ગુજરાત હિંદુ સોસાયટી પ્રેસ્ટન દ્વારા મેઈન હોલ, સાઉથ મેડો લેન, પ્રેસ્ટન ખાતે તા.૨૬.૦૧.૨૦૧૯ને શનિવારે ભારતના ૭૦મા પ્રજાસત્તાક દિનની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ઉપસ્થિત રહેલા મહાનુભાવોમાં સાંસદ સર માર્ક હેન્ડ્રીક, પ્રેસ્ટન સિટી કાઉન્સિલના ઈન્ટરીમ ચીફ એક્ઝિક્યુટિવ એડ્રિયન ફિલિપ્સ, ચીફ ઈન્સ્પેક્ટર ઓફ પોલીસ સ્ટીવ સેન્સબરી અને કાઉન્સિલર પીટર મોસનો સમાવેશ થતો હતો.
સાંસ્કૃતિક કાર્યક્રમમાં GHSના બોયઝ અને ગર્લ્સ દ્વારા ક્લાસિકલ ડાન્સ, બોલિવુડ ડાન્સ અને અન્ય સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સ્વાતિ ડાન્સ કંપની, અભિનંદન ડાન્સ એકેડેમી અને અનુ ડાન્સ ગ્રૂપ દ્વારા પણ ગીત, સંગીત અને નૃત્યો રજૂ કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ૫૦૦થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા અને કલાકારોની કલાને તાળીઓના ગડગડાટથી વધાવી હતી. .
સર માર્ક હેન્ડ્રીકે જણાવ્યું હતું કે ભારતના ૭૦મા પ્રજાસત્તાક દિનની ઉજવણીના પ્રસંગે હાજર રહીને તેમને ખૂબ આનંદ થયો છે. તેમણે ઉમેર્યું હતું, ‘GHS સંસ્થા માત્ર ધર્મને જ પ્રોત્સાહન આપવાનું કાર્ય કરે છે તેવું નથી. પરંતુ, સંસ્થાના સભ્યો અને સમાજના લોકો માટે પણ વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે. સાંસ્કૃતિક કાર્યક્રમ તૈયાર કરવામાં જે પ્રયાસો થાય છે તેની હું હંમેશા પ્રશંસા કરતો આવ્યો છું.’
GHSના પ્રમુખ દશરથભાઈ નાયીએ ભાગ લેનારા તમામ કલાકારો તેમજ તેમને તાલીમ આપનાર ટ્રેનર્સની પ્રશંસા કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે આપણા સાંસ્કૃતિક વારસાને જાળવી રાખવાનું ખૂબ મહત્ત્વનું છે. આપણો વારસો કેટલો સમૃદ્ધ છે અને તે સમાજના યુવાનોમાં જળવાઈ રહેવાની સાથે સાથે વિકસી રહ્યો છે તેનું આજનો કાર્યક્રમ માત્ર એક ઉદાહરણ છે.
વધુ માહિતી માટે સેન્ટરના મેનેજર અભિનો 01772 253 912 પર સંપર્ક કરી શકાશે.