ગુજરાત હિન્દુ એસોસીએશન, લેસ્ટર દ્વારા પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ

Tuesday 06th February 2018 08:18 EST
 
પ્રસ્તુત તસવીરમાં ડાબેથી કાઉન્સિલર પિયારા સિંહ MBE, જી.એચ.એ. સેક્રેટરી શ્રી મગનભાઈ ડી પટેલ, રાજીવ કુમાર (વાઇસ કન્સોલ), જીએચએના પ્રમુખ મગનભાઈ પટેલ OBE, સેક્રેટરી મગનભાઈ ડી. પટેલ અને જીએએના PRO કાન્તિભાઈ ચુડાસમા નજરે પડે છે
 

લેસ્ટરશાયર વિસ્તારની લગભગ ૩૫ કરતા વધારે ધાર્મિક અને સામાજીક સંસ્થાઅોના શિરછત્ર સમાન ગુજરાત હિન્દુ એસોસિએશન દ્વારા શુક્રવાર તા. ૨૬ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ સાંજે લેસ્ટરના બેલગ્રેવ રોડ નેઇબરહુડ સેન્ટર ખાતે ભારતના ૬૯મા પ્રજાસત્તાક દિનની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ગુજરાત સમાચારના ન્યુઝ એડિટર કમલ રાવ મુખ્ય મહેમાન તરીકે અને ભારતીય હાઇ કમિશનના બર્મિંગહામ સ્થિત વાઇસ કોન્સ્યુલર (OCI) શ્રી રાજીવ કુમાર અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના પ્રારંભે કમલ રાવના વરદહસ્તે સંસ્થાના પ્રમુખ શ્રી મગનભાઇ પી. પટેલ OBE, વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જશવંતભાઇ ચૌહાણ OBE, આસીસ્ટન્ટ સીટી મેયર કાઉન્સિલર પિયારા સિંઘ MBE અને શ્રી રાજીવ કુમારની ઉપસ્થિતીમાં ભારતના રાષ્ટ્રધ્વજનું આરોહણ કરાયું હતું. ગુજરાત હિન્દુ એસોસિએશનના પ્રમુખ શ્રી મગનભાઇ પી. પટેલ OBEએ સૌ મહેમાનોનું સ્વાગત કરી મહેમાનોને ફૂલમાળા અર્પણ કરી હતી.

આ પ્રસંગે મુખ્ય મહેમાન કમલ રાવે ગણતંત્ર દિનની શુભકામનાઅો પાઠવતા જણાવ્યું હતું કે "આઝાદી મળ્યા બાદ ભારતે ખૂબજ અદ્ભૂત વિકાસ કર્યો છે. અગાઉની સરકારોનો મહામૂલો ફાળો તો છે જ પરંતુ આજે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારત ચારેય દિશાઅોમાં પ્રગતિ કરી રહ્યું છે. ભારત વિશ્વની સાતમી મહાસત્તા છે અને ૨૦૫૦ સુધીમાં ભારતનું અર્થતંત્ર ચીન પછી બીજા નંબરનું હશે. ભારતની GDP ૨૦૧૮માં ૭.૪ ટકાના દરે અને ૨૦૧૯માં ભારતની જીડીપી ૭.૮%ના દરે વધશે જે ચીન કરતા પણ વધારે હશે. ભારતનું ફોરેન એક્સચેન્જ રીઝર્વ ૪૧૪ બિલિયન ડોલર્સ થયું છે. GSTનો અમલ થતાં દેશની કાર્યક્ષમતા, વૃદ્ધી અને કરવેરાઅોમાં વધારો થશે. આજે મોદી સરકારના આધાર કાર્ડ, ડોમોનીટાઇઝેશન, ડીજીટલ પેમેન્ટ સહિતના વિવિધ પગલાના કારણે દેશને ઘણો ફાયદો થઇ રહ્યો છે. દેશમાં ટેક્ષ ભરતા લોકો ડબલ થયા છે, ડીજીટલ ટ્રાન્જેક્શનમાં વધારો થયો છે. ભારતે મિસાઇલ ટેક્નોલોજી, રોકેટ અને સ્પેસ ટેક્નોલોજી, આઇટી સહિત વિવિધ ક્ષેત્રે જોરદાર સફળતા મેળવી છે. ચીન અને પાકિસ્તાનને ઘેરવા ભારતે વિદેશનીતિમાં ધરખમ ફેરફારો કર્યા છે.”

કમલ રાવે "ગુજરાત હિન્દુ એસોસિએશન અને સહયોગી સંસ્થાઅોના અગ્રણીઅોને સંસ્થાઅોની વિવિધ પ્રવૃત્તીઅોનો લાભ આમ સમુદાયને વધુને વધુ પ્રમાણમાં મળે તે માટે વધુ પ્રયત્નો કરવા અને જ્ઞાતીવાદને દૂર કરી મહિલાઅોના સશક્તિકરણ માટે યોજનાઅો ઘડવા અપીલ કરી હતી.”

વાઇસ કોન્યુલર શ્રી રાજીવ કુમાર (OCI)એ જણાવ્યું હતું કે "હુું આ પ્રસંગે ઉપસ્થિત સૌને ભારતના ગણતંત્ર દિન પ્રસંગે શુભેચ્છાઅો પાઠવું છે. ઘણા બધા ભાઇ બહેનો હજુ PIO કાર્ડ ધારણ કરી રહ્યા છે અને તે સૌને હું નમ્ર વિનંતી કરૂ છું કે તેમણે આગામી ૩૧મી અોક્ટોબર પહેલા પોતાના PIO કાર્ડને OCI માં ટ્રાન્સફર કરાવી લેવું. ભારત પ્રવાસે જનાર સૌ કોઇએ આખરી તારીખ ૩૧ અોક્ટબર પહેલા ભારત છોડીને પરત આવી જવું. PIOમાંથી OCI કાર્ડમાં ફેરબદલ કરવાની આ આખરી તક છે.” આ બાબતે વધુ મદદ કે સલાહની જરૂર હોય તો પોતાનો સંપર્ક કરવા જણાવ્યું હતું.

આ પ્રસંગે સંસ્થાના ઉપપ્રમુખ જશવંતભાઇ આર. ચૌહાણ OBE, આસીસ્ટન્ટ સીટી મેયર કાઉન્સિલર પિયારા સિંઘ MBE એ પણ પ્રાસંગીક પ્રવચન કર્યા હતા. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના PRO કાંતિભાઇ ચુડાસમાએ કર્યું હતું.

પ્રાસંગીક પ્રવચનો પછી લેસ્ટરના શ્રી સનાતન મંદિરની શ્રુતિ રામ, એશિયન ડાન્સ સોસાયટી - ડી મૉન્ટફોર્ટ યુનિવર્સિટીના આશીની સૌજાની, એમી બકરાણીયા, ખુશી ગામી અને સુખલોવ મહેરા, ગોલ્ડન માઇલ હેરિટેજ ગ્રુપના અસ્મીતા, દેવિકા તેમજ ઉર્વી અને મહેર એસોસિએશન ગર્લ્સ રાસ ગ્રુપ, લેસ્ટર તેમજ શ્રી યુકે આર.કે. સેવા સમાજના કલાકારોએ સુંદર નૃત્યો રજૂ કર્યા હતા. શિવ પુરોહિતે ભક્તિ ગીત રજૂ કર્યું હતું.

સંસ્થાને લાંબા સમય સુધી સહકાર આપનાર શ્રી શક્તિ મંદિર, શ્રી લિમ્બાચીયા જ્ઞાતી સમાજ, લેઉઆ પાટીદાર સમાજ, શ્રી રાજપૂત ભોઇરાજ સમાજ અને મોમ્બાસાની ન્યુ પૂર્ણિમા સંસ્થાના અગ્રણીઅોને ટ્રોફી અર્પણ કરાઇ હતી. લેસ્ટરની વિવિધ સંસ્થા સાથે સંકળાયેલ વિવિધ સંસ્થાઅોના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ પ્રતિનિધિઅો ઉપસ્થિત રહ્યા હતા.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter