લંડનના ભારતીય વિદ્યા ભવન સાથે સંકળાયેલા શ્રી ઈન્દ્ર કુમાર સેઠીઆના સ્મરણાર્થે તેમના પરિવાર, મિત્રો, સાથીઓ અને સ્વજનોની ઉપસ્થિતિમાં 22 જૂન, ગુરુવારે ભવન ખાતે પ્રાર્થનાસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈન્દ્રાજીના હુલામણા નામથી ઓળખાતા ઉદારદિલ અને સમર્પિત જીવન જીવનારા ઈન્દ્ર કુમાર સેઠીઆ ‘70ના દાયકાના મધ્યથી ભવન સાથે જોડાયા હતા અને 3 જૂન,2023ના રોજ તેમના નિધન સુધી દાતા, એક્ઝિક્યુટિવ કમિટીના સભ્ય તરીકે સંકળાયેલા રહ્યા હતા. તેમણે સૌ પહેલા જોઈન્ટ ટ્રેઝરર અને પાછળથી માનદ ખજાનચી તરીકે પદભાર સંભાળ્યો હતો. તેઓ નિઃસ્વાર્થી અને વિનમ્ર હોવાં ઉપરાંત, જરૂર હોય તે બધા માટે સમય અને સેવા આપવા તત્પર રહેતા હતા.
પ્રાર્થનાસભાની સાંજનો આરંભ કીર્તિ સેઠીઆ દ્વારા જૈન પ્રાર્થના સાથે થયો હતો જે પછી ભવનના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર ડો. એમ.એન. નંદાકુમારાએ વેદિક પ્રાર્થના કરી હતી. ભવનની એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો, શ્રી વરિન્દર સિંહ, શ્રીમતી જયશ્રીબહેન રાજકોટીઆ, શ્રી મનુભાઈ રામિજી, શ્રી કૌશિક નથવાણીએ હૃદયસ્પર્શી આદરાંજલિ અર્પણ કરવા સાથે શ્રી ઈન્દ્રાજી સાથે તેમના સંસ્મરણો તેમજ તેમના અદ્ભૂત વ્યક્તિત્વ અને ભવનને આપેલા યોગદાન વિશે જણાવ્યું હતું.
ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના ચેરમેન શ્રી સી.બી.પટેલે ઈન્દ્રાજી અને તેમના પરિવાર સાથે પોતાના સંબંધ તેમજ ઈન્દ્રાજીના ઉષ્માસભર અને દયાળુ સ્વભાવની વાત કરી હતી. ભવનના કર્મચારી શ્રીમતી પાર્વતી નાયરે તેમની અને ભવન સાથે ઈન્દ્રાજીના સંબંધોને યાદ કર્યાં હતાં.
ઈન્દ્રાજીના પરિવારજનોએ તેમના જીવન વિશે હૃદયસ્પર્શી સંભારણાં રજૂ કર્યા હતા. તેમની પુત્રીઓ કીર્તિ અને આરતીએ તેમના પિતા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડાયરેક્ટર્સમાં સ્થાન મેળવનાર પ્રથમ ભારતીય તેમજ ભવનની એક્ઝિક્યુટિવ કમિટીના સૌથી લાંબો સમય સેવારત સભ્ય હોવાની યાદ અપાવી હતી. અનેક સિદ્ધિઓ હાંસલ કરવા છતાં, ઈન્દ્રાજી સંતમય ગુણો, પવિત્ર હૃદય ધરાવતા વિનમ્ર માનવી હતા જેમના તાત્વિક સ્વભાવે તમામ પડકારોનો ગૌરવ સાથે સામનો કરવાની નમ્રતા આપી હતી.
ઈન્દ્રાજીના જમાઈ ફિલિપ થોમસે પરિવાર અને ક્રિકેટ પરત્વેના પ્રેમથી તેઓ કેવી રીતે સંકળાયેલા હતા તેનું સ્મરણ કર્યું હતું. ભત્રીજા ચેતન પુગલીઆએ ઈન્દ્રાજીના જીવનના જોશ, હાજરજવાબીપણા, સૌમ્યતા અને ઉત્સાહને યાદ કર્યા હતા. ઈન્દ્રાજીની પૌત્રી મહિરાએ તેમને ‘પ્રભાવી વ્યક્તિત્વ, સંસ્કૃતિ અને વિશિષ્ટ બુદ્ધિપ્રતિભા ધરાવતા માનવી’ ગણાવ્યા હતા, જેમના ભવન સાથેના સંપર્કથી સમગ્ર ભારતીય સંસ્કૃતિ અને કળાપ્રેમની પ્રેરણા પ્રાપ્ત થઈ હતી.
ઈન્દ્રાજીના પુત્ર રમેશભાઈએ જણાવ્યું હતું કે અતિ વિનમ્ર માનવી હોવાથી જે લોકોનો તેઓ ભારે આદર કરતા હતા તેમના દ્વારા કરાતા ગુણગાનથી તેઓ ગદ્ગદ્ થઈ ગયા હોત.
પ્રાર્થનાસભાના સમાપને સુમણીજી પ્રતિભાપ્રજ્ઞાજી અને પૂણ્યપ્રજ્ઞાજીએ જૈનપ્રાર્થનાઓ કરી હતી.
નંદાજીએ ભવન સાથે ઈન્દ્રાજીના સુદીર્ઘ અને નિઃસ્વાર્થ સંબંધ અને યોગદાનને પ્રેમપૂર્વક યાદ કર્યા હતા. ભવનના ચેરમેન શ્રી સુભાનુ સક્સેનાએ વેદ અને ભગવદ્ ગીતાના અવતરણો સાથે શ્રદ્ધાંજલિઓનું સમાપન કર્યું હતું. તેમણે પણ તેઓ એંસીના દાયકામાં સંસ્કૃતના શિક્ષક તરીકે ભવનમાં જોડાયા ત્યારથી ઈન્દ્રાજીને જાણતા હોવાનું સ્મરણ કર્યું હતું. ઈન્દ્રાજી તેમની વિદાય પાછળ જે પ્રેમ અને સેવાની ધરોહર છોડતા ગયા છે તેનું આ સ્મરણ હતું.
પ્રાર્થનાસભાની સાંજનું સમાપન ભવનના નિવાસી હિન્દુસ્થાની કંઠ્યસંગીત ગુરુ શ્રીમતી ચંદ્રિમા મિશ્રાના વિદ્યાર્થીઓ દ્વારા રામ ભજનના સંગીતમય રજૂઆત સાથે થયું હતું. આ પછી, તમામ ઉપસ્થિતોને પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાંજનો કાર્યક્રમ ઈન્દ્રાજીના જીવન અને તેમના વારસાને સુસંગત શ્રદ્ધાંજલિ બની રહ્યો હતો જેને સહુ કોઈ યાદ રાખશે.