ભારત, બ્રિટન કે પછી આફ્રિકા.... કારમા દુકાળ, અફાટ રણ અને અપાર મુશ્કેલીઅો છતાં જો કોઇ પ્રજાએ આપબળે સફળતાના શિખરો સર કર્યા હોય તો તે છે કચ્છીઅો. બ્રિટનમાં આજે કચ્છીઅોની સંખ્યા ભલે ૪૦,૦૦૦ જેટલી હોય પરંતુ કચ્છીઅોએ જે પ્રગતિ કરી છે તે બેમિસાલ છે. 'એશિયન વોઇસ અને ગુજરાત સમાચાર' દ્વારા તા. ૪ ડિસેમ્બર, ૨૦૧૪ના રોજ સમી સાંજે વેમ્બલી સ્ટેડીયમ સામે જ આવેલ મેટ્રોપોલીસ કોકટેઇલ બાર એન્ડ લોંજ ખાતે 'કચ્છી માડુ - વાઇબ્રન્ટ એન્ડ અસ્પાઇરીંગ' વિશેષાંકનું શાનદાર વિમોચન કરાયું હતું. 'એશિયન વોઇસ અને ગુજરાત સમાચાર' દ્વારા કચ્છીઅો વિષે ઇંગ્લીશ ભાષામાં પ્રકાશીત કરાયેલો આ પ્રથમ વિશેષાંક છે. આ અગાઉ બ્રિટીશ કચ્છીઅોની સરાહના કરતો વિશેષાંક ગુજરાતીમાં પ્રસિધ્ધ થઇ ચૂક્યો છે.
આ પ્રસંગે લોર્ડ ડોલર પોપટ, હેરોના મેયર અને કાઉન્સિલર અજય મારૂ, ભારતીય હાઇ કમિશનના મિનિસ્ટર ફોર કો-અોર્ડીનેશન શ્રી એસ. એસ. સિધ્ધુ સહિત બ્રિટનના કચ્છી સમુદાયના આશરે ૧૫૦ કરતા વધુ અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમના પ્રારંભે પોશ કોકટેઇલ લોંજ અને બારમાં ડ્રિંકસ અને કેનાપીઝ સાથે બ્રિટીશ ક્ચ્છી સમુદાયના સૌએ સ્નેહમિલન સાથે નવાંગતુકોનો પરિચય કેળવ્યા બાદ કાર્યક્રમની વિધિવત શરૂઆત થઇ હતી. કાર્યક્રમના પ્રારંભે એશિયન બિઝનેસ પબ્લીકેશન્સ લી.ના ચિફ અોફ અોપરેશન્સ એલ. જ્યોર્જે સૌ મહેમાનોનો પરિચય કરાવ્યો હતો. જ્યારે તંત્રી અને પ્રકાશક શ્રી સીબી પટેલે સ્વાગત પ્રવચન કર્યું હતું. એશિયન વોઇસના એસોસિએટ એડિટર શ્રીમતી રૂપાંજના દત્તાએ કચ્છી વિશેષાંક વિષે તેમજ વર્ષ દરમિયાન પ્રસિધ્ધ કરાતા વિવિધ વિશેષાંકો વિષે માહિતી આપી હતી. તેમણે એશિયન વોઇસ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે 'એશિયન વોઇસ' બ્રિટનમાં એશિયન સમુદાયના અવાજ તરીકે ઉભરી રહ્યું છે અને બ્રિટનના તમામ એશિયન સમુદાયને જોડી રહ્યું છે.
શ્રી સીબીએ કચ્છી સમુદાયની સફળતાની સરાહના કરતા પોતાના વિસ્તૃત પ્રવચન દરમિયાન સમારોહમાં ઉપસ્થિત વિવિધ કચ્છી અગ્રણીઅો, શ્રી કચ્છ લેવા પટેલ કોમ્યુનિટી યુકેના હોદ્દેદારો, લંડનના વિવિધ સ્વામીનારાયણ મંદિરનો ટ્રસ્ટીઅો, વિવિધ સંગઠનોના અગ્રણીઅો, પ્રોફેશ્નલ્સ, ઉપસ્થિત મહેમાનો તેમજ સહયોગી સાથીદારોનો પરિચય કરાવ્યો હતો.
મેયર કાઉન્સિલર શ્રી અજય મારૂએ સંબોધન કરતાં જણાવ્યું હતું કે 'આજે સફળ કચ્છી પરિવારોના રહેઠાણ માટે હેરો શ્રેષ્ઠ વિસ્તાર બની ગયું છે. જ્યારે ભારતીય હાઇકમિશનના શ્રી સિધ્ધુએ કચ્છીઅોએ ભારત અને આ દેશમાં આપેલી સેવાઅોની સરાહના કરી હતી.
લોર્ડ ડોલર પોપટે આ પ્રસંગે કચ્છી સમુદાયના અગ્રણી શ્રી અરજણભાઇ વેકરીયાને શ્રધ્ધાંજલિ અર્પણ કરતાં જણાવ્યું હતું કે 'કચ્છી સમુદાયે આ દેશના અમુક ઉદ્યોગોમાં ખૂબજ મહત્વનું પરિવર્તન આણ્યું છે. 'કચ્છી માડુ - વાઇબ્રન્ટ એન્ડ અસ્પાઇરીંગ' વિશેષાંકનું વિમોચન કરાયા બાદ ભારતના મનિષ મીડીયાના શ્રી ચંાદમલ કુમાવત દ્વારા પ્રકાશિત કરાયેલ કોફી ટેબલ બુક 'જ્વેલ્સ અોફ ગુજરાત'નું વિમોચન પણ કરાયું હતું. જે બુકમાં યુકેમાંથી શ્રી સીબી પટેલ, લોર્ડ ડોલર પોપટ તેમજ એમપી પ્રિતિ પટેલ સહિત વિશ્વના ચુનંદા ગુજરાતીઅો વિષે માહિતી પ્રસિધ્ધ કરાઇ છે. બાદમાં સૌ મહેમાનોને આ પુસ્તક ભેટ કરાયું હતું. આ પુસ્તકનું સૌ પ્રથમ વિમોચન વડાપ્રધાન શ્રીનરેન્દ્ર મોદીએ કર્યું હતું. શ્રી કુમાવતે પ્રાસંગીક પ્રવચન કર્યું હતું.
ફોટો સૌજન્ય: રાજ બકરાણીયા
000000000