નેશનલ કોંગ્રેસ અોફ ગુજરાતી અોર્ગેનાઇઝેશન્સ દ્વારા ગુજરાત રાજ્યના શિક્ષણ અને અન્ય વિભાગોના મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને શિક્ષણ સચીવ શ્રી અરવિંદ અગ્રવાલના સ્વાગત સમારોહનું આયોજન તા. ૨૧-૧-૧૫ના રોજ લંડનના પેલેસ અોફ વેસ્ટમિનસ્ટર ખાતે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લેસ્ટર ઇસ્ટના એમપી શ્રી કીથ વાઝ, હેરો ઇસ્ટના એમપી બોબ બ્લેકમેન, લોર્ડ ભીખુભાઇ પારેખ સહિત સ્થાનિક અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા હતા.
શ્રી બોબ બ્લેકમેને જણાવ્યું હતું કે સમગ્ર ભારત અત્યારે પ્રગતિ કરી રહ્યું છે ત્યારે ગુજરાત ભારતનું ઇકોનોમિક પાવર છે. શિક્ષણ સચિવ શ્રી અગ્રવાલે જણાવ્યું હતું કે 'ગુજરાત રાજ્યના વિકાસ અને ઉદ્યોગ - વેપારના કારણે ગુજરાતના તમામ શહેરો - નગરોને સારા ટેક્સ મળે છે અને તેને કારણે બધા નગરો શહેરોનો વિકાસ વધ્યો છે. આ જ મોડેલનું અનુકરણ બીજા રાજ્યો કરે તો સોનામાં સુગંધ ભળશે. શ્રેષ્ઠ નેતાગીરીનું આ પરિણામ છે.
શ્રી ચુડાસમાએ જણાવ્યું હતું કે રાતોરાત પ્રગતિ થઇ શકે નહિં, પણ આપણે ગુજરાતમાં રમત ગમતને પ્રોત્સાહન આપવા દર વર્ષે ખેલમહાકુંભનું આયોજન કરાય છે. જેમાં ૩૫ લાખ લોકો ભાગ લે છે. અમે ખાનગી શાળાઅોને મંજુરી આપવામાં પણ ઝડપ બતાવીએ છીએ અને સરકાર પાસે ફાજલ જમીન હોય તો તે પણ આપીએ છીએ. રણોત્સવ સાત દિવસ માટે હતો તે હવે તે ૯૫ દિવસ માટે યોજાય છે અને તેનાથી કચ્છનું અર્થતંત્ર બદલાઇ ગયું છે. આ વર્ષે વાયબ્રન્ટ ગુજરાતમાં ૧૨૫ લાખ કરોડ રૂપિયાનું રોકાણ થવા કરાર થયા છે.
શ્રી લોર્ડ પારેખે જણાવ્યું હતું કે 'શ્રી ચુડાસમા અને ગુજરાત સરકાર જે પ્રયત્નો કરે છે તેના મીઠા ફળ આગામી ૧૦-૧૫ વર્ષ પછી મળશે. સરકારની તમામ પ્રવૃત્તિ પર અમારી શ્રદ્ધાપૂર્વક નજરે છે અને મદદ પડે તો અમને જરૂર કહેજો.'