લંડનઃ કાશ્મીરી પંડિત કલ્ચરલ સોસાયટી (KPCS) એ જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં કાશ્મીરી હિન્દુ પંડિતોના સામૂહિક સંહાર અને હિજરતની ૩૦મી વર્ષગાંઠને ૧૪ સપ્ટેમ્બરે ‘બલિદાન દિવસ’ તરીકે ઝોરોસ્ટ્રીઅન સેન્ટરમાં ઉજવી હતી. યુકેસ્થિત ભારતીય હાઈ કમિશનર શ્રીમતી રુચિ ઘનશ્યામ, હેરો ઈસ્ટના કન્ઝર્વેટિવ સાંસદ બોબ બ્લેકમેન, કાઉન્સિલર્સ તેમજ ભારતીય ડાયસ્પોરાના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં. કાશ્મીરી પંડિતો વર્ષોથી યુકેમાં વસવાટ કરી રહ્યા છે.
હાઈ કમિશનર શ્રીમતી ઘનશ્યામે ટુંકા પ્રવચનમાં યુકેમાં વસતા ભારતીય હિન્દુ ડાયસ્પોરાની ચિંતાને હળવી બનાવી હતી. તેમણે લંડનમાં ભારતીય હાઈ કમિશન પર હુમલાઓ સંબંધે લેવાયેલાં પગલાંની વાત કરી હતી અને કાશ્મીરી પંડિતોની હિજરતની કથાઓ વર્ણવતાં ‘Resilience’ પુસ્તકને સત્તાવારપણે લોન્ચ કર્યું હતું. આ પ્રસંગે બોલતા સાંસદ બ્લેકમેને આર્ટિકલ ૩૭૦ની નાબૂદી સંદર્ભે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને સમર્થન જાહેર કર્યું હતું. તેમણે પાકિસ્તાનને તેના કબજા હેઠળના કાશ્મીરને છોડી દેવાની હાકલ કરી સમગ્ર પ્રદેશ પર ભારતનો સાર્વભૌમ અધિકાર હોવાનું જણાવ્યું હતું. ઓલ ઈન્ડિયા કાશ્મીરી સમાજ (KPCS)ના પ્રમુખ અને કાશ્મીરની બાબતોના નિષ્ણાત કર્નલ તેજ કે ટીકુએ તેમના પ્રવચનમાં કાશ્મીર, મૂળ કાશ્મીરીઓ, કાશ્મીરી પંડિતોની હિજરત તેમજ આર્ટિકલ ૩૭૦ની નાબૂદી વિશે જણાવ્યું હતું.
આ પ્રસંગે વિવિધ સાંસ્કૃતિક આયોજનોમાં નૃત્યગુરુ ઉષા રાઘવનની તાલીમ હેઠળ કલાસાગર યુકે સંસ્થાના વિદ્યાર્થીઓ દ્વારા ભરતનાટ્યમ નૃત્યની પ્રસ્તુતિ કરાઈ હતી. કાશ્મીરી પંડિતોની યાત્રાને સંક્ષિપ્તમાં જણાવતી નાટ્યકથા ‘We Remember’ પ્રસ્તુત થઈ હતી. KPCSના સ્થાપક લક્ષ્મી કૌલ લિખિત વાર્તાનું નિર્દેશન કાશ્મીરી હિન્દુ આરુષિ ઠાકુર રાણાએ કર્યું હતું. ૧૪મી સદીના ઈતિહાસથી વર્તમાન તેમજ કાશ્મીરના છેલ્લાં રાણી કોટા રાણીનું જીવન દર્શાવતા આ નાટકમાં કાશ્મીરી પંડિત બાળકો અને માતાપિતાએ અભિનય આપ્યો હતો.