના ૫.૩૦થી ૮.૦૦ - સાંજની સભા
રાત્રિના ૮.૦૦ થી ૯.૦૦ - મહાપ્રસાદ
===============
દૈનિક આરતીનો સમય
સવારે ૫.૩૦- મંગળા આરતી
સવારે ૫.૪૫- નીલકંઠ વર્ણી આરતી
સવારે ૭.૦૦- શણગાર આરતી
સવારે ૧૧.૪૫- રાજભોગ આરતી
સાંજના ૬.૩૦- નીલકંઠ વર્ણી આરતી
સાંજના ૭.૦૦- સાંધ્ય આરતી
રાત્રિના ૮.૩૦- શયન આરતી
===============
વધુ માહિતી માટે જુઅો વેબસાઇટ http://londonmandir.baps.org