કાર્ડીફ સનાતન ધર્મ મંદિર અને હિન્દુ કોમ્યુનિટી સેન્ટર, વૅલ્સ ખાતે વેલ્સના હિન્દુ મંદિરોના ઇતિહાસમાં પ્રથમ વખત બ્રહ્માંડના નિર્માતા ભગવાન શ્રી વિશ્વકર્મા દાદાની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા ધામધૂમપૂર્વક કરવામાં આવી હતી. આ પ્રસંગે ૮૫ વર્ષ કરતા વધુ વયના વડિલોના સન્માનનું પણ 'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ'ના સહકારથી આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઅો ઉપસ્થિત રહ્યા હતા.
તા. ૧૩મી મે ૨૦૧૮ના રોજ યોજાયેલ સમારોહની ઉજવણી પ્રસંગે લંડનના શ્રી વિશ્વકર્મા શક્તિ મંડળ દ્વારા "શ્રી વિશ્વકર્માના પવિત્ર-ભજન" કરાયા હતા. આ પ્રસંગે મંદિરના અગ્રણીઅો દ્વારા પ્રાસંગીક પ્રવચન કરાયા હતા. ભગવાન શ્રી વિશ્વકર્માની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ સંસ્કૃત, હિન્દી, ગુજરાતી અને અંગ્રેજીમાં કાર્ડિફના ચંદ્રીકબેન જોશી દ્વારા ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી હતી અને ભગવાન શ્રી વિશ્વકર્માની સ્થાપના "ભગવાનના દરબાર" સિંહાસન પર આરૂઢ કરાવાઇ હતી. આ પ્રસંગે ઉપસ્થિત સૌનું મંદિરની બહેનો દ્વારા ચંદનના તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું અને સૌએ નાસ્તાનો લાભ લીધો હતો.
વડિલ સન્માન સમારોહ
આ પ્રસંગે કાર્ડીફ અને આજુબાજુના નગરોમાં વસતા અને ૮૫ વર્ષની વય ધરાવતા વડિલોનું સન્માન જાણીતા સાપ્તાહિકો ગુજરાત સમાચાર અને એશિયન વોઇસના સહકારથી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત સમાચારના મેનેજીંગ એડિટર કોકિલાબેન પટેલ અને ન્યુઝ એડિટર કમલભાઈ રાવ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા અને વડિલોનું સન્માનપત્ર એનાયત કરી શાલ અોઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું. સન્માનીત વડિલો અને સમુદાયના સભ્યોએ હૃદયપૂર્વક પ્રશંસા કરી આભારની લાગણી વ્યક્ત કરી હતી અને સાપ્તાહિકો દ્વારા થઇ રહેલા વિવિધ સામાજીક અને સખાવતી કાર્યોની સરાહના કરી હતી. કાર્યક્રમને અંતે સૌએ પ્રસાદનો લાભ લીધો હતો.
મંદિરના સંચાલકોએ સ્વયંસેવકો, કાર્ડિફ એન્ડ વેલ્સના શ્રી વિશ્વકર્મા પરિવાર, સ્થાનિક સમુદાય, ગુજરાત સમાચાર અને એશિયન વૉઇસ, આસ્થા ટીવી, વિશ્વકર્મા એસોસિયેશન યુકે, સાઉથ એન્ડ નોર્થ લંડન, ઇસ્ટ લંડન સુથાર એસોસિએશન, સાઉથ લંડન સુથાર એસોસિએશન, શ્રી વિશ્વકર્મા શક્તિ મંડળ લંડન તેમજ બર્મિંગહામ, કોવેન્ટ્રી, હંસલો, નોટિંગહામના સુથાર અને વિશ્વકર્મા સમુદાયના સદસ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો.
સન્માનીત વડિલોની યાદી
* નરસીભાઇ વડગામા
* વિઠ્ઠલભાઇ ખંભાયતા
* શારદાબેન દેસાઇ
* નરોત્તમભાઇ ખંભાયતા
* ડો. ધનજીભાઇ અને ચંપાબેન મેઘાણી
* રમેશભાઇ પટેલ
* બાલુભાઇ ભાયાણી
* સરોજબેન સી. પટેલ
* પુરૂષોત્તમભાઇ મિસ્ત્રી (વાઇસ ટ્રેઝરર)
* કુસુમબેન આર. પટેલ
* રતીલાલ પટેલ
* હંસરાજભાઇ પટેલ (વાઇસ ચેરમેન)
* જયંતિભાઇ રાયાણી (ભૂતપૂર્વ પ્રમુખ)
* ચંદ્રમણીબેન પટેલ
* નંદુબેન પટેલ
* અરજણભાઇ અને શાંતાબેન પટેલ
* હરસુખભાઇ અને ઉર્મિલાબેન દવે