મહાત્મા ગાંધી ફાઉન્ડેશન (યુ.કે.) દ્વારા મહાત્મા ગાંધીજીના ૭૦મા નિર્વાણ દિન પ્રસંગે સર્વ ધર્મ પ્રાર્થના સભા અને ભજન સંધ્યાના કાર્યક્રમનું અાયોજન મંગળવાર તા. ૨૦મી માર્ચ ૨૦૧૮ના રોજ સાંજે ૬ થી ૧૦ દરમિયાન કડવા પાટીદાર સેન્ટર, કેન્મોર એવન્યુ, હેરો ખાતે કરવામાં અાવ્યું હતું.
આ પ્રસંગે લંડનના એસેમ્બલી મેમ્બર નવિનભાઇ શાહ, મહાત્મા ગાંધી ફાઉન્ડેશનના ગ્રાન્ડ પેટ્રન સીબી પટેલ, હેરોના મેયર કાઉન્સિલર માર્ગરેટ ડેવાઇન, બ્રેન્ટના મેયર કાઉન્સિલર ભગવાનજી ચૌહાણ તેમજ અન્ય અગ્રણીઅો સહિત આશરે ૩૫૦ જેટલા મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા BAPSના શ્રી વિનુભાઇ ભટ્ટેસા, અનુપમ મિશનના વિનુભાઇ નકારાજા, કડવા પાટીદાર સંસ્થાના પ્રમુખ કાઉન્સિલર સુરેશભાઇ કણસાગરા તેમજ વિવિધ સંસ્થાઅોના અગ્રણીઅોએ પૂ. બાપુને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. આ પ્રસંગે ખ્રિસ્તી, મુસ્લિમ, શિખ, જૈન અને હિન્દુ ધર્મની પ્રાર્થનાઅો દ્વારા પૂ. બાપુને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા હતા. સોનુ ગૃપના કલાકારોએ પૂ. બાપુની પસંદગીના ગીતો-પ્રાર્થના રજૂ કર્યા હતા.
ફાઉન્ડેશનના વાઇસ ચેર અને કાર્યકારી અધ્યક્ષ નીતિબેન ઘીવાલા, સેક્રેટરી શ્રી ભાનુભાઇ પંડ્યા, વાઇસ પ્રેસિડેન્ટ ઇલાબેન પંડ્યા, કાઉન્સિલર મનજીભાઇ કારા, ખજાનચી છગનભાઇ ફટાણીયા, હરીહરભાઇ પટેલ, અરૂણાબેન પટેલ, તેમજ અન્ય હોદ્દેદારોએ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.
આ પ્રસંગે શાકાહારી ભોજન પૂરૂ પાડવા બદલ કિર્તી કેટરીંગના જયાબેન અને વોલંટીયરીંગ સેવાઅો બદલ જગદીશભાઇ પંડ્યા, પી. આર. પટેલ તેમજ યોગી ડિવાઇન સંસ્થાના કાર્યકરોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.