લંડનઃ જમ્મુ અને કાશ્મીર રાજ્યમાંથી ૧૯૯૦માં કાશ્મીરી હિન્દુ પંડિતોની સામૂહિક હિજરત થઈ તે પછી તેમની દુર્દશા પર પ્રકાશ પાથરવા બે બ્રિટિશ ભારતીયો પ્રયાસ કરી રહ્યા છે. આજે તેમનો હેતુ ‘Story of Kashmiri Pandits’ ડોક્યુમેન્ટરીને વિશ્વભરમાં દર્શાવવાનો છે. કાશ્મીરી હિન્દુ પંડિતો પરના અત્યાચારની મર્યાદિત અથવા જરા પણ સમજ ન હોય તેવા સાઉથ એશિયન વારસાની બીજી અને ત્રીજી પેઢીના યુવાનોને શિક્ષિત કરવા અને માહિતી આપવાનો તેમનો હેતુ છે. આ ડોક્યુમેન્ટરી સૌપ્રથમ હાઉસ ઓફ કોમન્સમાં નવ સપ્ટેમ્બર, સોમવારે દર્શાવવામાં આવી હતી. હાઉસ ઓફ કોમન્સમાં કાશ્મીરી પંડિત કલ્ચરલ સોસાયટી દ્વારા આયોજિત કાર્યક્રમમાં હેરો ઈસ્ટના કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેન, ઈલિંગ સાઉધોલના લેબર સાંસદ વીરેન્દ્ર શર્મા, લોર્ડ ડોલર પોપટ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં ડોક્યુમેન્ટરી દર્શાવવા ઉપરાંત, ખીણપ્રદેશમાં જાતિનિકંદનનો આઘાત સહીને દેશનિકાલ થઈ યુકેમાં ૩૦ વર્ષથી રહેતા અને કદી પોતાની માતૃભૂમિ જઈ ન શકેલા કાશ્મીરીઓની કથા વર્ણવતા પુસ્તક ‘Resilience’નું લોન્ચિંગ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત કાશ્મીરી અને હિન્દુ ડાયસ્પોરાના સભ્યોએ લંડનમાં ભારતીય હાઈ કમિશનની બહાર કરાયેલા હિંસક વિરોધની આલોચના કરવા સાથે ચિંતા પણ દર્શાવી હતી. આ ચિંતાનો પ્રતિભાવ આપતા લોર્ડ ડોલર પોપટે જણાવ્યું હતું કે ‘આપણી સમસ્યા તો એ છે કે મુસ્લિમ કોમ્યુનિટીથી વિરુદ્ધ આપણે બધા વિભાજિત છીએ. આપણે બધાએ સાદિક ખાનને મત આપ્યો અને તેમણે આપણા માટે શું કર્યું? હવે આપણે કન્ઝર્વેટિવ્ઝને મત આપીએ તે સમય આવી ગયો છે.’
આશરે ૩૦ વર્ષ અગાઉ ઈસ્લામિક બંડખોરો દ્વારા આક્રમણના પગલે ૩૫૦,૦૦૦થી વધુ કાશ્મીરી હિન્દુઓ ખીણપ્રદેશમાંથી નાસી છૂટ્યા હતા અને તે પછી તેઓએ ધીમે ધીમે ભારત, યુએસએ, ઈયુ અને યુકેના કેટલાક વિસ્તારોમાં આશ્રય મેળવ્યો હતો. વર્તમાનમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જમ્મુ અને કાશ્મીર રાજ્યમાંથી આર્ટિકલ ૩૭૦ની નાબૂદી કરાયા પછી મુખ્ય પ્રવાહના આંતરરાષ્ટ્રીય મીડિયામાં કાશ્મીર સંબંધે ઘણું લખાયું છે. જોકે, કાશ્મીર વિશે તેમના ઐતિહાસિક વિશ્લેષણોમાં ઘણા આંતરરાષ્ટ્રીય મીડિયા અને વિચારસંસ્થાઓ (થિન્ક ટેન્ક્સ) કાશ્મીરી હિન્દુ પંડિતોની પરિસ્થિતિઓ અને ચિંતાને સમજવામાં નિષ્ફળ રહ્યા છે.
કાશ્મીર સંબંધે જે રાજકીય કાગારોળ મચી છે તેનાથી દૂર રહીને રેમન ને અર્જુન દ્વારા માનવીય કથાઓ પર પ્રકાશ પાડ્યો છે, જેની ચર્ચા પાશ્ચાત્ય મીડિયામાં ભાગ્યે જ કરાય છે. તેમની ડોક્યુમેન્ટરી ‘Story of Kashmiri Pandits’માં હાલ યુકેમાં વસવાટ કરતા કાશ્મીરી પંડિતો દ્વારા વર્ણન કરાયેલી ઘટનાઓનું આલેખન કરાયું છે.
લંડનસ્થિત ફિલ્મનિર્માતા અને ડોક્યુમેન્ટરીના ડાયરેક્ટર અર્જુન કહે છે કે,‘કાશ્મીરી પંડિત્સ કલ્ચરલ સોસાયટી યુકે દ્વારા એક કાર્યક્રમમાં હાજરી આપ્યા પછી મેં આ ડોક્યુમેન્ટરી પર કામ ચાલુ કર્યું હતું. આ કાર્યક્રમમાં જતા પહેલાં કાશ્મીર વિશે મારું જ્ઞાન મુખ્ય પ્રવાહના મીડિયામાં હું જે વાંચતો તે પૂરતું મર્યાદિત હતું અને વિષય પર ઘણું ઓછું જાણતો હતો. જમ્મુ, કાશ્મીર અને લડાખના ઈતિહાસ, સંઘર્ષ અને જટિલતા વિસે મારી ખાસ સમજ ન હતી પરંતુ, કેટલાક કાશ્મીરી પંડિતોને મળ્યા પછી મને સમજાયું કે આજના વિશાળ ચિત્રને સમજવામાં તેમની કથાઓ અને અનુભવો પણ મહત્ત્વ ધરાવે છે.’
કાશ્મીરી પંડિતોના અવાજનો પડઘો પાડવા ઉપરાંત, અર્જુને સટન અને ચીઆમના સાંસદ પોલ સ્કલીનો ઈન્ટરવ્યૂ લીધો હતો. પોલ સ્કલી અને બોબ બ્લેકમેન જેવા બ્રિટિશ સાંસદોએ કાશ્મીરી પંડિતોના અધિકારો વિશે સક્રિય સમર્થન સાથે લડત ચલાવી છે. પાર્લામેન્ટરી ચર્ચાઓથી કોમ્યુનિટી પ્રોજેક્ટ્સ પર કામ કરવા સહિત આ સાંસદોએ યુકેમાં આશ્રયસ્થાન મેળવવામાં કાશ્મીરી પંડિતોને મદદ કરી છે.
જોકે, ૧૯૪૭માં ભારતને આઝાદી મળ્યા પછી કાશ્મીરમાં અશાંતિ સર્જનારા મૂળ કારણો જાણવાની શોધમાં અર્જુને દિલ્હી જઈ કાશ્મીરી પંડિત સમુદાયના પ્રખર હિમાયતી અને ‘'Roots in Kashmir’ના સ્થાપક સુશીલ પંડિતનો ઈન્ટરવ્યૂ કર્યો હતો. ઈતિહાસવિદ અને સામાજિક કર્મશીલ સુશીલ પંડિત ૧૯૯૦માં કાશ્મીરી સમુદાયની સામૂહિક હિજરત સંબંધે આંતરરાષ્ટ્રીય મંચો અને ડાયસ્પોરા જૂથોમાં જાગરુકતા ફેલાવવામાં આગળ રહ્યા છે. અર્જુને કહ્યું હતું કે ‘આ લોકો સાથે વાતચીત અને ડોક્યુમેન્ટરીના ફિલ્માંકનની પ્રક્રિયા દરમિયાન મને સમજાયું કે ભૂતકાળમાં કેટલાક રીપોર્ટર્સ, રાજકારણીઓ અને કર્મશીલોએ પણ આ લોકોની કહાણીઓને સંપૂર્ણપણે નજરઅંદાજ કરી છે ત્યારે મને ભારે આઘાત લાગ્યો હતો. આ ડોક્યુમેન્ટરી દ્વારા મારો હેતુ અને લક્ષ્ય યુકેમાં સ્થાયી સાઉથ એશિયન ડાયસ્પોરાને જ નહિ પરંતુ વ્યાપક આંતરરાષ્ટ્રીય સમુદાયને શિક્ષિત અને જાગૃત કરવાનો છે.’
વર્તમાન સાહિત્ય અને હકીકતપૂર્ણ ડેટાની સમીક્ષા કરવામાં તેને ડોક્યુમેન્ટરીના નિર્માતા રેમન મેનનનો સાથ મળ્યો છે. કિંગ્સ કોલેજમાં રાજકારણ વિશે અંડરગ્રેજ્યુએશન અભ્યાસમાં રેમને તેના શોધનિબંધમાં ભારતીય વિદેશનીતિ પર હિન્દુ રાષ્ટ્રવાદની અસરનું વિશ્લેષણ કર્યું હતું. આ સંશોધને જમ્મુ-કાશ્મીરમાં બંડખોરી અને રાજકીય દ્વિપક્ષી સંબંધોમાં અડચણોને સમજવામાં તેને મદદ કરી હતી. હવે લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સમાં કાશ્મીરને કેન્દ્રમાં રાખી સંઘર્ષોના અભ્યાસમાં તે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં આગળ વધશે ત્યારે તેણે કાશ્મીરના રાજકારણમાં યુકેની ભૂમિકા વિશે ચર્ચા કરી હતી. રેમને કહ્યું હતું કે,‘કાશ્મીર ભારત અને પાકિસ્તાન માટે જાતે જ ઉકેલવાનો આંતરિક દ્વિપક્ષીય મુદ્દો છે અને યુકેના આ સત્તાવાર વલણ વિશે હું સંમત છું. હું માનતો નથી કે કાશ્મીર સમસ્યા આરબ-ઈઝરાયેલ જેવી સમસ્યા છે કારણકે આરબ-ઈઝરાયેલ મુદ્દે યુએસની મધ્યસ્થીની ભૂમિકા છે પરંતુ આ બે સાઉથ એશિયન દેશો એટલા વિશાળ છે કે તેમને મધ્યસ્થીની આવશ્યકતા નથી. કાશ્મીરી હિન્દુ સમાજ ઘણો નાનો છે અને વર્તમાન ઘટનાઓના પરિપ્રેક્ષ્યમાં તેમનો અવાજ ઉઠાવવામાં તેમને આપણા સપોર્ટની જરૂર છે.’