અમદાવાદ: સદગુરુ શાસ્ત્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર - કુમકુમ - મણિનગર દ્વારા શ્રી મુક્તજીવન સ્વામીબાપાની 117મી પ્રાગટ્ય જયંતીની ઉજવણી ધામધૂમથી કરાઈ હતી. આ પ્રસંગે મુક્તજીવન સ્વામીબાપાની તુલાવિધિ શર્કરા, પૂંગીફલ, શ્રીફળ, ફુલ અને ગોળથી કરાઇ હતી. આ મહોત્સવ પ્રસંગે કુમકુમ મંદિરના સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું હતું કે, શ્રી મુક્તજીવન સ્વામીબાપાએ પ્રગટ થઈને અદ્ભૂત દ્રુત કાર્યો કર્યા છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તેમણે અનેક નવીન ક્રાંતિ લાવ્યા હતા. તેથી તેમને ક્રાંતિકારી સંત તરીકે ઓળખવામાં આવે છે. તેઓએ સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી વિદેશ જઈને સત્સંગ પ્રચાર કરવાની પહેલ પાડી હતી, જનસમાજ માટે શાળા-કોલેજો અને હોસ્પિટલો સ્થાપી હતી. અખિલ ભારત સાધુ સમાજના ઉપાધ્યક્ષ અને ગુજરાત સાધુ સમાજના અધ્યક્ષપદે રહીને પણ તેમણે અનેક સેવાઓ આપી છે.
આ પ્રસંગે શાસ્ત્રી હરિકૃષ્ણસ્વરૂપદાસજી સ્વામીએ જણાવ્યું હતું કે, શ્રી સ્વામિનારાયણ ભગવાનને જેવા છે તેવા ઓળખવા હોય તો બાપાશ્રીને ઓળખવા પડે, બાપાશ્રીને ઓળખવા હોય તો શ્રી મુક્તજીવન સ્વામીબાપાને ઓળખવા પડે અને શ્રી મુક્તજીવન સ્વામીબાપાને જેવા છે તેવા જાણવા હોય તો શ્રી આનંદપ્રિયદાસજી સ્વામીને ઓળખવા જોઈએ. તેમણે શ્રી મુક્તજીવન સ્વામીબાપાને સાથે રહીને સેવા કરીને રાજી કર્યા છે અને તેમણે તેમના સિદ્ધાંતો સાચવી રાખવા જીવન સમર્પિત કરી દીધું હતું.