હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટ દ્વારા બ્રિટનની પાર્લામેન્ટ - પોર્ટક્યુલીસ હાઉસ ખાતે પ્રી લોંચ નવરાત્રી ઉત્સવનું શાનદાર આયોજન કરાયું હતું. સરકાર દ્વારા નવરાત્રિની ઉજવણી માટે અપાતી ગ્રાન્ટ બંધ કરાઇ છે તે અંગે એમપી, લોર્ડ્ઝ, સ્થાનિક કાઉન્સિલર્સને નવરાત્રિના મહત્વ અને ગ્રાન્ટની જરૂરિયાત અંગે સમજ અપાઇ હતી.
આ કાર્યક્રમમાં ગુજરાત સમાચાર - એશિયન વોઇસના તંત્રી શ્રી સીબી પટેલને તેમના ૮૦મા જન્મ દિન પ્રસંગે હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટના ચેરમેન શ્રી અશ્વીનભાઇ ગલોરિયા અને ખજાનચી મહેન્દ્રભાઇ પટ્ટણી દ્વારા ગણેશજીની પ્રતિમા અર્પણ કરાઇ હતી. આ પ્રસંગે એમપી બેરી ગાર્ડીનરને પણ ગણેશજીની પ્રતિમા અર્પણ કરી બહુમાન કરાયું હતું.
હિન્દુ કાઉન્સિલ બ્રેન્ટના ચેરમેન અશ્વીન ગલોરિયાનું ૩૦ વર્ષની લાગલગાટ સામાજીક અને સેવાકીય પ્રવૃત્તીઅો બદલ બ્રેન્ટના હિન્દુ સમુદાય દ્વારા તાજેતરમાં બહુમાન કરાયું હતું. આ પ્રસંગે ભારતીય હાઇકમિશનના પ્રતિનિધિ શ્રી અમિત શર્મા ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત સંસ્થા દ્વારા શ્રી જલારામ ક્રિષ્ણા મંડલ દ્વારા શનિવાર તા. ૯મી સપ્ટેમ્બરના રોજ શ્રાધ્ધ ભજનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેને ખૂબ જ સફળતા મળી હતી.