બર્મિંગહામઃ લક્ષ્મી નારાયણ મંદિર અને શ્રી હિન્દુ કોમ્યુનિટી સેન્ટર (SHCC)ના શિખર પ્રોજેક્ટ માટે ભંડોળ એકત્ર કરવા ગત રવિવાર, ૨૯ ઓક્ટોબરે ૧૦ કિલોમીટરના વોકાથોનનું આયોજન કરાયું હતું, જેમાં ૮ થી ૮૫ વયજૂથના ૬૦૦થી વધુ વ્યક્તિ જોડાઈ હતી. સાઉથ બર્મિંગહામના સૌથી મોટા મંદિરની સ્થાપના ૧૯૮૧માં થઈ હતી અને તે તમામ લોકો માટે સાંસ્કૃતિક, શૈક્ષણિક અને મનોરંજક પ્રવૃત્તિઓનું કેન્દ્ર ગણાય છે.
મંદિર અને કોમ્યુનિટી હોલના વિવિધ ભાગોમાં નવીનીકરણ ચાલી રહ્યું છે. આ શિખર પ્રોજેક્ટ વર્તમાન જર્જરિત વિક્ટોરિયન ચર્ચના બાહ્ય અગ્રભાગનું રૂપાંતર કરવા સાથે પરંપરાગત હિન્દુ મંદિરની ધાર્મિક છાપ મૂકવા ઇચ્છે છે. શિખર પ્રોજેક્ટની ૩૦૦,૦૦૦ પાઉન્ડના અંદાજિત ખર્ચ સામે વોકાથોન થકી ૪૦,૦૦૦ પાઉન્ડનું ભંડોળ એકત્ર કરવાનું લક્ષ્ય હતું. જોકે, વોકાથોનના આરંભ સુધીમાં તો આ લક્ષ્ય હાંસલ કરી લેવાયું હતું.
શિખર પ્રોજેક્ટ માટે ભંડોળ એકત્રીકરણ કાર્યના કો-ઓર્ડિનેટર રમેશભાઈ ચૌહાણે વોકાથોન માટે વ્યવસ્થાની જવાબદારી સંભાળનારા ૧૦૦ સ્વયંસેવકોની ભારે પ્રશંસા કરી હતી. વોકાથોનના આરંભને લીલી ઝંડી આપવા SHCCના પૂર્વ પ્રમુખો રસિકભાઈ ઠકરાર, પ્રફુલભાઇ અમીન મહેન્દ્ર ડાભી તથા હિંદુ સ્વયંસેવક સંઘના ધીરજભાઈ શાહ, હિન્દુ કાઉન્સિલ ઓફ બર્મિંગહામના તરંગભાઇ શેલત, BAPSના વસંતભાઈ પરીખ, શ્રી રામ મંદિરના હિતેશભાઈ કુકડીયા, શ્રી પ્રજાપતિ એસોસિયેશનના પિયુષભાઇ મિસ્ત્રી સહિત
બર્મિંગહામની અન્ય સંસ્થાઓ પ્રમુખો ઉપસ્થિત રહ્યા હતા. મંદિરના શાસ્ત્રીજી ભાઈશંકર જોશી દ્વારા વિધિ કરવામાં આવી હતી.
SHCCના પ્રમુખ મુકેશભાઈ લાડવાએ સ્મારક ટી-શર્ટ્સ માટે ધામેચા ગ્રુપની સ્પોન્સરશિપનો સ્વીકાર કરી ઘણા શુભેચ્છકો દ્વારા પીણાં, ખાદ્ય-પ્રચાર સામગ્રીના દાન તેમજ પરિસરનો ઉપયોગ કરવા દેવા બદલ બે સ્થાનિક પબ્સ અને રિયલ એસ્ટેટ એજન્સીનો આભાર માનવા સાથે વોકાથોન કો-ઓર્ડિનેટર અને પેટા-સમિતિ, મેનેજમેન્ટ કમિટી, સ્વયંસેવકો અને સહભાગીઓની પ્રશંસા કરી હતી.