લંડનઃ 2022માં પ્રારંભિક થેમ્સ દુર્ગા પરેડની અભૂતપૂર્વ સફળતા પછી યુકેસ્થિત બિનનફાકારી સંસ્થા હેરિટેજ બંગાળ ગ્લોબલ (HBG) દ્વારા 28 ઓક્ટોબર શનિવારે બે માળના વહાણ સાથે દ્વિતીય થેમ્સ દુર્ગા પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના બંગાળમાં મુખ્યત્વે મૂળિયાં ધરાવતા બંગાળી ડાયસ્પોરાની બનેલી આ સંસ્થાના કાર્યક્રમમાં ગત વર્ષ કરતાં પણ વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. દુર્ગા માતાની પ્રતિમાને ‘દુર્ગા માતા કી જય’ના જોરદાર બૂમરાણ તેમજ ઢાક (નગારા) અને કાન્સોર ઘોન્ટા (મંજીરા-કરતાલ)ના નાદ સાથે બ્લેકફ્રીઆર્સથી કેનારી વ્હાર્ફથી વોટર્લુ થઈને ખુલ્લા ટાવર બ્રિજ તરફ વહાણમાં લઈ જવાયાં પછી પરત લાવવામાં આવી હતી. આ સમયે મુખ્ય પ્રધાન મમતા બેનરજી દ્વારા આયોજિત કોલકાતાના રેડ રોડ કાર્નિવલની લાગણીઓ પુનઃ તાજી થઈ હતી.
આ ઈવેન્ટમાં વહાણ પર ડાયસ્પોરાના 230થી વધુ સભ્યો હતા જેઓ માત્ર આ ઈવેન્ટ માટે ઓસ્ટ્રેલિયા અને ભારતથી હવાઈમાર્ગે લંડન આવ્યા હતા. વિશ્વપ્રવાસી, લેખક અને ઈન્ફ્લુઅન્સર ઈન્દ્રનિલ હાલદાર સિડનીથી આવ્યા હતા જેમણે ગત એક મહિનામાં થેમ્સ પરેડની ફાઈનલમાં હાજરી આપતા પહેલા યુએસ અને યુકેમાં દુર્ગા પૂજાઓની મુલાકાત લીધી હતી.
કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોમાં યુકેના કોલકાતાસ્થિત વર્તમાન બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર (DHC) ડો. એન્ડ્રયુ ફ્લેમિંગ અને કોલકાતાથી વિદાય લઈ રહેલા બ્રિટિશ DHC નિક લો તેમજ આર્મ્ડ ફોર્સીસ, રોયલ એર ફોર્સના સભ્યો, સ્થાનિક મેયરો અને કાઉન્સિલરોનો પણ સમાવેશ થયો હતો. ટોલિવૂડના પ્રખ્યાત અભિનેતા-ફિલ્મનિર્માતા સૌમ્યજિત મજૂમદારે પણ ખાસ હાજરી આપી હતી.
કોલકાતા લંડન વચ્ચે સેતુનિર્માણ બની રહેલી આ વર્ષની પરેડમાં કલકત્તા રોવિંગ ક્લબ (CRC)ની શતાબ્દી ઉજવણી નવેમ્બરમાં કોલકાતામાં યોજાનાર છે જેને લંડન રોવિંગ ક્લબ (LRC) દ્વારા સપોર્ટ કરાયો છે તેનું લોન્ચિંગ કરાયું હતું. HBGની બોટ પર CRC અને LRCના સભ્યોએ થેમ્સ પર ધ્વજ લહેરાવી કોલકાતા ઈવેન્ટને પ્રતીકાત્મક રીતે ખુલ્લો મૂક્યો હતો. આમ તે અનોખો ઈન્ડો-બ્રિટિશ અનુભવ બની રહ્યો હતો.
આ કાર્યક્રમમાં મુખ્યત્વે નાવિકો દ્વારા દ્વારા ગવાતા લોકગીતો- ભાટિયાલી જીવંત રજૂ કરાયા હતા. પ્રસિદ્ધ ગાયક સૌરવ મોનિ દ્વારા સૌપ્રથમ વખત થેમ્સ નદી પર ગવાયેલા આ ભાટિયાલીમાં ઓડિયન્સે સાથ પુરાવ્યો હતો અને સુંદર સંગીતના તાલે નાચ્યા પણ હતા.
ગત વર્ષ 2022માં દુર્ગા પરેડ ઓન થેમ્સની શરૂઆત કરનારા HBGના પ્રેસિડેન્ટ અનિર્બન મુખોપાધ્યાયે જણાવ્યું હતું કે,‘ગયા વર્ષે અમે એક બોટ સાથે આ પરેડની શરૂઆત કરી હતી અને આ વર્ષે મા દુર્ગાની સાચી પ્રતિમા ડેક પર રાખીને પૂજાના આખરી દિવસ વિજયા દશમીએ માતાની તેમના પતિના નિવાસ તરફની યાત્રાની ઉજવણી કરી હતી. થેમ્સ પરેડમાં વધુ નબોટ્સની હાજરી હોય તે દિવસથી આપણે ઘણા દૂર નથી જ્યારે આ ભવ્ય યાત્રામાં વધુ પ્રમાણમાં સ્થાનિક લોકોને આકર્ષિત કરવાનું આપણું લક્ષ્ય પરિપૂર્ણ થશે. આનાથી ભારતના બંગાળમાં આ વાર્ષિક ઉત્સવ દરમિયાન તેમને બંગાળની મુલાકાત લેવાની પ્રેરણા મળશે. આમ કોલકાતા અને બંગાળ તરફના પ્રવાસનને ભારે વેગ મળશે.’
કામડેન દુર્ગા પૂજા (લંડન દુર્ગોત્સવ કમિટી) દ્વારા અલગ બોટનું આયોજન કરાયું હતું જેમાં ઈતિહાસમાં પ્રથમ વખત વહાણ પણ કોજાગોરી લક્ષ્મી પૂજા યોજાઈ હતી.