લંડનઃ આર્મ્ડ ફોર્સીસ ચેરિટી કોમ્બેટ સ્ટ્રેસના લાભાર્થે પંજાબી સોસાયટી ઓફ ધ બ્રિટિશ આઈલ્સ (PSBI) દ્વારા ૨૦ એપ્રિલે ગવર્નર હાઉસ હોટલ ખાતે વાર્ષિક ડિનરનું આયોજન કરાયું હતું. ચેરિટી દ્વારા પૂર્વ સૈનિકો અને મહિલાઓને માનસિક સ્વાસ્થ્ય માટે મદદ અને સ્પેશિયલાઈઝ્ડ સારવાર પૂરી પડાય છે. કાર્યક્રમના મુખ્ય અતિથિ સાજિદ જાવિદ PC MP, સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર કોમ્યુનિટીઝ એન્ડ લોકલ ગવર્ન્મેન્ટ અને અતિથિ વિશેષ તરીકે દિનેશ પટનાયક, યુકે ખાતેના ભારતના ડેપ્યુટી હાઈકમિશનર હતા.
આ પ્રસંગે રિચાર્ડ હેરિંગ્ટન MP, મેમ્બર ઓફ પાર્લામેન્ટ ફોર ઈલિંગ-સાઉથોલ અને લેફ્ટનન્ટ જનરલ એન્ડ્રયુ ગ્રેહામ CB CBE, કોમ્બેટ સ્ટ્રેસના ચેરમેન સહિત ૪૫૦ મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
PSBIના વર્તમાન પેટ્રન અને પૂર્વ પ્રમુખ ડો. રેમી રેન્જર CBE, તેમજ વર્તમાન પ્રમુખ ડો. અમિત પાઠક OBE એ બ્રિટનને સાંસ્કૃતિક રીતે સમૃદ્ધ બનાવવા બદલ પંજાબી કોમ્યુનિટીની પ્રશંસા કરી હતી. ડેપ્યુટી હાઈ કમિશનર દિનેશ પટનાયકે પંજાબી લોકોને ગ્લોબલ ઈન્ડિયન ડાયસ્પોરાના ગૌરવસમા ગણાવ્યા હતા. મુખ્ય અતિથિ સાજિદ જાવિદે વૈશ્વિક પંજાબી પરિવારના કરુણાભાવ અને આતિથ્યભાવને બિરદાવ્યા હતા.
PSBI એ સમુદાયના વિશિષ્ટ વ્યક્તિઓને પ્રાઈડ ઓફ પંજાબ એવોર્ડ્સ એનાયત કર્યા હતા. વીરેન્દ્ર શર્મા MP આ એવોર્ડ મેળવનારા પ્રથમ તેમજ અરોરા ગ્રૂપના સ્થાપક તથા ચેરમેન સુરીન્દર અરોરા દ્વિતીય હતા. ત્યારબાદ જનરલ એન્ડ્રયુ CB CBEએ કોમ્બેટ સ્ટ્રેસ તરફથી અપીલ કરી હતી.