ક્રોયડનઃ રવિવાર ૨૨ ઓક્ટોબરે લંડન અને ક્રોયડનના લોકોએ સરે સ્ટ્રીટમાં ક્રોયડન હિન્દુ કાઉન્સિલ દ્વારા આયોજિત ભવ્ય ક્રોયડન દિવાળી મેળાની મોજ માણી હતી. બોલીવૂડથી નોર્થ ઈસ્ટ, મહરાષ્ટ્રથી બાળ રામાયણ, પુરુષ અને સ્ત્રી ઢોલ વાદકો, ગીતો ગાતા લેઝિમ નૃત્યકારોથી માંડી વિવિધ સ્ટોલ્સની મનમોહક અસર જોવા મળી હતી. દિવાળી મેળામાં મેડમ મેયર ટોની લેટ્સે ડેપ્યુટી મેયર કાઉન્સિલર માઈક ડી સિલ્વા તેમજ પૂર્વ મેયરો કાઉન્સિલર વેઈન ટ્રેક્સ લાઉલર અને કાઉન્સિલર મંજુ શાહુલ હમીદ સાથે હાજરી આપી હતી. એક જ સ્થળે ક્રોયડનના વિશાળ હિન્દુ સમુદાયને એકત્ર થયેલો જોઈ તેઓ ઘણાં પ્રભાવિત થયાં હતાં.
ઢોલબીટ્સ યુકે અને લેઝિમ નૃત્યકારો સાથે વ્હીટગિફ્ટ શોપિંગ સેન્ટરથી આરંભ થયેલા સરઘસથી ઉજવણીની શરુઆત થઈ હતી જેમાં, હિન્દુ કોમ્યુનિટીના સભ્યો અને કાઉન્સિલર હમીદા અલી સામેલ થયાં હતાં. અન્ય ધર્મોના અનુયાયીઓએ પણ આ કાર્યક્રમની ભારે પ્રશંસા કરી હતી અને એકબીજા સાથે વાતચીતોમાં જોડાયા હતા. દિવાળી મેળામાં વિવિધ સ્ટોલ્સ હતા પરંતુ, બોમ્બે સ્ટ્રીટ ફૂડનો અનુભવ લેવાનું કોઈ ચૂક્યા ન હતા. સમગ્ર દિવસ દરમિયાન ભારે ઠંડા પવનને સહન કરીને પણ લોકોએ મેળાની મોજ માણી હતી.
ક્રોયડન હિન્દુ કાઉન્સિલના સ્થાપક ડો. જગદીશ શર્મા અને ચેરપર્સન મિસ મયુરા પટેલ દ્વારા આભાર પ્રસ્તાવ રજૂ કરાયો હતો. આ ઈવેન્ટને ક્રોયડન બિડ અને ક્રોયડન કાઉન્સિલ દ્વારા ટેકો અપાયો હતો. સ્થાનિક હિન્દુ સંસ્થાઓ, મેટ્રોપોલીટન પોલીસ હિન્દુ એસોસિયેશને પણ ઈવેન્ટમાં ભાગ લીધો હતો. ઈવેન્ટનું આયોજન અને સંચાલન તેમજ કો-ઓર્ડિનેશન મિસ મયુરા પટેલ દ્વારા કરાયું હતું.