આગામી ૨૪ ફેબ્રુઆરીને રવિવારે સેંકડો ઈન્ડિપેન્ડન્ટ ન્યૂઝએજન્ટ અને કન્વિનિયન્સ સ્ટોર માલિકો તેમના મિત્રો અને પરિવાર સાથે વાર્ષિક ડિનર ડાન્સ માટે ભેગાં થશે. જોકે, તેઓ જે ટ્રેડ એસોસિએશન નેશનલ ફેડરેશન ઓફ રિટેઈલ ન્યૂઝએજન્ટ્સ (NFRN)ના સભ્યો છે તે શતાબ્દિ ઉજવી રહ્યું હોવાથી આ વર્ષનો કાર્યક્રમ ખાસ બની રહેશે.
લંડનમાં સેન્ટ કેથરિન્સ વેમાં ટાવર હોટલ ખાતે આ કાર્યક્રમ યોજાશે. ખૂબ ઓછાં સભ્યો સાથે શરૂ થયેલું આ એસોસિએશન હાલ યુકે અને આયર્લેન્ડમાં ૧૫,૦૦૦ ઈન્ડિપેન્ડન્ટ રિટેલર્સ ધરાવતું ટોચનું એસોસિએશન બની ગયું છે. આટલી મોટી સિદ્ધિ હાંસલ કરવા છતાં NFRN ૧૯૧૯માં જેટલું પ્રસ્તુત હતું તેટલું જ આજે છે. તે ઈન્ડિપેન્ડન્ટ રિટેલર્સના હિતોનું રક્ષણ કરવા અને તેનો વ્યાપ વધારવા કાર્યરત છે.
આમ તો ન્યૂઝએજન્ટ્સના કેટલાંક ગ્રૂપ અગાઉ પણ અસ્તિત્વમાં હતા. ફેડરેશનના મૂળ છેક ૧૮૯૩ સુધી જાય છે. લેસ્ટરમાં ૯ અને ૧૦ જુલાઈ, ૧૯૧૯માં પોતાના નિયમો અને બંધારણ સાથે નેશનલ ફેડરેશન ઓફ રિટેઈલ ન્યૂઝએજન્ટ્સ બુકસેલર્સ એન્ડ સ્ટેશનર્સ રચાયું. સ્થાનિક વિસ્તારોને આવરી લેવા માટે દેશભરમાં તેની સંખ્યાબંધ ડિસ્ટ્રિકટ કાઉન્સિલ્સ અને બ્રાંચ શરૂ થઈ હતી. તે વખતે ૧૪ મુદ્દાના નેશનલ પ્રોગ્રામ વિશે ચર્ચા થઈ હતી. તેમાંથી વિવાદના સંજોગોમાં સભ્યો અને બ્રાંચનો બચાવ, હાફપેનીના ન્યૂઝપેપર્સનું પ્રકાશન બંધ કરવું, તમામ પ્રકાશનો પર ઓછામાં ઓછો ૩૩.૩ ટકા નફો અને સૌ પ્રથમ ૧૭ વર્ષથી ઓછી વયના બાળકો દ્વારા થતું સ્ટ્રીટ ટ્રેડિંગ નાબૂદ કરીને ધીમે ધીમે સ્ટ્રીટ ટ્રેડિંગ બંધ કરવા સહિતના ૧૩ મુદ્દાને મંજૂરી મળી હતી.
હૈનોલ્ટના નીલ્સ કન્વિનિયન્સ સ્ટોરના માલિક નીલેશ પટેલે જણાવ્યું હતું કે વ્યાપારનો હાલનો માહોલ નાના બિઝનેસમેન કે બિઝનેસવિમેન માટે તીવ્ર સ્પર્ધાત્મક અને પડકારજનક છે. પરંતુ, તે NFRNના મેમ્બર હોય તો તેમને ક્યારેય એકલવાયું લાગતું નથી. મેમ્બરશિપ ધરાવનારને મોટા પ્રમાણમાં વ્યવહારિક સહાય અને મદદ, કોમર્શિયલ સપોર્ટ, ટ્રેનિંગ, ડીલ્સ અને ખરીદીની તકો મળી રહે છે જેથી તે મલ્ટિપલ્સ અને ડિસ્કાઉન્ટ સ્ટોર્સ સામે સ્પર્ધા કરી શકે છે અને બિઝનેસને વિક્સાવી શકે છે.
NFRNની અજોડ વિશેષતા તેના રિટેઈલ ડેવલપમેન્ટ મેનેજરો છે. તેઓ પ્રોફેશન સપોર્ટ પૂરો પાડવા અને બિઝનેસની બાબતોમાં મદદરૂપ થવા માટે દૈનિક ધોરણે શોપ્સની મુલાકાત લે છે. તેની સાથે હેલ્પલાઈન અને લીગલ હેલ્પલાઈન તેમજ મેમ્બરો તાજા કાયદાનું પાલન કરે છે કે નહીં તેની તકેદારી માટે તેમજ બિઝનેસમાં વિકાસ હાંસલ કરવા માટે ટ્રેનિંગ મોડ્યુલ્સનું કેટલોગ અને ફેક્ટશિટ્સ પણ પૂરા પડાય છે.
વેસ્ટ લંડનના એફ એ રેટક્લિફ નેશનલ પ્રેસિડેન્ટ જ્યારે લેસ્ટરના ડબલ્યુ સીડવેલ વાઈસ પ્રેસિડેન્ટ, ગ્લાસગોના એલેક્ઝાન્ડર મેકલોરેન જનરલ સેક્રેટરી અને લીડ્સના જે ફિસી ઓનરરી ટ્રેઝરર તરીકે ચૂંટાયા હતા. નીલેશ પટેલ ત્રણ નેશનલ પ્રેસિડેન્ટમાંથી એક તરીકે લંડન ડિસ્ટ્રિક્ટના પ્રેસિડેન્ટ તથા લંડન બાર્કિંગ એન્ડ હેવરિંગ બ્રાંચના પ્રેસિડેન્ટ તરીકે સેવા આપે છે.
લંડન ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલની ઓફિસમાં ૧૭ જુલાઈ, ૧૯૧૯ના દિવસે પહેલી નેશનલ કાઉન્સિલ મિટીંગ યોજાઈ હતી અને તે વર્ષે ઓક્ટોબરમાં તેની પહેલી હેડ ઓફિસ ૮૯, ફેરિંગ્ડન સ્ટ્રીટ, લંડન EC4 ખાતે બની હતી.