મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આધ્યાત્મિક વડા આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી આધ્યાત્મિક વિચરણ માટે બ્રિટન પધાર્યા છે. તાજેતરમાં તેઓ કિંગ્સબરી સ્વામિનારાયણ મંદિરે પધારતાં તેમનું હર્ષોલ્લાસભેર સ્વાગત કરાયું હતું. ઓક્ટોબર 2022માં ‘જ્ઞાન મહોદધિ’ એટલે કે જ્ઞાનના મહાસાગરની ઉપાધિથી સન્માનિત આચાર્ય શ્રી જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી સાથે 11 સંતો પણ પધાર્યા છે. વિશ્વ વિખ્યાત મુક્તજીવન સ્વામીબાપા પાઇપ બેન્ડે સંગીતની સુરાવલીઓ સાથે તેમને આવકાર્યા હતા. સ્વામીશ્રીને આવકારવા મંદિર સંકુલમાં સેંકડો અનુયાયીઓ એકત્ર થયા હતા. કિંગ્સબરી મંદિર તેના નિર્માણમાં પર્યાવરણનું જતન કરે તેવી આધુનિક ટેક્નોલોજીના ઉપયોગના કારણે ‘વિશ્વના પ્રથમ ઇકો ટેમ્પલ’ સહિત અનેક પ્રતિષ્ઠિત સન્માન મેળવી ચૂક્યું છે. કોવિડ મહામારી દરમિયાન વિશ્વમાં સૌપ્રથમ આ મંદિરમાં વેક્સિનેશન સેન્ટર શરૂ થયું હતું અને 40 હજારથી વધુ લોકોને વેક્સિન અપાઇ હતી.