અમદાવાદમાં છારોડી સ્થિત સુપ્રસિદ્ધ SGVP ગુરુકૂળ ખાતે હરિભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં ગુરુપૂર્ણિમા મહોત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના પ્રારંભે હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને સંતગણે અધ્યક્ષ પ.પૂ. માધવપ્રિયદાસજી સ્વામીનું 50 ફૂટનો હાર પહેરાવીને પૂજન કર્યું હતું. આ પછી ગુરુકૂળના ટ્રસ્ટીઓ - સંતોએ માધવપ્રિયદાસજી સ્વામી, પુરાણી બાલકૃષ્ણદાસજી સ્વામી, પુરાણી હરિસ્વરૂપદાસજી સ્વામીનું હાર પહેરાવીને પૂજન કર્યું હતું. પ.પૂ. માધવપ્રિયદાસજી સ્વામીએ સહુને આશીર્વચન પાઠવતાં જણાવેલ કે ગુરુપૂર્ણિમા એટલે ખરેખર તો વ્યાસ પૂજનનો દિવસ. ભારત વર્ષની સંત પરંપરાને વંદન કરવાનું મહાન પર્વ એટલે ગુરુપૂર્ણિમા.. આપણો મૂળ ધર્મ એ વેદ ધર્મ છે. જેટલા પરમાત્મા નારાયણ આદિ-અનાદિ છે એટલા જ વેદો પણ આદિ-અનાદિ છે. 18 પુરાણો અને મહાભારત, આદિ ઈતિહાસ ગ્રંથો વેદની પુષ્ટિ કરનારા છે.