BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, નીસડન, લંડન ખાતે તા. ૧૫ જુલાઈને રવિવારે શિક્ષકો માટે નેશનલ ગુજરાતી કોન્ફરન્સનું આયોજન કરાયું હતું. તેમાં સમગ્ર ઈંગ્લેન્ડની ૪૮ જુદી જુદી સપ્લીમેન્ટરી સ્કૂલ, મંદિરો અને કોમ્યુનિટી ગ્રૂપ્સના ૩૧૭ જેટલા સિનિયર મેનેજમેન્ટ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. જેમાં બીગીનર્સ, ઈન્ટરમિડિયેટ અને એડવાન્સ્ડ (GCSE & A – Level ) લેવલમાં શિક્ષકોને ગુજરાતી શિક્ષણનો વ્યાપ વધારવા માટે વ્યવહારિક જ્ઞાન સાથે તાલીમ અપાઈ હતી. તે ઉપરાંત, હાલના કાયદા અને પદ્ધતિને સુસંગત રહીને સ્કૂલના શ્રેષ્ઠ વહીવટ માટે પણ માર્ગદર્શન અપાયું હતું.
કાર્યક્રમનો પ્રારંભ સ્વાગત નૃત્ય અને ગુજરાતી ભાષાને પ્રોત્સાહન આપવા તેમજ તેના જતન માટે શિક્ષકોના અથાક પ્રયાસ બદલ તેમનો આભાર માનતા વડા પ્રધાન નરેન્દ્ર મોદીના પત્રના પઠન સાથે થયો હતો.
‘ટ્રેઝર, ઈનોવેટ એન્ડ ઈન્સ્પાયર’ થીમ એટલે કે ગુજરાતી ભાષાની સમૃદ્ધ વીરાસતને પ્રોત્સાહન, નવી શિક્ષણ પદ્ધતિ (ટેક્નોલોજી અને મીડિયા સહિત) વિક્સાવવી અને GCSE પરીક્ષા વિશે તાજી માહિતી અને યુવા પેઢીને ગુજરાતી શીખવવામાં ઉત્સાહથી પ્રેરિત થવા અને તેમના પેરેન્ટ્સમાં જાગૃતિ કેળવવાની વાતને ધ્યાનમાં રાખીને ભાષણો, વર્કશોપ અને નેટવર્કિંગ સેશન્સ સાથે કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
સવારના સત્રના મુખ્ય વક્તા લેંગ્વેજ નેટવર્કના અગ્રણી ડોમિની સ્ટોન હતા. તેઓ નેટવર્ક ફોર લેંગ્વેજીસના રિજનલ મેનેજર તરીકે ફરજ બજાવે છે અને પ્રાઈમરી અને સેકન્ડરી લેંગ્વેજ ટીચર્સ માટે CPD પ્રોગ્રામનું સંચાલન કરે છે. તેમણે બાળકોને ભાષા શીખવા માટે પ્રોત્સાહન મળે તેવી પદ્ધતિઓની માહિતી આપી હતી. તેમણે વર્કશોપ સત્રોના મૂળ વિષયો અને થીમની વિસ્તૃત છણાવટ કરી હતી.
BAPS સ્વામીનારાયણ સંસ્થાના વરિષ્ઠ સ્વામી વિવેકસાગર સ્વામીએ રેકોર્ડેડ વીડિયો પ્રેઝન્ટેશન દ્વારા ગુજરાતી શીખવાના અને શીખવવા માટેના પ્રેરણાદાયક સંદેશા રજૂ કર્યા હતા. પૂ. મહંત સ્વામીના આશીર્વચનનો વીડિયો પણ રજૂ કરાયો હતો. તેમણે તમામ ગુજરાતી સ્કૂલો સંગઠિત બનીને કાર્ય કરવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. મનોહરમૂર્તિ સ્વામીએ સાથે મળીને કાર્ય કરવાની સફરમાં જોડાવા અને ગુજરાતી શિક્ષણની રૂપરેખાનું સ્તર વધારવા તમામ પ્રતિનિધિઓેને પ્રેરણા પૂરી પાડી હતી.
લોર્ડ જિતેશ ગઢિયાએ કોન્ફરન્સને સંબોધન કર્યું હતું અને સમાજ પ્રત્યેની નિઃસ્વાર્થ સેવા બદલ શિક્ષકોનો આભાર માન્યો હતો. તેમણે યુકેમાં ગુજરાતીઓને જે પડકારોનો સામનો કરવો પડે છે તેની માહિતી આપી હતી અને એક સમાજ તરીકે કાર્યશીલ રહીને દેશમાં ભાષાનું જતન કરવાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો.
કોન્ફરન્સ અંગે પ્રતિનિધિઓના પ્રતિભાવ ખૂબ ઉત્સાહપૂર્ણ રહ્યા હતા. ઘણાં પ્રતિનિધિઓએ ભવિષ્યમાં યોજાનારી કોન્ફરન્સમાં ભાગ લેવાનું જણાવ્યું હતું. કેટલાંકે પોતાના ટાઉન અને શહેર ઉપરાંત અન્ય સ્કૂલો સાથે સંકળાવાની તક મળવા બદલ ખુશી વ્યક્ત કરી હતી.
એક શિક્ષકે જણાવ્યું હતું,‘ આ કોન્ફરન્સ દ્વારા ગુજરાતી શીખવતા સમુદાય સાથે સહયોગ સાધવાની અદભૂત તક સાંપડી. વિદ્યાર્થીઓને શીખવવાની જુદીજુદી પદ્ધતિઓ વિશે ફોરમમાં જાણવા મળ્યું તે અમૂલ્ય હતું. આવો સુંદર કાર્યક્રમ યોજવા બદલ આપનો આભાર.’