લંડનઃ ક્રોયડન હરે કૃષ્ણ કોમ્યુનિટી દ્વારા ૩૦ જુલાઈને રવિવારે ૮મી વાર્ષિક રથયાત્રા પરંપરાગત ધાર્મિક શ્રદ્ધા અને ઉત્સાહપૂર્વક નીકળી હતી. ક્રોયડન સેન્ટ્રલના MP સારા જોન્સ રથયાત્રાના મુખ્ય મહેમાન હતા અને તેમણે પ્રસ્થાન અગાઉ રથનો રસ્તો વાળીને સાફ કર્યો હતો અને ભક્તો સાથે હરે કૃષ્ણાની ધૂન સાથે નૃત્ય પણ કર્યું હતું.
સેંકડો ભક્તોએ ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાના સુશોભિત રથ ખેંચ્યા હતા. ઢોલ અને અન્ય વાદ્યોના અવાજ અને ભાવિકજનો દ્વારા કૃષ્ણભક્તિના ગીતો તથા ધૂન સાથે ક્રોયડન હાઈ સ્ટ્રીટનું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું. સારા જોન્સે રથયાત્રાના આયોજન માટે કૃષ્ણ કોમ્યુનિટીને અભિનંદન પાઠવ્યા હતા અને ક્રોયડનના વિકાસમાં નોંધપાત્ર યોગદાન બદલ ભારતીય સમુદાયનો આભાર માન્યો હતો. નીતિન મહેતાએ જણાવ્યું હતું કે ભારતીયો ખૂબ મહેનતુ અને કાયદાનું ચુસ્તપણે પાલન કરનારા છે અને તેમને બ્રિટિશ હોવાનું ખૂબ ગૌરવ છે.