લંડનઃ PwC હિંદુ સોસાયટી દ્વારા મંગળવારને તા. ૧૭ ઓક્ટોબરે લલિત હોટલ ખાતે દિવાળી તેમજ સંસ્થાની સ્થાપનાના ૧૫ વર્ષની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. પ્રારંભમાં રાહિલ અને ગુરદેને પ્રાર્થના રજૂ કરી હતી. તે પછી દીપ પ્રગટાવવામાં આવ્યા હતા. સમારંભના મુખ્ય અતિથિ લોર્ડ જીતેશ ગઢિયાએ સંસ્થાની વિવિધ પ્રવૃત્તિ બદલ પ્રશંસા કરતા જણાવ્યું હતું કે કોઈ પણ પ્રોફેશનલ કંપની માટે વિચારો અને લોકોનું વૈવિધ્ય હોય તે જરૂરી છે. તેમણે ઋગ્વેદ અને રામાયણની પણ વાત કરી હતી.
સંસ્થાના સ્થાપક અને આઈટી કન્સલ્ટન્ટ નીલેશ સોલંકીએ દિવાળીની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે વિવિધ સમાજના લોકો અત્રે ઉપસ્થિત છે તે જોઈને ખૂબ આનંદ થાય છે. સંસ્થાના પાર્ટનર અને બોર્ડ મેમ્બર સુનિલ પટેલે દિવાળીના પર્વના મહત્ત્વનું વર્ણન કર્યું હતું. PwCના ચેરમેન કેવિન એલિસે દિવાળીના ઉત્સાહપૂર્ણ માહોલ વિશે વાત કરી હતી. સંસ્થાના ડિરેક્ટર લીસા ધનાનીએ ટીમના જુસ્સાને બીરદાવીને અન્ય નેટવર્કને મદદ કરવાની જરૂર જણાવી હતી. કાર્યક્રમના સમાપનમાં હેડ ઓફ ડાયવર્સિટી સારા ચર્ચમેને કંપનીની સમાવેશી સંસ્કૃતિ અને તેના વૈવિધ્ય અને રૂપાંતરણની માહિતી આપી હતી.
વાણી સુદે ભરતનાટ્યમ નૃત્ય રજૂ કર્યું હતું. રાકેશ અને તેમની ટીમે ફ્યુઝન મ્યુઝિક તેમજ રાહિલ અને ગુરદેને ભારતીય શાસ્ત્રીય સંગીતની સુરાવલિ વહેવડાવી હતી. PwC હિંદુ નેટવર્કમાં ૫૦૦ સભ્યો છે, જે શહેરની અન્ય કંપનીઓને આવું નેટવર્ક ઉભું કરવાની પ્રેરણા પૂરી પાડે છે.