લંડનઃ હેમરસ્મિથના એવેન્ટિમ ખાતે ઈન્ડો-જાઝ બેન્ડ શક્તિની 50મી વર્ષગાંઠની ઉજવણી નિમિત્તે આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠા ધરાવતા ગિટારના જાદુગર જ્હોન મેક્લોઘલીન અને તબલા ઉસ્તાદ ઝાકીર હુસૈન સ્ટેજ પર આવી પહોંચ્યા ત્યારે મંત્રમુગ્ધ ઓડિયન્સે ઉભા થઈ તાળીઓના ભારે ગડગડાટ સાથે તેમને વધાવી લીધા હતા. એક પ્રશંસકે તો લોકપ્રિય ચાની બ્રાન્ડનું પ્રમોશન કરતા ટેલિવિઝન વિજ્ઞાપનમાં ઉસ્તાદ ઝાકીર હુસૈને મોડેલ તરીકે દેખા દીધી હતી તેને યાદ કરતા ‘વાહ તાજ’ની જોરદાર બૂમ પણ લગાવી હતી.
મેક્લોઘલીને 1973માં તેના ભારે સફળ મહાવિષ્ણુ ઓરકેસ્ટ્રાને અચાનક છોડી દઈ સંગીતવિશ્વને ભારે આંચકો આપ્યો હતો. આ પછી, ઉસ્તાદ ઝાકીર હુસૈન, વાયોલિનિસ્ટ એલ શંકર, અને ઘટમ વાદક ટી એચ ‘વિક્કુ’ વિનાયકરામની સાથે મળી શક્તિ બેન્ડની સ્થાપના કરી હતી. પર્કશનિસ્ટ-તાલવાદક વી સેલ્વાગણેશ (ટી એચ વિનાયકરામના પુત્ર), પ્રતિષ્ઠિત ગાયક અને કમ્પોઝર શંકર મહાદેવન અને વાયોલિનિસ્ટ ગણેશ રાજગોપાલન પણ હવે મેક્લોઘલીન અને હુસૈનના ફ્યુઝન બેન્ડની સાથે જોડાયા છે અને વિશ્વનો પ્રવાસ કરે છે.
તાજેતરમાં શક્તિ દ્વારા 45 વર્ષમાં પ્રથમ સ્ટુડિયો આલ્બમ ‘ધીસ મોમેન્ટ’ રીલિઝ કરાયું છે. તેમની સત્તાવાર વેબસાઈટ અનુસાર તીવ્રતમ ઊંડાઈ અને ઉજ્જવળ આશાવાદ ધરાવતું આલ્બમ નવા કમ્પોઝિશન્સ અને જોશમાંથી જન્મેલી દુર્લભ તીવ્રતાથી ઉત્તેજિત પરફોર્મન્સીસના સમૂહની ઓફર કરે છે.
શક્તિ બેન્ડ યુરોપ અને વિસ્તૃતપણે યુએસમાં પરફોર્મ કરીને તેમના લેટેસ્ટ રેકોર્ડિંગ્સ અને કમ્પોઝિશન્સની ઉજવણી કરી રહેલ છે. તેમણે 27 અને 28 જૂને બે જાદૂઈ પરફોર્મન્સીસ રજૂ કરવા સાથે તેમના લંડન પ્રવાસનું સમાપન કર્યું છે.
ગિટારવાદક ન્ગુયેન લે સાથે ઓપનિંગ સેટમાં વાદન કરનારા ડ્રમર અને પિયાનોવાદક ગેરી હસબન્ડ 1976માં (16 વર્ષની વયે) હેમરસ્મિથ એપોલો ખાતે બેન્ડે તેમના પ્રથમ ગિગનું પરફોર્મન્સ આપ્યું ત્યારે ઓડિયન્સમાં હાજર હતા. તેઓ પણ બાકીના લંડન સાથે શક્તિના આખરી શો વખતે તેમને વિદાય આપવા જોડાયા હતા. મહાદેવનના મેજિકલ ‘બેન્ડિંગ ધ રુલ્સ’ તેમજ સેલ્વાગણેશ અને હુસૈન વચ્ચે પ્રભાવશાળી ‘તાલવાદનના યુદ્ધ’ સાથે સુપરપગ્રૂપ બેન્ડે ઓડિયન્સને મંત્રમુગ્ધ બનાવી દીધું હતું.
બુધવાર. 28 જૂને કાર્યક્રમમાં સિતારવાદક અનુષ્કા શંકર, યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર વિક્રમ દોરાઈસ્વામી અને તેમના પત્ની સહિત હાઈ પ્રોફાઈલ મહેમાનો ઉપરાંત, બીજી અને ત્રીજી પેઢીના બ્રિટિશ ભારતીયો પણ ઉપસ્થિત રહ્યા હતા.
ટાગોરિઅન્સના હિસ્સા અને ગાયિકા ડો. અત્રેયી બેનરજીએ 2 જુલાઈ રવિવારે ધ ભવન ખાતે પરફોર્મન્સ આપ્યું હતું. તેમણે ગુજરાત સમાચાર અને એશિયન વોઈસને જણાવ્યું હતું કે,‘મહાન કલાકારો અને વિશેષતઃ ઉસ્તાદ ઝાકિર હુસૈન અને જ્હોન મેક્લોઘલીનના જીવંત પરફોર્મન્સને લંડનના ફાઈનલ શોમાં નિહાળવા તે અસાધારણ બાબત છે. આ પછી, ભારતીય શાસ્ત્રીય સંગીત અને જાઝ સંગીતના ફ્યુઝન-સમન્વય થકી તમામ સરહદોને ઓળંગી જતા સંગીતના સાક્ષી બનવું તે ખરેખર વિશિષ્ટ અનુભવ જ છે! ગણેશ રાજગોપાલનના પેસેજીસથી તો હું મોહમુગ્ધ બની ગઈ હતી!’
ઉસ્તાદ ઝાકીર હુસૈન અને મહાદેવન તેમના પરફોર્મન્સ પહેલા યુકે-ઈન્ડિયા વીકની ઉજવણી માટે વડા પ્રધાન રિશિ સુનાક દ્વારા 10 ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે આયોજિત રિસેપ્શનમાં પણ ઉપસ્થિત રહ્યા હતા.