પ્રથમ વિશ્વ યુદ્ધમાં ભાગ લેનારા ભારત અને કોમનવેલ્થના સૈનિકોને શ્રદ્ધાંજલિ અર્પવા ૧૬ નવેમ્બરે નીસડન ટેમ્પલ તરીકે જાણીતા BAPS શ્રી સ્વામીનારાયણ મંદિર, લંડન ખાતે ખાસ ઈન્ટરફેથ રિમેમ્બ્રન્સ એસેમ્બલીનું આયોજન કરાયું હતું. યુદ્ધનો સત્તાવાર અંત આવ્યો હતો તે દિવસ એટલે કે આર્મીસ્ટીસ ડે (૧૧ નવેમ્બર ૧૯૧૮)ની આ વર્ષે ૧૦૦મી વરસી છે. આ પ્રસંગની ઉજવણી કરવા મંદિર ખાતે રિમેમ્બ્રન્સ કાર્યક્રમ યોજાયો હતો. યોગાનુયોગ આ કાર્યક્રમની સાથે યુકેમાં નેશનલ ઈન્ટરફેથ વીક પણ ઉજવાયું હતું.
આ મહાયુદ્ધમાં ૧.૫ મિલિયનથી વધુ ભારતીય સૈનિકોએ ભાગ લીધો હતો. ૭૪,૦૦૦ જવાનોએ તેમના જીવ ગુમાવ્યા હતા. તેમની રેંકને ૧૧ વિક્ટોરિયા ક્રોસ એનાયત કરાયા હતા.
વિવિધ ધર્મના પ્રતિનિધિઓએ દીપ પ્રાગટ્ય કરીને સભાનો પ્રારંભ કરાવ્યો હતો. ટ્રમ્પવાદકે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન બ્રિટિશ અને ભારતીય લશ્કરની આગેકૂચને રજૂ કરતી ‘કોલોનલ બોગી માર્ચ’ અને ‘કદમ કદમ બઢાયે જા’ ધૂનની સૂરાવલિઓ છેડી હતી. તેમની પાછળ કોમનવેલ્થ રાષ્ટ્રોના ૫૩ ધ્વજ સાથે બાળકો ઉભાં રહ્યાં હતાં. ટ્રમ્પવાદકે ગ્રેટ બ્રિટન અને ભારતના રાષ્ટ્રગીતોની ધૂન પણ વગાડી હતી.
સરોજિની નાયડુ અને કવિવર રવિન્દ્રનાથ ટાગોરની કવિતાઓ પરની આ વાદ્યધૂનો સાથે બાળકો અને જવાનોએ ગાન કર્યું હતું. ભારતીય સૈનિકોના શૌર્ય અને સાહસનું વર્ણન કરતા વીડિયો પણ દર્શાવાયા હતા. યુદ્ધમાં શહીદ સૈનિકોના આત્માની શાંતિ અર્થે વિવિધ ધર્મોના વડાઓએ મંત્રપુષ્પાંજલિ અર્પી હતી.
સાયપ્રસના હાઈ કમિશનર અને કોમનવેલ્થ બોર્ડ ઓફ ગવર્નર્સના ચેરમેન યુરીપીડીસ એલ એવરીવિયાડેસે કોમનવેલ્થ વતી હૃદયસ્પર્શી સંદેશો આપ્યો હતો. લોર્ડ જિતેશ ગઢિયાએ ખાદીમાંથી બનાવાયેલ પોપીનું મહત્ત્વ સમજાવ્યું હતું. મહાત્મા ગાંધીની બ્રિટન પ્રત્યે વફાદારીની પ્રશંસા અને કદરરૂપે રોયલ બ્રિટિશ લિજન દ્વારા પોપીની શરૂઆત કરવામાં આવી છે.
મિનિસ્ટર ઓફ સ્ટેટ ફોર કોમનવેલ્થ એન્ડ યુએન અને ફ્રિડમ ઓફ રિલિજન ઓર બિલિફ માટેના વડા પ્રધાનના સ્પેશિયલ એન્વોય લોર્ડ એહમદે જણાવ્યું હતું કે મંદિર ખાતે યોજાયેલો આ કાર્યક્રમ જ માનવજાતની એકતાનું, રિમેમ્બ્રન્સની એકતાનું, મૈત્રીની પ્રશંસા અને સંબંધની નિકટતાનું અદભૂત નિદર્શન છે.
નામધારી શીખ સંગત યુકેના માનદ પ્રમુખ સરદાર સુલાખન સિંઘે જણાવ્યું હતું કે આપણું વર્તમાન સુખી જીવન ગ્રેટ વોર લડનારા વિવિધ ધર્મના સૈનિકોએ આપેલા બલિદાનને લીધે છે. ફિન્સબરી પાર્ક મસ્જિદના ઈમામ મોહમ્મદ મહમુદે કાર્યક્રમને અજોડ અને જેની રાહ લાંબા સમયથી જોવાતી હતી તેવો ગણાવ્યો હતો. તેમણે સૌને શાંતિનું જતન કરવા અને તેને જીવંત રાખવા પ્રોત્સાહિત કર્યા હતા. કાર્યક્રમમાં અન્ય કેટલાંક ધર્મોના અને નાગરિક અગ્રણીઓ ઉપસ્થિત હતા.
હાઉસ ઓફ કોમન્સની ફોરેન અફેર્સ સિલેક્ટ કમિટીના ચેરમેન અને સાંસદ ટોમ ટુગેનધાટ પણ આ પ્રસંગે હાજર હતા. ગ્રેટ વોરમાં શહીદ ભારતીય સૈનિકોના માનમાં તેમણે તાજેતરમાં જ નવી દિલ્હીમાં ઈન્ડિયા ગેટ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. તેમણે બ્રિટન અને ભારતને સંબંધના તાંતણે બાંધી રાખતા અને બન્ને દેશોએ સાથે મળીને રચેલા ઈતિહાસની ગાથા રજૂ કરી હતી.
કાર્યક્રમના અંતે મંદિરના મુખ્ય સ્વામી યોગીવિવેકદાસે પ.પૂ. મહંત સ્વામીએ પાઠવેલો સંદેશો વાંચી સંભળાવ્યો હતો. પૂ.મહંત સ્વામીએ જણાવ્યું હતું, ‘ પ્રથમ વિશ્વ યુદ્ધમાં જ નહીં પરંતુ, તે પછી થયેલા તમામ યુદ્ધમાં જે સૈનિકોએ આપણા સૌને માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું છે તે સૌના આત્માની શાંતિ અને મુક્તિ માટે હું પ્રાર્થના કરું છું. તેમણે આપેલા બલિદાનને સૌ સદા યાદ કરે અને ભવિષ્યમાં આવાં બલિદાનની કદી જરૂર ન પડે.’
તાજેતરમાં જ મંદિરની બહાર પોપી ડિસ્પ્લે મૂકીને પ્રથમ વિશ્વયુદ્ધના જાંબાઝ જવાનોને મંદિર દ્વારા શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી. જે લંડનના ગ્રીનવિચમાં આવેલા નેશનલ મેરિટાઈમ મ્યુઝિયમમાં જે ૨૦ ફૂટની કૃતિ મૂકવામાં આવેલી છે તેવી પ્રથમ વિશ્વયુદ્ધની પેઢીના એક પછી એક બદલાતા સંદેશા સાથેની પોપી હતી. રોયલ બ્રિટિશ લિજન દ્વારા આ પ્રકારની પોપી ડિસ્પ્લેમાં મૂકવા પસંદ કરાયેલાં ૧૪ સ્થળોમાં નીસડન મંદિરનો સમાવેશ થતો હતો.