ઇન્ડિયન વેજીટેરીયન સોસાયટી દ્વારા ૩૪મા ક્રિસમસ લંચ કાર્યક્રમનું શાનદાર આયોજન મીચમ રોડ સ્થિત આર્ચબીશપ લેનફ્રેન્ક સ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. જેમાં ક્રોયડનના મેયર કાઉન્સિલર મંજુલા શાઉલ-હમીદ, ક્રોયડન નોર્થના એમપી સ્ટીવ રીડ, ક્રોયડન કાઉન્સિલરના નેતા ટોની ન્યુમેન સહિત ક્રોયડનના વિવિધ સમુદાયના લગભગ ૧૩૦ જેટલા અગ્રણીઅો ઉપસ્થિત રહ્યા હતા.
સંસ્થાના સ્થાપક શ્રી નીતિનભાઇ મહેતાએ જણાવ્યું હતું કે 'ક્રિસમસ લંચના આયોજન પાછળનો હેતુ ૩૪ વર્ષ પહેલા હતો તેજ હેતુ આજે પણ છે, ક્રોયડન વિસ્તારમાં વસતા વિવિધ સમુદાયના લોકોને એક છત્ર નીચે એકત્ર કરી દેશના રાષ્ટ્રીય પર્વની સાથે ઉજવણી કરી એકબીજા સાથે મિત્રતા કેળવવાનો. ક્રોયડનમાં વસતી ભારતીય પ્રજાને બ્રિટીશ હોવા પર ગર્વ છે. આ કાર્યક્રમ પરથી પ્રેરણા લઇને ક્રોલી સ્થિત સનાતન હિન્દુ મંદિર અને કોલિન્ડેલ જૈન સેન્ટર દ્વારા ક્રિસમસ લંચ કાર્યક્રમોનું આયોજન કરાયું છે તે આંનંદની વાત છે.
ક્રોયડનના મેયર શ્રીમતી મંજુલાએ ભારતીય સમુદાયના હકારાત્મક અભિગમની સરાહના કરી હતી. એમપી સ્ટિવ રીડે જણાવ્યું હતું કે 'જીવનના દરેક તબક્કે ભારતીયો-હિન્દુઅોનું યોગદાન સરાહનીય છે.' આ પ્રસંગે પર્લી યુનાઇટેડ રીફોર્મ્ડ ચર્ચ, ક્રોયડન ઇકોલોજી સેન્ટર, ક્રોયડન વેજીટેરીયન્સ, સરે વેજીટેરીયન્સ સહિત વિવિધ સંસ્થાઅોના સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા અને શાકાહારી ભોજન અને વીગન કેક-ચાનો લાભ લીધો હતો.