૨૨ મે, ૨૦૧૭ના રોજ થયેલા બોમ્બ વિસ્ફોટમાં પોતાના જીવ ગુમાવનારા લોકોની સ્મૃતિમાં VHP (UK) દ્વારા ૨૨ મેને બુધવારે ગીતા ભવન હિંદુ ટેમ્પલ, માન્ચેસ્ટર ખાતે શ્રદ્ધાંજલિના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. તેમાં હિંદુ સમાજ ઉપરાંત વિવિધ ધર્મ, ઈન્ટરફેઈથ અને ગ્રેટર માન્ચેસ્ટર ફેઈથ કોમ્યુનિટી લીડર્સ ગ્રૂપના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
બે વર્ષ અગાઉ ૨૨મીમેની રાત્રે બાળકો, મહિલાઓ અને પુરુષો સહિત ૨૨ નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો, ૧૩૯ લોકો ઘાયલ થયા હતા અને અન્ય સંખ્યાબંધ લોકો ગંભીર માનસિક યાતનાનો ભોગ બન્યા હતા.
આ ઘટનાના પીડિતોની મદદ માટે વહારે આવેલા તમામ લોકોની કાર્યક્રમમાં પ્રશંસા કરવામાં આવી હતી.
વક્તાઓ દ્વારા તેમના પ્રવચનોમાં આંતરરાષ્ટ્રીય સમસ્યા બની ચૂકેલા આતંકવાદને ખતમ કરવાની બાબત પર ભાર મૂકાયો હતો. આ સંદર્ભમાં સરકાર દ્વારા થઈ રહેલી કાર્યવાહીને આપણે સમર્થન આપવું જ જોઈએ. વક્તાઓએ જણાવ્યું હતું કે દરેક વ્યક્તિએ આતંકવાદની જાહેરમાં અને સ્પ્ષટપણે નિંદા કરવી જોઈએ. આતંકવાદની વિચારસરણીને વરેલા લોકો તેમજ આતંકવાદીઓને આર્થિક, વૈચારિક રીતે અને રાજકીય રીતે મદદ કરનારા સૌને કડક શબ્દોમાં વખોડવા જ જોઈએ.
આપણા સમાજોએ આતંકવાદીઓને દહેશત અને આતંક ફેલાવવાના તેમજ સામાજિક વિખવાદ કરાવવાના તેમના ઉદેશમાં સફળ થવા દીધા નથી તેની કાર્યકર્મમાં સંતોષપૂર્વક નોંધ લેવામાં આવી હતી. તિરસ્કાર, ભેદભાવ, દમન અને હિંસાના તમામ કૃત્યો સામે લડવાનો આપણો સંકલ્પ યથાવત જ છે.
અંતમાં, આ ઘટનામાં મત્યુ પામેલા લોકો માટે, શોકમગ્ન અને અસરગ્રસ્ત પરિવારો માટે તેમજ દેશમાં અને સમગ્ર દુનિયામાં શાંતિ જળવાઈ રહે તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.