છેલ્લા એક સપ્તાહથી બ્રિટનવાસીઓ સૂર્યનારાયણની અનહદ મહેરથી અત્યંત ગરમીનો અનુભવ કરી રહ્યા છે ત્યારે હજારો ભારતીયોએ "ગુજરાત સમાચાર" તથા "Asian Voice” આયોજિત આનંદ મેળામાં વિવિધ સ્વાદિષ્ટ વાનગીઓને ઠંડા પીણાં સાથે પરંપરાગત ભાતીગળ મેળાનો આનંદ માણ્યો. ગત શનિ અને રવિવારે (૧૭ અને ૧૮ જૂને) હેરો લેઝર સેન્ટર ખાતે યોજાયેલ આ મેળામાં લંડનના ખૂણે ખૂણેથી અને કોવેન્ટ્રી, સ્ટીવનેજથી સ્પેશીયલ કોચ લઇને લોકો આવ્યા હતા. હેરો લેઝર સેન્ટરના વિશાળ બાયરન હોલમાં ભારતીય પરંપરાગત લગ્નો માટે ડિઝાઇનરો વેડીંગ ડ્રેસ સાથે સાઉથ પ્યોર સિલ્ક, પાર્ટીવેર એમ્બ્રોઇડરી સાડીઓ, ડિઝાઇનર બ્લાઉઝીસ, ગુજરાત-કચ્છની બાંધણીઓ, ચણીયા-ચોલી, પંજાબી શૂટ્સ તેમજ જડતર, મણી-મોતી, જર્કોન ને રત્નજડિત લેટેસ્ટ ડિઝાઇનના અલંકારો તથા ઘર સજાવટની ચીજવસ્તુઓ, મસાલેદાર ચ્હા-નાસ્તા અને ખાખરા-કાતરી ને ખારીસીંગદાણા ઇત્યાદિ વસ્તુઓ સાથેના સ્ટોલ જોવા મળતા હતા.
આપના આ સાપ્તાહિકો દ્વારા આયોજિત આનંદ મેળાનું મુખ્ય આકર્ષણ વિશાળ મંચ પર રજૂ થતા સાંસ્કૃતિક કાર્યક્રમો કહી શકાય. શનિ અને રવિ બન્ને દિવસ મેળામાં આવનાર સૌ આગંતુકો શોપીંગ કરતાં અને સ્વાદિષ્ટ વાનગીઓ આરોગતા મંચ પર રજૂ થતા વિવિધ કાર્યક્રમોનો ભરપૂર આનંદ માણે છે. આ વર્ષે ઇસ્ટ-વેસ્ટના સંગીત સાથે ભારતના તમામ પ્રાંતોની પારંપરિક સંગીત અને નૃત્યશૈલીને રજૂ કરતાં શ્રોતાઓ તાળીઓથી વધાવી ખુશી વ્યક્ત કરતા જણાતા હતા. અત્રે નોંધનીય છે કે દર વર્ષે યોજાતા અમારા આનંદ મેળાની પ્રવેશ ફી (વ્યક્તિ દીઠ £2.50, બાળકો ફ્રી)ની એકે-એક પાઇ વિવિધ ચેરિટીના લાભાર્થે આપવામાં આવે છે. આ વર્ષે "હોપ ફોર ચિલ્ડ્રન" નામની ચેરિટી જે ૧૯૯૪થી હેમલ હેમસ્ટેડમાં કાર્યરત છે અને વિશ્વભરના દેશોના જરૂરતમંદ બાળકોને સહાય કરે છે. એના લાભાર્થે આનંદ મેળામાં મળેલી તમામ રકમ દાનરૂપે એનાયત કરાશે.
શનિવારે સવારે હેરો અને બ્રેન્ટ કાઉન્સિલના એમ.પી., મેયર અને કાઉન્સિલરો (હેરોના MP બોબ બ્લેકમેન, બ્રેન્ટના મેયર કાઉન્સિલર ભગવાનજી ચૌહાણ, લંડન એસેમ્બલી મેમ્બર નવીન શાહ, કાઉન્સિલરોમાં સર્વશ્રી અમીત જોગીઆ, મિલી પટેલ, રેખાબેન શાહ, સચીન ગુપ્તા, હિતેશ ટેલર, કૃપા શેઠ, મીના પરમાર, મનજી કારા, કાન્તિભાઇ રાબડીઆ, મિનિર એહમદ, જગદીશ શર્મા, સચીન શાહ, અજય મારૂ, બંદના ચોપરા, રામજી ચૌહાણ, કૃપેશ હિરાણી, નિતિન પારેખ, ક્રિષ્ના સુરેશ, શશીકલા સુરેશ, જાફર વાન કલવાલા, ભરત ઠકકર તથા સંગત કોમ્યુનિટી સેન્ટરના કાન્તિ નાગડાની ઉપસ્થિતિમાં દીપ પ્રગટાવી સાતમા આનંદ મેળાનો વિધિવત્ શુભારંભ થયો હતો.
ગુજરાત સમાચાર-Asian Voiceના તંત્રીશ્રી સી.બી. પટેલે સૌનું અભિવાદન કરી આમંત્રિત મહેમાનોનો પરિચય કરાવ્યો હતો. ત્યારબાદ બે દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમોનું સંચાલન કરનાર મેનેજીંગ એડિટર કોકિલા પટેલે દર વર્ષે યોજાતા આનંદ મેળામાં સ્ટોલ્સ બુક કરાવનાર સૌ ભાઇ-બહેનો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરનાર સૌ કલાકારોનો સહ્દય આભાર વ્યક્ત કર્યો હતો. શનિવારે સૌ પહેલાં જાણીતા હાસ્યકલાકાર ભાનુભાઇ પંડ્યાએ જોક્સ રજૂ કર્યા બાદ રાજકોટ સ્થિત ભજનિક અને સુગમ સંગીત કલાકાર વિનોદ પટેલે ગુજરાતી લોકગીતો રજૂ કર્યા હતા. બપોરે રેનિઆ ગાંગૂલીએ ગીતો અને અનાસ્મિતાએ કથ્થક ડાન્સ રજૂ કર્યા બાદ ઓસ્ટ્રીઆથી ખાસ આનંદ મેળામાં ભાગ લેવા આવેલ ચક્ષુવિહીન (અંધ) દંપતિ એડ્રીઆના મહેન્દ્રભાઇ ગલાણીએ જે યુરોપમાં વોઇસ ઓફ લતાના નામે ઓળખાય છે તેઓએ "સત્યમ શિવમ્ સુંદરમ્, પ્યાર કિયા તો ડરના સહિત અન્ય ફિલ્મીગીતો રજૂ કરી સૌને ભાવવિભોર બનાવી દીધા હતા. અંધ એડ્રીઆના જે મૂળ રોમાનિયન વંશજ છે પણ સાત વર્ષની હતી ત્યારથી લતાજીના હિન્દી ગીતો ગાય છે. એની માતા હિન્દી ફિલ્મ જોવા લઇ ગઇ હતી ત્યારથી એડ્રીઆના હિન્દી ગીતો ગાવા લાગી હતી. એના લગ્ન ૧૧ વર્ષ પહેલાં મુંબઇસ્થિત ચક્ષુવિહીન કચ્છ મૂળના મહેન્દ્રભાઇ ગલાણી સાથે થયાં છે. ઉપરાંત A.K. બોલીવુડ ડાન્સ ગૃપના નાનાં ભૂલકાઓએ મોર્ડન ફિલ્મી ગીતો સાથે ધમાકેદાર ડાન્સ રજૂ કર્યા હતા. ઓરિસ્સા મૂળના સંગીતા નાઇકે ઓડિસી નૃત્ય રજૂ કર્યું હતું તો બંગાળ-કલકતાના દક્ષિણાયન યુ.કે. અને વિશ્વભારતી યુનિવર્સિટી શાંતિનિકેતન સાથે સંલગ્ન "લંડન શરદોત્સવ" ગૃપે નૃત્ય સાથે રવિન્દ્રનાથ ટાગોરના ગીતો રજૂ કર્યાં હતાં. વેસ્ટ-ઇસ્ટના ગીતો રજૂ કરનાર કિશન અમીને પણ રફી અને મુકેશના ફિલ્મી ગીતો રજૂ કર્યાં હતાં. સાંજે ૫.૩૦ વાગ્યે સૌ જેની ઉત્સુકતાથી રાહ જોતા હતા એ નવીન કુન્દ્રાએ ધમાકેદાર ફિલ્મીગીતો દ્વારા સ્ટેજ ગજાવ્યું હતું.
રવિવારે આઠ વર્ષની બંગાળી બાલિકા આરીને ઇંગ્લીશ પોપ ગીત રજૂ કર્યાં હતાં. એ પછી દક્ષિણાયન યુ.કે.માં કલાસીકલ સંગીત શીખતી છ વર્ષની તનીશા વિશ્વાસે અને સીડકપ-સરેમાં રહેતી આહના ઘોષે વિષ્ણુ વંદના સાથે તરાના નૃત્ય અને ઇવોલ્યુશન ઓફ કથ્થક રજૂ કર્યા. ૧૨ વર્ષના વેદાંત પાલેકર અને ૧૧ વર્ષની શ્રેયા પોલે ફિલ્મ શ્રી ૪૨૦નું "પ્યાર હુઆ ઇકરાર હુઆ" અને "મેરે પિયા ગયે રંગૂન" ગીત રજૂ કરતાં શ્રોતાઓએ બાળ કલાકારોને તાળીઓથી વધાવ્યા. દક્ષિણાયન યુ.કે.ના શીમાંગી પાલેકર અને નિલાંજના પોલે "દિલ હૈ છોટા શા" ગીત રજૂ કર્યું. શાહબાઝ એહમદે હિન્દી ફિલ્મ રજૂ કર્યા બાદ "ઇન્ડિયન લેડીઝ યુ.કે.” જેના બ્રિટનભરમાં ૨૦ હજાર મહિલા સભ્યો છે અને વેમ્બલીમાં વડાપ્રધાન મોદીને ભારતના જુદા જુદા પ્રાંતો અંકિત ચાદર ઓઢાડી હતી. આ સંસ્થા દબાયેલી, સતાયેલી અને મુંઝવણો અનુભવતી ભારતીય મહિલાઓને આ સંસ્થા મદદરૂપ બને છે. ભારતના દરેક પ્રાંતના પોશાકમાં સજ્જ થઇને આવેલી આ સંસ્થાની બહેનોએ "વંદે માતરમ્" ગીત સાથે નૃત્ય રજૂ કર્યું હતું. એડ્રીઆનાએ રવિવારે બપોરે ફરી સૂરીલા કંઠે લતા મંગેશકરના ગીતો રજૂ કરતાં સૌએ તાળીઓથી વધાવ્યા હતા. મીરા સલાટ ડાન્સ એકેડેમીના પાંચથી ૬વર્ષના બાળ કલાકારોએ ખૂબ સુંદર રીતે વિષ્ણુ વંદના અને કૃષ્ણભક્તિના નૃત્યો રજૂ કરતાં શ્રોતાજનોએ વન્સમોર કર્યું હતું. એ પછી "હની કલારિયા ડાન્સ ગૃપ"ની ૧૦ વર્ષની મીરવા વેકરીઆએ "મીરાના ભક્તિ ગીત" સાથે નૃત્ય રજૂ કર્યું હતું.
રવિવારે વિશ્વભરમાં "ફાધર્સ ડે" ઉજવાય રહ્યો હોવાથી "ગુજરાત સમાચાર" Asian Voice દ્વારા પ્રકાશિત સ્પેશીલ રંગીન વિશેષાંક "પિતૃવંદના"નું વિમોચન કરાયું હતું. વેમ્બલીસ્થિત ગાંધીભક્ત અને ગાંધીવિચારસરણીને સંપૂર્ણ વરેલા ૯૨ વર્ષના મુ.શ્રી મનુભાઇ સોમાભાઇ પટેલ અને એમના દીકરી અનિલાબહેન તથા બેંક ઓફ બરોડાના રવિન્દ્રનાથ મોરથાના વરદ હસ્તે આ વિશેષાંકનું વિમોચન કરાયું. આ તકે "વોઇસ ઓફ રફી" નામે લોકપ્રિય મોહામ્મદ ફહાદે રફીના ગીતો રજૂ કર્યા હતા અને રાજા કાશૈફ તથા રુબાયત જહાંએ શમ્મીકપૂરના ઝમકદાર ગીતો રજૂ કર્યાં હતાં. આનંદ મેળામાં બે દિવસ "દિલ્લી ઓન ધ ગો" કેટરીંગે થાળી સહિત પંજાબી, ગુજરાતી વાનગીઓ અને ગરમીમાં ઠંડક આપે એવા ફાલૂદા-આઇસ્ક્રીમ અને ઠંડા પીણાંના સ્ટોલ્સનું આયોજન કર્યું હતું.