લંડનઃ ગત ૩૦ જાન્યુઆરીએ લંડનમાં ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે પૂ. મહાત્મા ગાંધીની પ્રતિમા પર ઈન્ડિયા લીગના ચેરમેન તથા ગુજરાત સમાચાર/એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી સીબી પટેલે શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ગાંધીજીના નિર્વાણ દિનની શહીદ દિન તરીકે ઉજવણી કરવામાં આવે છે. ૧૯૬૮માં ગાંધીજીની જન્મશતાબ્દિ નિમિત્તે લંડનમાં ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે ફ્રેડા બ્રિલિયન્ટે તૈયાર કરેલી મહાત્મા ગાંધીની કાંસ્યપ્રતિમાનું અનાવરણ કરાયું હતું.
ગાંધીજીનો જન્મ ૧૮૬૯માં થયો હતો. ગાંધીજી ભારતીય વકીલ, એન્ટિ કોલોનિયલ રાષ્ટ્રવાદી અને રાજકીય સિદ્ધાંતોમાં માનનારા હતા. બ્રિટિશ શાસનથી ભારતને આઝાદ કરાવવા માટે તેમણે સફળ અહિંસક ચળવળનું નેતૃત્વ સંભાળ્યુ હતું. તેમની આ ચળવળથી વિશ્વભરમાં નાગરિક અધિકાર અને આઝાદી માટેની ચળવળોને પ્રેરણા મળી હતી. મહાત્મા ગાંધીને સૌ પ્રથમ ૧૯૧૪માં દક્ષિણ આફ્રિકામાં સન્માન મળ્યું હતું.
મહાત્મા ગાંધીના નિર્વાણ દિને તેમને શ્રદ્ધાંજલિ અર્પવા દર વર્ષે સમગ્ર યુકેમાંથી લોકો ટેવિસ્ટોક સ્ક્વેર ખાતે ભેગા થાય છે. પરંતુ, આ વર્ષે લોકડાઉનના નિયમો અને મહામારીને લીધે નહેરુ સેન્ટર (ભારતીય હાઈ કમિશન યુકેની સાંસ્કૃતિક પાંખ) દ્વારા વર્ચ્યુઅલ શ્રદ્ધાંજલિનું આયોજન કરાયું હતું.
૧૯૨૮માં સ્થપાયેલ ઈન્ડિયન લીગ ઈન્ડિયન ડાયસ્પોરાની જરૂરિયાતોની રજૂઆત માટે ભારતીય હાઈ કમિશન સાથે મળીને કામ કરે છે. ભારત – બ્રિટિશ ભાગીદારીની શક્યતા માટે ઈન્ડિયન લીગ ઈન્ફર્મેશન ટોક યોજવાની પ્રક્રિયા કરી રહી છે. આગામી તમામ વેબીનાર ઓનલાઈન રહેશે તથા ઈન્ડિયન લીગની ભૂમિકા અને ભારતની સ્વાતંત્ર્ય ચળવળ સહિત ઈન્ડિયન ડાયસ્પોરાની જરૂરિયાતો અને પ્રાથમિકતાઓનો તેમાં સમાવેશ કરાશે. આ કાર્યક્રમમાં કોમ્યુનિટીના અગ્રણીઓ હાજર રહેશે.
વધુ માહિતી અને રજિસ્ટ્રેશન માટે તા.૨૮.૨.૨૦૨૧ સુધીમાં [email protected] પર સંપર્ક કરવો.