બ્રિટિશ ગુજરાતી ડાયસ્પોરા પત્રકારત્વક્ષેત્રે છેલ્લા ૩૪ વર્ષથી 'ગુજરાત સમાચાર' સાપ્તાહિકમાં ક્રિયાશીલ મેનેજીંગ એડિટર કોકિલાબહેન પટેલના પત્રકારત્વ આલેખનોના ચૂંટેલા લખાણોનો સંચય 'એક જ દે ચિનગારી'પુસ્તકનો લોકાર્પણ અને એમના સન્માનનો કાર્યક્રમ ગુજરાત સાહિત્ય અકાદમી-ગાંધીનગર, ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડાયસ્પોરા તથા સરદાર પટેલ યુનિવર્સિટી-વલ્લભ વિદ્યાનગર દ્વારા ગુજરાત સાહિત્ય અકાદમીના ચેરમેન પદ્મશ્રી વિષ્ણુભાઇ પંડ્યાના અધ્યક્ષસ્થાને આણંદ-વિદ્યાનગર ખાતે એરેઝોના ઇન હોટેલ ખાતે કરવામાં આવ્યો. આ પ્રસંગે ૩૦૦ પાનના દળદાર ગ્રંથના લોકાર્પણ માટે સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી શિરીષભાઇ કુલકર્ણી, ગાર્ડી રિસર્ચ ઇન્સ્ટીટ્યૂટ ફોર ડાયસ્પોરા સ્ટડીઝ "ગ્રીડસ"ના માનદ નિયામક અને સાગર યુનિવર્સિટી (MP)ના કુલાધિપતિ ડો. બળવંત જાની, ગુજરાત સમાચાર તથા Asian Voiceના પ્રકાશક-તંત્રીશ્રી સી.બી. પટેલ, ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો. નરેશ વેદ, અમેરિકાના 'ગુજરાતી ડાયઝેસ્ટ'ના સંપાદક શ્રી કિશોરભાઇ દેસાઇ, હિન્દુસ્તાન ટાઇમ્સના વરિષ્ઠ પત્રકાર શ્રી ભુપતભાઇ પારેખ તેમજ અન્ય મહાનુભાવોએ ઉપસ્થિત રહી કોકિલાબહેન પટેલના પુસ્તક "એક જ દે ચિનગારી" વિષે વકતવ્યો રજૂ કર્યા હતા.
જે યુનિવર્સિટીમાં કોકિલાબહેને અભ્યાસ કર્યો હતો એ સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિ શ્રી શિરીષભાઇ કુલકર્ણીએ "એક જ દે ચિનગારી"ના ગ્રંથમાં સંકલિત સંખ્યાબંધ લેખો વિષે વિસ્તૃત રીતે રજૂઆત કરી વિદેશમાં રહી પત્રકારત્વનું ખેડાણ કરનાર કોકિલાબહેનને બિરદાવ્યાં હતાં. તેમણે જણાવ્યું કે, ચરોતર એટલે ખેતી અને વેપાર-ધંધાથી સમૃધ્ધ રસાતાળ ભૂમિ. અહીંના પટેલોએ દેશ પરદેશમાં ઇજનેરી, સાયન્સ અને વ્યાપારક્ષેત્રે અભૂતપૂર્વ સિધ્ધિ મેળવી છે. કોકિલાબહેનનું આ માહિતીપ્રદ પુસ્તક જોઇ-વાંચી હવે હું એમ કહી શકું કે સાહિત્યક્ષેત્રે પણ ચરોતરીઓ ઉણા ઉતરે એમ નથી. તંત્રીશ્રી સી.બી. પટેલે આ પુસ્તકમાં "લખતાં લહિયો થાય" મથાળા હેઠળ એમના મંતવ્યમાં તેમણે જણાવ્યું છે એનો ઉલ્લેખ કરી જણાવ્યું કે, એક સામાન્ય ટાઇપસેટરમાંથી કોકિલાબહેન કેવી રીતે લેખન પ્રવૃત્તિમાં સક્રિય બન્યાં. એ પછી 'ગુજરાત સમાચાર'ના વિવિધ હોદ્દે રહી કેવાં ફરજપરસ્ત રહ્યાં એ વિષે જણાવ્યું. ટીખળી વાકચાતુર્ય માટે જાણીતા સી.બી. પટેલે મજાક કરતાં કહ્યું કે, સાહિત્ય અને પત્રકારત્વક્ષેત્રે મોટે ભાગે બ્રાહ્મણ અને જૈન વણિકોની મોનોપોલી હતી હવે પટેલોનો પણ એમાં સમાવેશ થયો છે.
'એરેઝેના ઇન' હોટેલના વિશાળ બેન્કવેટીંગ હોલમાં ૩૫૦-૪૦૦ આમંત્રિતોની ઉપસ્થિતિમાં ગ્રીડ્સના માનદ નિયામક અને સાગર યુનિ.ના કુલાધિપતિ ડો. બળવંત જાની, ગુજરાત સાહિત્ય અકાદમીના પ્રમુખ પદ્મશ્રી વિષ્ણુભાઇ પંડ્યા તથા સરદાર પટેલના કુલપતિ શ્રી શિરીષભાઇ કુલકર્ણીએ કોકિલાબહેન પટેલને પાઘ અને શાલ ઓઢાડી સન્માન કર્યું ત્યારે સૌએ તાળીઓના ગડગડાટથી વધાવ્યાં હતાં.
આ પ્રસંગે કોકિલાબહેનના પતિ ડો. પ્રવિણભાઇ પટેલે પણ એમની ફરજપરસ્તી અને પરીવાર પ્રતિ સ્નેહસભર કર્તવ્યનિષ્ઠાની જાહેરમાં પ્રસંશા કરી હતી. અંતમાં કોકિલાબહેને લાગણીસભર સ્વરે સૌ મહાનુભાવો પ્રતિ આદરભાવ પ્રગટ કરતાં જણાવ્યું કે, એક સામાન્ય ગૃહિણી જેને કોઇ પત્રકારત્વનો અભ્યાસ કે ડિગ્રી મેળવી નથી તેમ છતાં જીવનના અંતિમ પડાવમાં આટલું માન-સન્માન મેળવી શકી એ મા ભગવતી સરસ્વતીની અસીમ કૃપા કહી શકાય પણ આ કાર્યસિધ્ધિનો સઘળોય યશ મારા પ્રેરણાદાયી ગુરુ સમા વડીલશ્રી સી.બી. પટેલને ફાળે જાય છે. એક સામાન્ય ગૃહિણી તરીકે ૧૯૮૩માં જયોત્સનાબહેન શાહ સાથે "ગુજરાત સમાચાર"માં જોબ મેળવવા ગઇ હતી ત્યારે ગુજરાતી ટાઇપ કેમ કરવું કે કમ્પયુટર કેવી રીતે વાપરવું એનો સહેજ પણ મહાવરો ન હતો એવા વખતે કમ્પયુટર પર ગુજરાતી ટાઇપ શીખવનાર અમારા એબીપીએલ ગ્રુપનાં ડાયરેકટર આદરણીય સરોજબહેનનો આભાર વ્યક્ત કરવો જ રહ્યો. ટાઇપસેટરની જોબ દરમિયાન લેખન પ્રવૃત્તિમાં સક્રિય બનતાં તંત્રીશ્રી સી.બી.એ મોકળાશ આપી મારી લેખનપ્રવૃતિને વધુ વેગ આપ્યો. કુંભાર ચાકડે ચઢાવેલા કાચા માંટલાને ઘડે એમ સી.બી.એ વિવિધ હોદ્દે જુદા જુદા પ્રોજેકટ સોંપી સફળતા માટે પડકાર ફેંકી મારી આંતરશક્તિને જાગ્રત કરી છે. નિશાન ચૂક માફ, નીચા નિશાન ના માફ" અને પૂજ્ય કૃપાલ્વાનંદજીની વિટામીનની ગોળી જેવી કાવ્ય રચના "હતાશા"ને વારંવાર યાદ કરાવી જીવનમાં સતત જોમ જગાવનાર આદરણીય સી.બી. સાહેબ મારા માટે એક "રોલ મોડેલ" છે. આજે જે કંઇ હું મેળવી શકી એનો તમામ યશ એમના ફાળે જાય છે. શ્રી સી.બી.એ મારા અંતરમનને ઢંઢોળી પત્રકારત્વની ચિનગારી પ્રગટાવી છે એટલે જ મેં આ મારૂ દળદાર પુસ્તક "એક જ દે ચિનગારી" આદરણીય સી.બી., પુષ્પાબહેન તથા સરોજબહેનને અર્પણ કર્યું છે.
બ્રિટનના વ્યાપાર ધંધા, વ્યવસાય, સામાજિક અને ધાર્મિકક્ષેત્રે નોંધપાત્ર અનુદાન આપનાર વ્યક્તિઓ અને બોલીવુડ હસ્તીઓના ઇન્ટરવ્યુ સાથેના સચિત્ર આ દળદાર ગ્રંથ "એક જ દે ચિનગારી"ને ઇન્ડિયામાં ખૂબ આવકાર સાંપડ્યો છે. લોકાર્પણ સમારંભ વેળાએ ઉપસ્થિત આમંત્રિતોએ ઉમળકાભેર આ અંકની વધાવી કોપી મેળવવા ઉત્સુકતા દાખવી હતી.